અમેરિકન લેખક જિમ રોનનું આ વિધાન સમજશો તો ખ્યાલ આવશે કે આપણી વ્યક્તિગત ઉન્નતિ માટે આપણા ઇનર સર્કલમાં યોગ્ય લાયકાત ધરાવતા મિત્રો હોવા અત્યંત જરૂરી છે
તસવીર સૌજન્ય : એ.આઈ
નિશાળ કે કૉલેજમાં હોઈએ ત્યારે આપણું મિત્રવર્તુળ વિશાળ હોય છે. જે આપણી સાથે ક્રિકેટ રમે, ટ્યુશનમાં આવે, આપણા ક્લાસમાં હોય કે રિસેસમાં સાથે નાસ્તો કરતો હોય એ દરેક જણ આપણો મિત્ર હોય. આપણા દરેકના જીવનમાં એક એવો સમય હોય છે જ્યારે આપણા મિત્રવર્તુળમાં પ્રવેશવા માટે કોઈએ મહેનત નથી કરવી પડતી. કોઈ પણ, લિટરલી કોઈ પણ આપણો મિત્ર બની શકે છે, કારણ કે ત્યારે મિત્ર બનાવવા માટેના આપણા માપદંડ બહુ ઉદાર હોય છે. ટીનેજ કે આવતી યુવાની એટલે કે ઉંમરના વીસના તબક્કે આપણે એવું માનતા હોઈએ છીએ કે મિત્રોની સંખ્યા જેટલી વધારે એટલો આનંદ વધારે. કેટલાક લોકો પોતાની લોકપ્રિયતા પ્રસ્થાપિત કરવાના ઉદ્દેશથી પણ વધારે મિત્રો ‘રાખતા’ હોય છે. કેટલાક માટે એ પ્રતિષ્ઠાની બાબત હોય છે તો કેટલાક માટે સ્વાભિમાનની. કેટલાકનો સ્વભાવ મળતાવડો હોય છે તો કેટલાક પ્રયત્નપૂર્વક મિત્રો બનાવે છે. વિશાળ મિત્રવર્તુળ હોવાની સૌથી સકારાત્મક અસર આપણા માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. એ આપણને પ્રતીત કરાવે છે કે આપણે પૉપ્યુલર, કનેક્ટેડ, પ્રિય અને સ્વીકાર્ય છીએ; પણ સમય જતાં ઘણુંબધું બદલાય છે.
ધીમે-ધીમે આપણું મિત્રવર્તુળ સંકોચાતું જાય છે. એનાં મુખ્ય ત્રણ કારણો છે. પહેલું, વ્યક્તિગત રીતે જેમ-જેમ આપણે વિકસતા જઈએ છીએ તેમ-તેમ એ ‘વિકસિત ક્ષેત્ર’ની યોગ્યતામાં ઉત્તીર્ણ ન થઈ શકનારા કેટલાક મિત્રો આપમેળે દૂર થતા જાય છે. તેઓ કોઈ અન્ય દિશામાં વિકાસ પામે છે. બીજું, કેટલાક મિત્રો એટલે ખરી પડે છે કારણ કે દુર્ભાગ્યવશ તેઓ વિકસી જ નથી શકતા. આપણી પ્રતિભા, પ્રગતિ કે વિસ્તરી રહેલા કામ/જ્ઞાન/ચૈતન્ય સાથે તેઓ કદમ નથી મિલાવી શકતા.
ADVERTISEMENT
મિત્રવર્તુળ ઘટતું જવાનું ત્રીજું અને સૌથી મહત્ત્વનું કારણ એ છે કે ઉંમર વધવાની સાથે આપણે સમજદાર, પરિપક્વ અને પ્રજ્ઞાવાન બનીએ છીએ. આપણી પ્રાથમિકતાઓ અને પસંદગી બદલાય છે. આપણાં શોખ, રુચિ અને વિષય બદલાય છે. કૅન્ટીનમાં ગપ્પાં મારવા કે ક્રશ વિશેની વાતોથી લઈને મેડિટેશન કરવા સુધી જિંદગીની ટૂંકી મુસાફરીમાં આપણે અનેક વાર બદલાઈએ છીએ. ઇન ફૅક્ટ એ બદલાવ નથી, પરિવર્તન છે. ઉંમર વધવાની સાથે જેને જાળવી રાખવાનો થાક લાગે એવી ‘હાઈ મેન્ટેનન્સ’, લો વૅલ્યુ મિત્રતાને આપણે સહર્ષ વિદાય આપીએ છીએ. જે મિત્રો જાળવી રાખવા પ્રયત્નો કે સમજાવટ કરવી પડે અથવા તો ‘ઔપચારિક પરિશ્રમ’ કરવો પડે એવા મિત્રોથી આપણે અંતર વધારતા જઈએ છીએ. અને એટલે મિત્રવર્તુળ ઘટતું જાય છે. તો શું કરવું? એનો અફસોસ કરવો કે ઉજવણી?
