મોબાઇલની મોંકાણ જોતાં એવું થાય કે જો એક દી’ બધી મોબાઇલ કંપની બંધ થઈ જાય તો ભલભલાની રાડું નીકળી જાય ને મોબાઇલ પોતે મરસિયાં ચાલુ કરી દ્યે
પ્રતીકાત્મક તસવીર
આજના યુવકોમાં મોબાઇલ મેનિયા એટલો વ્યાપ્યો છે કે બે મિનિટ માટે તો મને ભયંકર કલ્પના આવી ગઈ શું થાય, જો દેશની બધી મોબાઇલ કંપનીઓનું અકાળે અવસાન થાય તો?
ઇમેજ ઇટ.
ADVERTISEMENT
ઇમેજો, ઇમેજો. ઇમેજવાનો રોમિંગ ચાર્જ નથી.
ધારો કે બધેબધી મોબાઇલ કંપની બંધ થઈ જાય ને એનું બેસણું પણ પતી જાય તો પછી દેશના કેવા હાલ થાય? વિચારો જરાક, BSNL સિવાય કોઈનું અસ્તિત્વ જ ન રહે તો? સાહેબ, તો BSNLનાં ત્યજી દીધેલાં ડબલાં મેળવવા ફરી પાછાં ધિંગાણાં શરૂ થાય હોં અને નવી લાઇન લેવા માટે ભલભલાની ઓળખાણું કામે લગાડવી પડે અને એ ઓળખાણું એનું પરિણામ આપે એ પહેલાં એક ત્યક્તા સાથે પુનર્લગ્ન કર્યા પછી જેમ તેને પરાણે ચાહવી પડે એમ ફરી પાછી પી.પી. સેવાઓ ઉપલબ્ધ થાય.
અત્યારે જે પંદર ને વીસ વર્ષના છોકરડા છે તેમને તો આ પી.પી. સર્વિસ વિશે ખબર પણ નહીં હોય. વાત આગળ વધારતાં પહેલાં કહી દઉં, આ PPનું ફુલ ફૉર્મ થાય, પાડોશીની પત્તર ખાંડો.
BSNL લૅન્ડલાઇન તરીકે શ્રેષ્ઠ સેવા હતી એની ના નહીં, પરંતુ મોબાઇલમાં હું કાયમ ૨મૂજમાં કહું કે BSNL = બહાર શેરીમાં નીકળો ત્યારે લાગે.
એક વાર ભાઈબંધ ચકાએ મારી પાસે વ્યથા વ્યક્ત કરી કે સાંઈ, આ BSNL કંપનીવાળા મને ધમકી આપે છે.
‘શેની...’
ચકાએ નાનું મોઢું કરીને કહ્યું, ‘બિલ નહીં ભરો તો કાપી નાખશું.’
પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા એક જણાએ શેઠને કહ્યું કે દસ હજાર ઉછીના આપો નહીંતર ત્રણ કંપનીવાળા મારી વાંહે પડ્યા છે. શેઠને ધ્રાસકો પડ્યો કે કઈ ત્રણ કંપનીવાળા? નોકરિયાતનો જવાબ સાંભળવા જેવો છે.
માળો ગટિડો ક્યે, ‘BSNLવાળા, PGVCLવાળા ને કૉર્પોરેશનવાળા.’
ભાઈનું કે’વું એમ હતું કે એ ત્રણેયનાં બિલ બાકી છે.
પણ હશે, આપણે શું. આપણે તો જરાક દાંત કાઢવાના છે ને દાંત કાઢવામાં આ વખતે મોબાઇલને અડફેટે લેવાનો છે, પણ સાચું કહું? આ મોબાઇલ ફોન એક અદ્ભુત શોધ હતી, જો એને કાબૂમાં રાખીને વાપરવાનું શાણપણ આપણે દેખાડ્યું હોત તો પણ એવું તો કાંઈ આપણામાં છે કંઈ. આપણું તો પેલા ગાંડા જેવુંને, ગાંડો નાહી નહીં ને નાહી તો ચામડી ઉતરડે. મોબાઇલ આજે અનિવાર્ય અનિષ્ટ બની ગઈ છે. તમારા એકાંત અને શાંતિનો સૌથી મોટો દુશ્મન તમારો મોબાઇલ છે. યાદ રાખજો, મોબાઇલથી સંબંધો ટકે છે, પરંતુ અનુભવાતા નથી. એક sms તમારી વાતને વિસ્તારી શકે છે, પણ તમારા વ્યક્તિત્વને હરગિજ નહીં.
