મણિકર્ણિકા ઘાટ અને આ ઉજવણી મૃત્યુને મહોત્સવરૂપે ઊજવવાની શીખ આપે છે. સતત બળતી ચિતા અધ્યાત્મની અનુભૂતિ કરાવે છે.
તીર્થાટન
મસાન હોલી
પુણ્ય ક્ષેત્ર કાશીમાં ખેલાતી મસાન હોળી સંપૂર્ણ બ્રહ્માંડમાં ખેલાતી એકમાત્ર હોળી છે જે મડદાંની રાખથી ખેલાય છે. ધુળેટીની પહેલાં દ્વાદશીના ઊજવાતી મસાન હોળીમાં સ્મશાનેશ્વર મહાદેવ પણ ભસ્મથી રંગાય છે.
વ્રજ ભૂમિની રંગોની હોળી, લઠ્ઠમાર હોળી, ફૂલોની હોળી તેમ જ લડ્ડુમાર હોળી જગપ્રસિદ્ધ છે. વ્રજના દરેક કૃષ્ણ મંદિરમાં વસંત પંચમીથી ધુળેટી સુધી ૪૦ દિવસ રોજેરોજ નટવરને હોળી રમાડાય અને ફાગોત્સવ ઊજવાય છે.
ADVERTISEMENT
‘ઠાકોરજી જો સવા મહિના લગી હોળી ઉત્સવ મનાવે તો ભોલેનાથને પણ થયું કે હું પણ એક દિવસ તો હોળીની ઉજવણી કરું. પણ એ તો રહ્યા જોગી, તેમને લાલ-પીળા રંગમાં રસ ન પડે; તેમને તો સ્મશાનની રાખ જ સોહે.’ આવા જ કોઈ વિચારથી મસાન હોળીની શરૂઆત થઈ હશે. વેલ, આ તો લેખકની કલ્પના છે પરંતુ એ સત્ય છે કે મસાન હોળી ખેલવાનો ઉલ્લેખ પ્રાચીન ધર્મગ્રંથો કે વેદ-ઉપનિષદોમાં નથી પરંતુ લાંબા અરસાથી અહીં મસાન હોળી ઊજવાય છે. આશુતોષનો અમુક ભક્તવર્ગ માને છે કે લગ્ન પછી આ જ દિવસે શંકર ભગવાન પાર્વતી માતાને લઈ પહેલી વખત કાશીની ધરતી પર પધાર્યા અને એ દિવસે જ તેમણે હાલના મણિકર્ણિકા ઘાટ પર જલતી ચિતાની રાખ લઈ પોતાના શરીર પર ચોળી હતી. એટલે શિવભક્તો ભસ્મોત્સવ ઊજવે છે. ખેર, સત્ય ભોલેબાબા જાણે. આપણે આજે તીર્થાટનમાં અહીં થતા મોસ્ટ યુનિક રાખોત્સવનો સ્વાદ માણીએ.
ગુરુવારે તમારા હાથમાં પેપર આવશે એ દિવસે કાશી વિશ્વનાથના દરબારમાં રંગ અને ગુલાલની છોળો ઊડતી હશે અને ભગવાન સહિત ભક્તો રંગ ભરી એકાદશીનો ઉત્સવ ઊજવતા હશે. ફાગણ સુદ અગિયારસે અહીંના સ્થાનિકો રંગ ભરી એકાદશી મનાવે છે. ને એના બીજા દિવસે વારાણસીમાં ઊજવાય છે મસ્તીભરી મસાન હોલી. સવાર પડતાં જ કાશીના અઘોર પીઠ બાબા કીનારામ આશ્રમમાં અઘોરી બાબા, નાગા સાધુઓ, તાંત્રિકો જાતજાતની તેમ જ ભયાવહ વેશભૂષા રચીને હાજર થઈ જાય છે. કોઈ સાધુ શરીર પર સર્પો વીંટાળીને આવે છે તો કોઈ ગળામાં મુંડમાળા પહેરીને પધારે છે. વળી કોઈ યમરાજના વેશમાં આવે છે તો કોઈ ભૂતના. ઇન શૉર્ટ, મોર ડેન્જર ઇઝ મોર બ્યુટિફુલ હિયર. તેમની કોઈ પ્રતિયોગિતા નથી હોતી છતાં દરેક સાધુ દરેક વર્ષે કંઈક હટકે, કંઈક નવતર વેશ રચીને આવે છે. આશ્રમથી તેઓ કાશીના મહામાર્ગો પર પાંચ કિલોમીટર ફરતાં-ફરતાં મણિકર્ણિકા ઘાટ પહોંચે છે. ઍન્ડ નવાઈની વાત એ છે કે આવા ભયાનક વેશધારી અઘોરીઓના આ જુલૂસને જોવા બનારસની ગલીએ-ગલીએ ભીડ જમા થાય છે. વાય? આવા બિહામણા ચહેરા શા માટે જોવાના? કારણ કે માન્યતા છે કે આ જુલૂસનાં દર્શન માત્રથી મનુષ્યનાં પાપ ધોવાઈ જાય છે. આ કારણે આખો સંઘ કાશીના ઘાટ પર પહોંચે ત્યાં સુધી એમાં ૫૦ હજાર જેટલા માણસો જોડાઈ ગયા હોય છે.
