લગ્ન બાદ પિટિશન દાખલ કર્યા પછી કે ડિપેન્ડન્ટ નૉન-ઇમિગ્રન્ટ વીઝાની અરજી કર્યા પછી કેટલા સમયમાં તમને વીઝા મળી શકશે? એ માટેના ઇન્ટરવ્યુમાં શું-શું દેખાડવું પડશે?
પ્રતીકાત્મક તસવીર
જો તમે અમેરિકામાં રહેતી કોઈ વ્યક્તિ જોડે લગ્ન કરવા ઇચ્છતા હો તો તમારે એ જાણી લેવું જોઈએ કે એ વ્યક્તિનું અમેરિકામાં શું સ્ટેટસ છે, તમારે એ પણ જાણી લેવું જોઈએ કે એવા સ્ટેટસ ધરાવતી વ્યક્તિ જોડે લગ્ન કરતાં તમારે અમેરિકામાં રહેવા જવા માટે કયા પ્રકારની પિટિશન દાખલ કરવાની રહે છે. એ પિટિશન દાખલ કરવા માટે તમારામાં શું-શું લાયકાત હોવી જોઈએ? જે અમેરિકન વ્યક્તિ જોડે તમે લગ્ન કરવા ઇચ્છો છો એની શું લાયકાત હોવી જોઈએ? લગ્ન બાદ પિટિશન દાખલ કર્યા પછી કે ડિપેન્ડન્ટ નૉન-ઇમિગ્રન્ટ વીઝાની અરજી કર્યા પછી કેટલા સમયમાં તમને વીઝા મળી શકશે? એ માટેના ઇન્ટરવ્યુમાં શું-શું દેખાડવું પડશે? કેવા-કેવા સવાલો પૂછવામાં આવી શકે છે?
આ સઘળી જાણકારી તમારે લગ્ન માટેના પાત્રની પસંદગી કરતાં પહેલાં મેળવી લેવી જોઈએ કારણ કે લગ્ન ભલે સ્વર્ગમાં રચાતાં હોય, પણ વીઝા તો અમેરિકન કૉન્સ્યુલેટો જ આપે છે અને જો તમે તેમને જે વાતની ખાતરી કરવાની હોય છે એ કરાવી નહીં શકો તો તમને તેઓ અમેરિકામાં રહેવા માટેના, ઇમિગ્રન્ટ યા ડિપેન્ડન્ટ નૉન-ઇમિગ્રન્ટ વીઝા નહીં આપે.
ADVERTISEMENT
અમેરિકન સિટિઝન, ગ્રીન કાર્ડધારક અથવા ત્યાં નૉન-ઇમિગ્રન્ટ કૅટેગરીના આંતર કંપની ટ્રાન્સફરી L-1 કે પછી ખાસ આવડત ધરાવનારા ગ્રૅજ્યુએટો માટેના H-1B યા ત્યાંની યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરતા F-1 વીઝાધારકો કે પછી અન્ય કોઈ પ્રકારના નૉન-ઇમિગ્રન્ટ વીઝાધારકોમાંના કોઈની પણ જોડે જો એક ભારતીય વ્યક્તિએ લગ્ન કરવાં હોય અને લગ્ન બાદ અમેરિકામાં રહેતા તેના પતિ યા પત્ની જોડે રહેવા માટે અમેરિકા જવું હોય અને તેમની સાથે અમેરિકામાં કાયમ માટે અથવા તો તેઓ તેમના નૉન-ઇમિગ્રન્ટ વીઝા પર જેટલો સમય અમેરિકામાં રહેતા હોય એટલો સમય તેમના ડિપેન્ડન્ટ તરીકે અમેરિકામાં રહેવું હોય તો શું-શું કરવું જોઈએ? આમ અમેરિકામાં રહેતી વ્યક્તિ જોડે જો તમે લગ્ન કરવા ઇચ્છો તો એ વ્યક્તિનું સ્ટેટસ શું છે, અમેરિકન સિટિઝન છે, ગ્રીન કાર્ડધારક છે કે પછી કોઈ એક પ્રકારના નૉન-ઇમિગ્રન્ટ વીઝા પર અમેરિકામાં રહે છે એના ઉપર લગ્ન કરનાર ભારતીય વ્યક્તિએ આધાર રાખવાનો રહે છે અને એ અમેરિકામાં રહેતી વ્યક્તિના સ્ટેટસ પ્રમાણે ઇમિજિએટ રિલેટિવ કૅટેગરી હેઠળ યા તો ફૅમિલી સેકન્ડ એ પ્રેફરન્સ કૅટેગરી હેઠળ કે પછી ડિપેન્ડન્ટ વીઝા મેળવવાના રહે છે. દરેક પ્રકારની કૅટેગરીની પ્રક્રિયા જુદી-જુદી હોય છે. જુદું-જુદું દર્શાવવાનું રહે છે. ઇન્ટરવ્યુમાં જુદા-જુદા સવાલો કરવામાં આવે છે અને જો યોગ્ય લાગે તો જ ઑફિસરો તેમને અમેરિકામાં તેમના પતિ યા પત્ની સાથે રહેવા માટેના ઇમિગ્રન્ટ યા ડિપેન્ડન્ટ નૉન-ઇમિગ્રન્ટ વીઝા આપે છે.