ટાઇટૅનિકની જેમ બધી મોબાઇલ કંપનીઓ જો ડૂબી જાય તો પછી લોકો પોતાના સદ્ગત મોબાઇલના ઇન્સ્ટ્રુમેન્ટને જીવની જેમ સાચવી રાખશે. મોબાઇલ સાથે જોડાયેલી તમામ વાતોને લોકો એક ભવ્ય ભૂતકાળની જેમ વાગોળશે. મોબાઇલના પ્રથમ ગ્રાહકનું દરેક જ્ઞાતિ અને શહેર જાહેરમાં સન્માન કરશે. લોકો પોતાના બંધ પડી ગયેલા મોબાઇલને ચાંદલો કરી પૂજામાં મોહેં જો દડોના અવશેષની જેમ સાચવી રાખશે. હાઇટ ઑફ ધ સ્ટોરી : એવું થાશે તો ઘરમાં બા કે બાપુજી ગુજરી જાય ત્યારે એના ફોટાના બદલે શોકેસમાં બા કે બાપુજી વાપરતા એ મોબાઇલ રાખવામાં આવશે. બાપુજીના બેસણામાં પણ લોકો બાપુજી કેવી રીતે મોબાઇલ વાપરતા અને કેવા-કેવા મેસેજ ગામને ફૉર્વર્ડ કરતા એની જ વાતો થાશે. બાને આખી જિંદગી કૉલ ડાયલ કરતાં ને મોબાઇલ સાઇલન્ટ કરતાં ન આવડ્યું એનો રંજ સંતાનો જાહેરમાં ઉઠમણામાં પ્રગટ કરશે.
લોકો વોડાફોન અને આઇડિયામાંથી જન્મેલા ઓલા વી કંપનીના બોર્ડ જોઈને રીતસર ૨ડી પડશે ને કેટલાક તો છાજિયાં લેશે. મોબાઇલનાં મરસિયાં ગવાશે ને શેરીએ-શેરીએ લાગેલા બિલાડીના ટોપ જેવા ટાવરો નીચે લોકો મોબાઇલ દેવતાની માનતા ક૨શે. પ્રભુના દસમા અવતારની જેમ સમગ્ર દેશ ફરી મોબાઇલ જીવંત થાવાની માનતા રાખશે. સફરજનના ચિતરવાળા ફોન વાપરનાર આજીવન આ ફ્રૂટની બાધા લેશે ને જામફળ ખાઈને રોળવશે. મોબાઇલ વગરની દુનિયા કેવી કરુણ કૉમેડી સર્જે એ વિચારજો અને સાથોસાથ એ પણ વિચારજો કે આજે મોબાઇલવાળી દુનિયામાં પણ કરુણતા એવી જ છે. ફરક માત્ર એટલો છે કે મોબાઇલની વાંહે ગોઠવાયેલા આપણને આ કરુણતા દેખાતી નથી. હમણાં થોડાક સમય પહેલાં ડૉ. નિમિત્ત ઓઝાએ તેમની કૉલમમાં લખ્યું કે મોબાઇલ હવે વ્યસન બની ગયું છે, તમે એના આદી છો કે નહીં એ ચકાસજો. સાવ સાચું કીધું તેમણે. મોબાઇલની રિંગ વાગતી નો હોય તોયે મા’ણા બેઠો-બેઠો બબ્બે ઘડીએ મોબાઇલ હાથમાં લઈને જોઈ લેશે, કોઈનો ફોન આયવો કે નઈ?
અરે ડફોળ, આવશે તો એનો કર્કશ અવાજ આખું ઘર ધ્રુજાવશે, તું તારા હાથ સખણાં રાખને, પણ ના... મોબાઇલ હાથમાં છે ને એની મધર બોર્ડ મગજમાં ફિટ થઈ ગ્યું છે. કરો સહન, થાવ દુખી.