વિશ્વના એકમાત્ર ઓલ્ડેસ્ટ રનિંગ સ્મશાન ઘાટ પર પહોંચી ભક્તો સૌપ્રથમ અહીં મહાસ્મશાન કાલીમાના મંદિરમાં આરતી કરે છે. માતાના આશીર્વાદ લીધા પછી ઘાટ પર આવેલા સ્મશાનેશ્વર મહાદેવને ભભૂત હોળી ખેલાવાય છે. ત્યાર બાદ અઘોરીઓ, બાવાઓ કલાકો સુધી મડદાંની રાખથી મૌજે-મૌજે હોળી રમે છે અને છેલ્લાં થોડાં વર્ષોથી આ હોળીમાં અઘોરી સાધ્વીઓ પણ જોગણીના વેશમાં જોડાય છે. એ જ રીતે સ્થાનિકો પણ મડદાંની રાખને પોતાના શરીર પર ચોપડવાની વિધિ અત્યંત પવિત્ર મનથી કરે છે. આ દરમિયાન ઘાટ પર આ સાધુઓ જાતજાતના ખેલ પ્રદર્શિત કરે છે. કોઈ શિવપુરાણનાં દૃશ્યો ભજવે છે તો કોઈ કળા-કરતબ, બળ-પ્રદર્શનના શો પણ રજૂ કરે છે. આખી બપોરનો એ માહોલ એવો જીવંત તેમ જ આનંદી હોય છે કે જોનારા ભૂલી
જ જાય છે કે તેઓ સ્મશાન ઘાટ પર છે.
ત્યાર બાદ મોડી બપોરે મસાન હોલી ખેલનારી દરેક વ્યક્તિ મા ગંગામાં ડૂબકી લગાવી પાવન થાય છે. એક દિવસના આ જલસામાં જોડાવા દેશભરના આસ્થાળુઓ તો મોટી સંખ્યામાં અહીં પહોંચે છે. સાથે વિદેશના ટૂરિસ્ટો પણ કુતૂહલથી જોડાય છે. કાશીના પંડિત રાહુલ પાઠક મસાન હોલીની પરંપરા વિશે કહે છે, ‘અનેક દશકાઓથી મસાન હોલી પૂર્ણ નિષ્ઠા અને શ્રદ્ધાથી મનાવાય છે. એમાંય છેલ્લાં ૨૫ વર્ષોમાં એ વિશિષ્ટ થઈ છે અને એના પગલે વધુ પૉપ્યુલર પણ થઈ છે. એક માન્યતા છે કે શિવજીના શિષ્યગણમાં તો અઘોરીઓ, ભૂત, યક્ષ, ગંધર્વ, પિશાચ જેવા આત્માઓ હતા. કૈલાસપતિ વિશ્વનાથ રૂપે અહીં આવ્યા ત્યારે દેવ, દેવી, ઋષિઓ અને બ્રહ્મા અને વિષ્ણુ ભગવાને એ પ્રવેશોત્સવ મનાવ્યો; પણ એ અવસરમાં મહેશનો અનોખો ગણ જઈ શકે એમ નહોતો. આથી મહાદેવે તેમના શિષ્યો સાથે આ સ્થળે રાખથી સેલિબ્રેટ કર્યું અને એ શિવભક્તિ પ્રગટ કરવાના હેતુસર અહીં મસાન હોલીનું આયોજન થાય છે.’