એનો જવાબ બ્રિટિશ માનવશાસ્ત્રી રૉબિન ડનબર પાસે છે. જેમને ઇવૉલ્યુશનરી સાઇકોલૉજિસ્ટ કહેવાય છે એવા ડનબરના મત પ્રમાણે કોઈ એક મનુષ્ય તેના સમગ્ર જીવન દરમિયાન મહત્તમ ૧પ૦ અર્થસભર સંબંધો જ જાળવી શકે છે. આ સંખ્યાને Dunbar’s Number કહેવાય છે. પણ એનો અર્થ એ નથી કે આપણા ૧પ૦ મિત્રો હોઈ શકે. આ સંખ્યા આપણા જીવનમાં રહેલા તમામ સ્થાયી સંબંધો કે જોડાણોની છે.
આપણા જીવનમાં રહેલા લોકો ત્રણ અલગ-અલગ વર્તુળોમાં વહેંચાયેલા હોય છે. એ ત્રણેય વર્તુળની કુલ સંખ્યા ૧પ૦ છે. જેને આપણે ‘ઇનર સર્કલ’ કહીએ છીએ એમાં તો ફક્ત પાંચ વ્યક્તિઓ જ હોઈ શકે. આ વર્તુળમાં ફક્ત એવા જ લોકો હોઈ શકે જેની સાથે આપણા ગાઢ અને ઘનિષ્ઠ સંબંધો હોય. કોઈ પણ જાતની ‘ઇમોશનલ લેબર’ વિના જેમની સામે આપણે પારદર્શકતા, નિખાલસતા અને આપણા મૂળ સ્વભાવ પ્રમાણે વર્તી શકીએ.
મનોવૈજ્ઞાનિકો અને સંશોધકોના મત પ્રમાણે આપણી સુખાકારી માટે પચીસ કે પચાસ ઉપરછલ્લાં કનેક્શન્સ કરતાં ચાર કે પાંચ ગાઢ અને આત્મીય મિત્રો વધારે જરૂરી છે. મિત્રતાની સમૃદ્ધિ સંખ્યાથી નહીં, ગુણવત્તાથી નક્કી થાય છે.
કહેવા ખાતર તો ફેસબુકમાં પાંચ હજાર મિત્રો હોય છે, પણ એમાંથી એવા કેટલા જેમની સાથે આપણે ભાવનાત્મક રીતે જોડાયેલા હોઈએ? વાસ્તવિક વિશ્વમાં મિત્રો જેટલા ઓછા, એટલો જાત અને કુટુંબ માટે સમય વધારે. જો તમે વધુપડતા લોકો માટે હંમેશાં અવેલેબલ રહો છો તો એ તમારી ઉદારવાદી નીતિ નથી, સમય અને સ્વનું મૂલ્ય સમજવાની અસમર્થતા છે.
અમેરિકન લેખક જિમ રોનનું એક વિધાન મારું પ્રિય છે, ‘જે પાંચ વ્યક્તિઓ સાથે તમે મહત્તમ સમય પસાર કરો છો, તમે એ પાંચ વ્યક્તિઓની સરેરાશ છો.’ આપણી વ્યક્તિગત ઉન્નતિ માટે આપણા ઇનર સર્કલમાં યોગ્ય લાયકાત ધરાવતા મિત્રો હોવા અત્યંત જરૂરી છે. ભલે થોડી અતિશયોક્તિ લાગે, પણ ઇન્ટરનેટ પર બહુ જ ઉલ્લેખાયેલું એક પ્રચલિત સ્ટેંગ છે, ‘If you are not losing friends, then you are not growing up!’ વિધાનનું અર્થઘટન બહુ જ કાળજીપૂર્વક કરવું રહ્યું, પણ એક વાત તો નક્કી છે.
આપણી વૈચારિક ભૂમિકા જેમ વિસ્તરતી જાય છે એમ આપણું મિત્રવર્તુળ સંકોચાતું જાય છે. એ સ્વાર્થીપણું નથી, એ ગતિશીલતાની અસર છે. આપણે દરેક આધ્યાત્મિક ઉત્ક્રાંતિના અલગ-અલગ તબક્કામાં હોઈએ છીએ. આપણાં તરંગો, ઊર્જા, ભાવ અને વિસ્તરણ સાથે જેઓ સુમેળ સાધી શકે છે તેઓ સાથે ચાલી શકે છે, બાકીના વિખૂટા પડતા જાય છે. તેમને છેક સુધી સાથે રાખવાની ન તો આપણી જવાબદારી છે, ન તો ક્ષમતા.

