જેન-ઝીને આજે સૌથી મોટી જો કોઈ મૂંઝવણ હોય તો એ છે બૉડી-ઇમેજ ઇશ્યુ એટલે કે પોતાના દેખાવને લઈને
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
આજે જેન-ઝીને સૌથી વધારે ફાસ્ટ, મૉડર્ન અને ટેક્નૉસૅવી જનરેશન માનવામાં આવે છે અને એ હકીકત છે, પણ એમ છતાં મોટા ભાગની જેન-ઝી ફિઝિકલ રિલેશનશિપ માટે અમુક પ્રકારની સમસ્યાથી પીડાય છે જે મને તેમની સાથેના કન્વર્સેશન દરમ્યાન ખબર પડે છે. ભલે જેન-ઝી મોંફાટ હોવાનું દેખાતું, પણ મારો અંગત અનુભવ છે કે સેક્સ વિષયક લેક્ચર પછી કૉલેજમાં ભણતી જેન-ઝી પણ જાહેરમાં સવાલો કરતાં ડરે છે અને એમાં કશું ખોટું પણ નથી. કેટલીક બાબતોમાં ઑર્થોડૉક્સ રહેવું હિતાવહ છે, ખાસ કરીને ત્યારે જ્યારે બહારની દુનિયા હવે તમારી આંગળીના ટેરવે છે.
જેન-ઝીને આજે સૌથી મોટી જો કોઈ મૂંઝવણ હોય તો એ છે બૉડી-ઇમેજ ઇશ્યુ એટલે કે પોતાના દેખાવને લઈને. ફિલ્ટર્સ અને એડિટ કરેલા ફોટો વચ્ચે તેમણે પોતાની એક બાહ્ય ઇમેજ ઊભી કરી છે, પણ એ ઇમેજ ખોટી છે એ તે જાણે છે અને એટલે જ તેને સૌથી વધુ ચિંતા એ વાતની છે કે પોતાની સાચી બૉડી-ઇમેજ પાર્ટનરને ગમશે કે નહીં. આ ઇશ્યુનું એક સૉલ્યુશન હું દરેકને આપું છું અને કહું છું કે ફિલ્ટર્સ વાપરવાનું અને ફોટો એડિટ કરવાનું બંધ કરી દો. એ પછી પણ જો તમારા સંબંધોમાં આત્મીયતા અકબંધ રહે તો માનવું કે તમારી બૉડી-ઇમેજ સ્વીકાર્ય છે.
ADVERTISEMENT
આ સિવાય જેન-ઝીમાં પર્ફોર્મન્સ-ઍન્ગ્ઝાયટીનો ઇશ્યુ પણ બહુ મોટો છે જેની પાછળ સોશ્યલ મીડિયા અને પૉર્નોગ્રાફી જવાબદાર છે. મને-કમને પણ સ્વીકારવું રહ્યું કે આ પ્રકારની કન્ટેન્ટ કન્ઝ્યુમ કરનારો મોટો વર્ગ જેન-ઝી છે અને કન્ઝ્યુમ કરાયેલી કન્ટેન્ટની વચ્ચે તેના મનમાં એવી દ્વિધા રહે છે કે પોતે બેડ પર પર્ફોર્મન્સ આપવામાં સક્ષમ રહેશે કે નહીં, પાર્ટનરને તેની ઇચ્છા મુજબનો સંતોષ આપી શકશે કે નહીં.
ફિઝિકલ રિલેશનમાં પર્ફેક્ટ હોવાના દબાણની વચ્ચે જેન-ઝીનો મોટા ભાગનો વર્ગ ફિઝિકલ રિલેશનથી દૂર ભાગતો થઈ ગયો છે. અહીં માત્ર છોકરીઓની જ વાત નથી, છોકરાઓ પણ પ્રયાસ કરે છે કે તે ફિઝિકલ રિલેશનશિપમાં આવવાનું ટાળે. જેન-ઝીની આ સમસ્યા દૂર કરવાનો સરળ રસ્તો છે સોશ્યલ મીડિયા અને પૉર્નોગ્રાફીથી દૂર રહો અને એવી કન્ટેન્ટ જોવાનું ટાળો. જો એ ટાળી શકશો તો જ તમે તમારા નૉર્મલ વ્યવહારમાં પરત આવી શકશો અને મનમાં રહેલા આ ઇશ્યુને મોટો થતો રોકી શકશો.