તેઓ કહે છે, ‘શંભુએ ભસ્માસુર જેને અડે એને ભસ્મ કરવાનું વરદાન તો આપી દીધું પણ એ જ અસુર ખુદ શિવજીને ભસ્મ કરવા તત્પર થયો ત્યારે વિષ્ણુ ભગવાને મોહિની રૂપ ધારણ કર્યું અને ભસ્માસુરને પોતાની મોહજાળમાં લપટાવ્યો. લાગ જોઈ મોહિનીએ એ રાક્ષસને પોતાનો હાથ પોતાના જ માથા પર મૂકવાનું કહ્યું. ને મોહાંધ ભસ્માસુરે એમ કર્યું. ઍન્ડ... અસુર રાખ થઈ ગયો. પોતાના દલપતિ ભસ્માસુરથી બચી ગયા એ આનંદમાં શિવગણોએ ભસ્માસુરની રાખથી હોળી ખેલી, જેમાં પાર્વતીપતિ જોડાયા ને ત્યારથી આ પરંપરાનાં મંગલાચરણ થયાં. વેલ, આ દિવસે અહીંનું વાતાવરણ એવું વાઇબ્રન્ટ હોય છે કે ભાવિકોને મસાન હોળી શા માટે ખેલાય, ક્યારે શરૂ થઈ એ પંચાતમાં રસ નથી. તેમને તો શિવની વાઇબ્સ માણવામાં રસ હોય છે.
પૉઇન્ટ્સ ટુ બી નોટેડ
મણિકર્ણિકા ઘાટ અને આ ઉજવણી મૃત્યુને મહોત્સવરૂપે ઊજવવાની શીખ આપે છે. સતત બળતી ચિતા અધ્યાત્મની અનુભૂતિ કરાવે છે. બીજી તરફ આ આનંદોત્સવ જિંદગીની પળેપળની ઉજવણી કરવાનો પાઠ ભણાવે છે.
મસાન હોળીમાં હજારો ખેલૈયાઓ જોડાવાથી એમાં જોઈતી રાખ થોડા દિવસ પૂર્વેથી ભેગી કરવામાં આવે છે.
આ હોળીમાં ડાન્સ, ડ્રામા, મ્યુઝિક સાથે ખાણીપીણીનો પણ જલસો હોય છે. એમાંય હોળી માટે ખાસ બનતા ગુજિયા (દિવાળીમાં બનતા માવાના ઘૂઘરા)ની દેશી ઘી તેમ જ ચાસણીની મિઠ્ઠી સોડમ આખા બનારસને મઘમઘિત કરી દે છે.
કેવી રીતે જવું?
બનારસ જવું એ હવે ચર્ચગેટથી વિરાર જવા જેટલું સહેલું છે. બમ્બઈ નગરિયાથી અઢળક ટ્રેનો વારાણસી જાય છે અને દિવસની ચાર સીધી ઉડાન સેવાઓ બનારસના લાલ બહાદુર શાસ્ત્રી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર લૅન્ડ કરાવે છે. એ જ રીતે અહીં હોટેલ્સ, ગેસ્ટહાઉસ, ધર્મશાળા સાથે હોમ સ્ટે અને તારાંકિત રિસૉર્ટનો પણ ઢગલો છે. કાશીવાસીઓ કહે છે કે ચાહે બે લાખ માણસો વિશ્વનાથની નગરીમાં આવે, દરેકનો સમાવેશ થઈ જ જાય છે. ને વાત કરીએ અહીંના જમણની તો... મરણની જેમ કાશીનું જમણ પણ જોરદાર છે. બનારસના દરેક ચોકે, દરેક ગલીની કોઈ ને કોઈ ફૂડ-આઇટમ ફેમસ છે. ક્યાંનું શું સ્પેશ્યલ છે એ જ્ઞાનથી સોશ્યલ મીડિયા છલકાઈ રહ્યું છે.