I love you આ ત્રણ શબ્દો સાથે જે શબ્દ-ઝૂમખું છે એ આમ તો અંગ્રેજી કહેવાય; પણ ગુજરાતીમાં આપણા સૌ માટે પણ એ સાવ ઘરેલુ, ગામઠી ગુજરાતી જેવો શબ્દપ્રયોગ થઈ ગયો છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)
I love you આ ત્રણ શબ્દો સાથે જે શબ્દ-ઝૂમખું છે એ આમ તો અંગ્રેજી કહેવાય; પણ ગુજરાતીમાં આપણા સૌ માટે પણ એ સાવ ઘરેલુ, ગામઠી ગુજરાતી જેવો શબ્દપ્રયોગ થઈ ગયો છે. દસ-વીસ વરસના કિશોરથી માંડીને સિત્તેર-એંસીએ પહોંચેલા વડીલો સુધ્ધાં I love youને પોતીકો ગામઠી ગુજરાતી પ્રયોગ જ સમજે છે. બધા એનો અર્થ બરાબર જાણે છે. આમ તો એનું ભાષાંતર હું તને ચાહું છું કે પછી હું તને પ્રેમ કરું છું એવું થાય, પણ આ ચાહવું કે પ્રેમ કરવો એક છોકરો અને છોકરી વચ્ચેનો જ સંવાદ હોય એમ માની લેવામાં આવે છે. પરસ્પરને ચાહવું કે પ્રેમ કરવો એ કંઈ માત્ર યુવાન છોકરા-છોકરી વચ્ચેનો જ વ્યવહાર નથી. એક ક્ષણ પૂરતું તમે યાદ કરો કે આ શબ્દ-ઝૂમખું કોઈએ તમને કહ્યું હતું. જો એવું યાદ ન આવે તો તમને નથી લાગતું કે એક ઘડી અંદરથી આપણને ખાલીપો થાય! જો આવું તમને કોઈએ કહ્યું ન હોય તો શું તમે ક્યારેય કોઈને એવું કહ્યું છે? એનો જવાબ પણ જો ના જ હોય તો ઘડીક અટકીને વિચારો. પેલો ખાલીપો કેટલો મોટો થઈ જાય!
મુંબઈના વરિષ્ઠ નાટ્યરસિકોને હજી આજે પણ ‘પત્તાંની જોડ’ નામના નાટકનું સ્મરણ હશે. લગભગ સાઠેક વર્ષ પહેલાં આ નાટક મુંબઈના રંગમંચ પર ભારે લોકપ્રિય થયું હતું. એના લેખક હતા પ્રબોધ જોશી. આ નાટકનાં પાત્રોમાં એક દાદાજીનું પાત્ર હતું. દાદાજી અને પૌત્રી વચ્ચે સંવાદ થાય છે. પૌત્રી દાદાજીને પોતાના Loveની વાત કરે છે અને પછી પૂછે છે, ‘દાદાજી, તમે Love કરેલો ખરો?’
ADVERTISEMENT
જવાબમાં દાદાજી હસીને કહી દે છે, ‘દીકરી, Love તો અમે પણ અમારા જમાનામાં કરતા, પણ એ Loveની કાંઈ લવલવ ન થાય.’
Love કંઈ જે અર્થમાં આજે આપણે સમજીએ છીએ એ અર્થ એટલો મર્યાદિત નથી. પિતા અને પુત્ર, માતા કે પુત્રી, બે ભાઈઓ, બહેનો, મિત્રો કોઈ પણ બે વ્યક્તિ વચ્ચે પ્રેમ હોઈ શકે. આપણે માણસ છીએ અને માણસ તરીકે પરસ્પર વચ્ચે પ્રેમનો સંબંધ હોઈ શકે છે. જોકે આ પ્રેમ શું હોય છે એ પ્રેમ કરનાર બન્ને છેડે કોઈને ખબર નથી હોતી. દરેક પ્રેમ કરનાર એવું સમજે છે કે અમે પરસ્પર પ્રેમ કરીએ છીએ, પણ આ પ્રેમ અમુક ચોક્કસ સમયખંડ પછી બદલાઈ જતો પણ હોય છે. ગઈ કાલે જે પ્રેમીજનો એક જ થાળીમાં સૌની નજર સામે જમતા હતા એ પ્રેમીજનો બીજા એક સમયે પરસ્પરથી મોં ફેરવીને અદાલતમાં ઊભા હોય છે. જે પિતા-પુત્ર કે જે બે ભાઈઓ પોતાના સંબંધોને આ પ્રેમ શબ્દની સાંકળે મુશ્કેટાટ બાંધતા હતા એ સાંકળ રેશમી દોરીની જેમ ક્યાં સરકી ગઈ એ પણ બેમાંથી કોઈ જાણતું હોતું નથી.
