ચાલવાની કે ઊભા થવાની કોઈ શક્યતા રહેતી નથી, કારણ કે એવું કરવાથી ખૂબ વધારે પેઇન રહે છે જેને સહન કરવું મુશ્કેલ બનતું હોય છે
પ્રતીકાત્મક તસવીર
મોટી ઉંમરે હિપ બોન ફ્રૅક્ચર થવાની શક્યતા વધી જાય છે જે માટે સાવચેતી હોવી જરૂરી છે. જ્યારે વ્યક્તિ પડી જાય અને તેની હિપનું હાડકું ભાંગે તો એનું દર્દ અસહ્ય હોય છે. ચાલવાની કે ઊભા થવાની કોઈ શક્યતા રહેતી નથી, કારણ કે એવું કરવાથી ખૂબ વધારે પેઇન રહે છે જેને સહન કરવું મુશ્કેલ બનતું હોય છે. આ ઉપરાંત આવી વ્યક્તિને થોડા સમય માટે મળ-મૂત્ર કરવામાં પણ ખૂબ વધારે દર્દ થતું હોય છે જે દર્દથી ગભરાઈને વ્યક્તિ ખાવા-પીવાનું છોડી દે છે. આ ફ્રૅક્ચરને કારણે વ્યક્તિનો એક પગ એકથી દોઢ ઇંચ જેટલો ટૂંકો થઈ જાય છે. આમ તે વ્યક્તિ ખંગોળાઈને ચાલે છે. સર્જરી ન કરાવે તો જિંદગીભર તેનો પગ ટૂંકો જ રહે છે જેને કારણે ચાલવામાં તકલીફ અને ફરી-ફરી પડવાની શક્યતામાં વધારો થાય છે. જો સર્જરી ન કરાવવામાં આવે તો આવી વ્યક્તિ પથારીવશ થઈ જતી હોય છે જેને કારણે તેને શ્વાસનો પ્રૉબ્લેમ, ન્યુમોનિયા, યુરિન ઇન્ફેક્શન, ખોરાક-પાણીમાં ઘટાડો જેવી ફિઝિકલ કન્ડિશન અને દર્દની પીડા, ડિપ્રેશન અને જીવવાની આશા છોડી દેવાની માનસિક હાલત તેને મૃત્યુ સુધી લઈ જાય છે. જેમનો ઇલાજ નથી થતો એવા દરદીઓના જીવનમાંથી હિપ બોન ફ્રૅક્ચરને કારણે ૧૦ વર્ષ ઓછાં થઈ જાય છે.
હિપ બોન ફ્રૅક્ચરથી બચવા માટે જે ઉપાય કરી શકાય એમાં હાડકાંને પહેલેથી મજબૂત બનાવવાં જરૂરી છે જેથી મોટી ઉંમરે પ્રૉબ્લેમ ઓછો થાય. બોન લૉસ ઘટાડવો અને ઑસ્ટિઓપોરોસિસથી બચવા માટે હેલ્ધી ડાયટ અને એક્સરસાઇઝ જ એકમાત્ર ઉપાય છે. બાકી બચવા માટે જે પ્રયત્નો કરી શકાય એ પડવાથી બચવાના પ્રયત્નો હોઈ શકે છે. એ માટે વૃદ્ધ વ્યક્તિએ આ બાબતોનું ધ્યાન રાખવું. રાત્રે સૂતી વખતે લાઇટ ચાલુ રાખીને સૂવું અથવા રૂમમાં એટલો પ્રકાશ હોવો જોઈએ કે રાત્રે તમે બાથરૂમ જવા માટે ઊઠો તો તમને દેખાય. ઊઠીને સીધા ઊભા ન થાઓ. પલંગ પર બેસો, પગને થોડા હલાવો અને તમને પૂરો વિશ્વાસ આવે કે ઊઠી શકાય એમ છે ત્યારે જ ઊઠો અને ધ્યાનથી ચાલો. શરદી થઈ હોય અને એની ઘેનવાળી દવા લીધી હોય, ઊંઘની ગોળી લેતા હોય એવા લોકોએ રાત્રે કે વહેલી સવારે ઊઠતી વખતે ખાસ ધ્યાન રાખવું. જ્યાં સુધી એકદમ જાગૃત ન બનો ત્યાં સુધી ઊઠો નહીં. બાથરૂમના રસ્તામાં રમકડાં કે કોઈ બીજી વસ્તુઓ નડે અને એને કારણે પડી જવાય નહીં એ માટે રાત્રે એક વાર ચેક કરીને પછી સૂઓ. બેડરૂમમથી બાથરૂમ સુધીનો પૅસેજ સાફ રાખો. બાથરૂમ હંમેશાં સૂકું રાખો જેથી ભીના બાથરૂમમાં લપસી ન પડાય. બાથરૂમમાં પકડવા માટે રેલિંગ રાખો જેથી થોડું પણ ઇમબૅલૅન્સ થવાય તો તરત પકડી શકાય.
ADVERTISEMENT
-ડૉ. અમિત મહેતા

