જૈનમ બૅન્ક્વેટ નજીક કરન્ટ લાગવાથી ૧૯ ઑગસ્ટે ૧૭ વર્ષના દીપક પિલ્લેનું મૃત્યુ થયું હતું.
મૃત્યુ પામેલો દીપક પિલ્લે.
ઑગસ્ટ મહિનામાં ભાંડુપમાં પાણી ભરાઈ ગયેલા LBS રોડ પર ૧૭ વર્ષના દીપક પિલ્લેનું કરન્ટ લાગવાથી મૃત્યુ થયું હતું, ફરિયાદ કરવા છતાં વીજ વિભાગના અધિકારીઓની બેદરકારીને લીધે દુર્ઘટના બની
ભાંડુપ-વેસ્ટના લાલ બહાદુર શાસ્ત્રી (LBS) રોડ પર જૈનમ બૅન્ક્વેટ નજીક કરન્ટ લાગવાથી ૧૯ ઑગસ્ટે ૧૭ વર્ષના દીપક પિલ્લેનું મૃત્યુ થયું હતું. આ મામલે ભાંડુપ પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવતાં મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (MSEDCL)ના અધિકારીની બેદરકારી સામે આવી હતી. અંતે મંગળવારે MSEDCLના અસિસ્ટન્ટ એન્જિનિયર વિકાસ જાધવ સહિત બે લોકો સામે ભાંડુપ પોલીસે ફરિયાદ નોંધી હતી. નજીકના વિસ્તારમાં હોમ ડેકોરેટરની દુકાન ધરાવતા મારવાડી વેપારી નીતિન જૈનના સ્ટેટમેન્ટની આ કેસમાં મહત્ત્વની ભૂમિકા હોવાની માહિતી પોલીસે આપી હતી.
ADVERTISEMENT
બે અધિકારીઓ સામે બેદરકારીનો કેસ
ભાંડુપ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર બાળાસાહેબ પવારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૯ ઑગસ્ટે સવારે દીપક પિલ્લેને કરન્ટ કેવી રીતે લાગ્યો એની જાણકારી મેળવવા માટે ઘટનાસ્થળ નજીકના લોકોનાં સ્ટેટમેન્ટ લેવામાં આવ્યાં હતાં. રસ્તા પર ભરાયેલા પાણીમાં કરન્ટ આવી રહ્યો હતો. તાત્કાલિક અમારા અધિકારીઓએ MSEDCLના અધિકારીઓનો સંપર્ક કરીને એને રિપેર કરાવી લીધું હતું. જોકે આમાં બેદરકારી કોની હતી એની તપાસ કરતાં જ્યાં દીપકનો અકસ્માત થયો હતો એ જ વિસ્તારમાં વ્યવસાય કરતા એક વેપારીએ ૧૯ ઑગસ્ટે સવારે આઠ વાગ્યાની આસપાસ MSEDCLના કન્ટ્રોલમાં ફોન કરીને પાણીમાં કરન્ટ આવતો હોવાની ફરિયાદ કરી હતી. જોકે એના પર કોઈ ચોક્કસ ધ્યાન આપવામાં આવ્યું નહોતું. એના આધારે જાણવા મળ્યું હતું કે MSEDCLના અધિકારીઓની બેદરકારીને કારણે દીપકનું મૃત્યુ થયું હતું. અંતે એ સમયે કયા અધિકારીઓ ઑન ડ્યુટી હતા એની માહિતી મેળવી અસિસ્ટન્ટ એન્જિનિયર વિકાસ જાધવ અને ટેક્નિશ્યન સંતોષ રુદ્રશેટ્ટી સામે બેદરકારીભર્યા કૃત્ય દ્વારા બીજાના મૃત્યુ માટે જવાબદાર હોવાનો કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.’