પ્રેમપ્રદર્શન
નવા-નવા અને તાજા-તાજા પ્રેમીઓની મર્યાદા એ થઈ જાય છે કે પોતાના આ પ્રેમને બીજા સૌની નજરે દેખાડ્યા વિના તેમને ચેન પડતું નથી. એક જ થાળીમાં સૌના દેખતા ભોજન કરવું એ તંદુરસ્તીની નિશાની નથી. વિજ્ઞાનની દૃષ્ટિએ એ એંઠવાડ છે. પરસ્પરના સાવ અજાણ્યા રોગિષ્ઠ જંતુઓને પ્રેમપૂર્વક પરસ્પરમાં પસાર કરવાની આ પ્રક્રિયા છે. હંમેશાં આપણે જેને એંઠવાડ કહીએ એને જ્યારે આ પ્રેમ શબ્દ સાથે વળગાડ થાય ત્યારે બધું જ વિસ્મરણ થઈ જાય છે. અહીં ઉદ્દેશ પ્રેમને ઉતારી પાડવાનો નથી પણ સાચા અર્થમાં એને સમજવાનો છે. સ્મૃતિનો તાંતણો જો દોષ ન દેતો હોય તો અહીં વી. શાંતારામની ફિલ્મ ‘દો આંખેં બારહ હાથ’ યાદ આવે છે. કથાનાયિકા કથાનાયકને પ્રેમ કરે છે, પણ એ પ્રેમ ઢોલ વગાડીને ક્યાંય દેખાતો નથી. અંતિમ તબક્કાના દૃશ્યમાં કથાનાયક મૃત્યુ પામે છે ત્યારે કથાનાયિકા પોતાના હાથની બંગડીઓને નાયકના મસ્તક પાસે ફોડી નાખે છે. (ત્યારે સ્ત્રીઓ બંગડીઓ પહેરતી હતી. આજે બંગડી અલોપ થઈ ગઈ છે.) આ બંગડીના અવાજ સાથે પ્રેક્ષક ધ્રૂજી ઊઠે છે. અહીં જ પ્રેમનો જાણે વિસ્ફોટ થાય છે.
પ્રેમપદારથ
વ્યાવહારિક જીવનમાં બને છે એવું કે માણસ-માણસ વચ્ચે જરૂરિયાતની જે સાંકળ છે એ દૃઢ થતી રહે છે અને બદલાતી પણ રહે છે. આ જરૂરિયાત પરસ્પરને એક સંબંધે સાંકળતા કરી દે છે. સંબંધની આ સાંકળ આમ તો જરૂરિયાતને કારણે હોય છે, પણ એનું સ્વરૂપ આપણને રૂડુંરૂપાળું લાગે છે. આ રૂડારૂપાળા સંબંધને આપણે પ્રેમ કહેતા હોઈએ છીએ. ફરી એક વાર સ્પષ્ટતાથી સમજી લેવું જોઈએ કે પ્રેમ મામૂલી ભાવના નથી. એ એક અદ્ભુત લાગણી છે, પણ એનું અસ્તિત્વ આમ સાવ સહેલાઈથી ઓળખી શકાય નહીં અને એને એક વ્યવહાર તરીકે પ્રદર્શિત કરી શકાય નહીં. પ્રેમ કરવો આપણને ગમે છે, પણ આ પ્રેમપદાર્થને વ્યાવહારિક જીવનમાં એક ઉપયોગિતા તરીકે સાંકળી લઈએ છીએ ત્યારે એનું અવમૂલ્યન થઈ જાય છે. પ્રેમનું ઊર્ધ્વમૂલન મૌનમાં છે, શબ્દમાં નહીં. પ્રેમને ઓળખવાની એક સાવ સહેલી ચાવી એ જ છે કે વ્યક્તિ જ્યારે એમ સમજે, એમ માને અને એમ જ કરે – ‘મને તો આ નથી ગમતું, પણ તને ગમે છે માટે હું કરું છું અને મને નથી ગમતું એ તારી જાણમાં ન આવે એની તકેદારી રાખું છું.’
પોતાના હોવા કરતાં પ્રેમના બીજા છેડે જે વ્યક્તિ છે તેનું હોવું જ્યારે એકરૂપ થઈ જાય છે ત્યારે આ પ્રેમપદાર્થને શોધવો પડતો નથી, ઓળખવો પડતો નથી. એનું હોવું એ જ જાણે અસ્તિત્વ બની જાય છે.

