નવા નિયમ પ્રમાણે પેન્શન ખાતામાંથી તો ૩૬ મહિના પછી પૈસા ઉપાડી શકાશે
પ્રતીકાત્મક તસવીર
એમ્પ્લૉઇઝ પ્રોવિડન્ટ ફન્ડ ઑર્ગેનાઇઝેશન (EPFO)એ એક મહત્ત્વપૂર્ણ ફેરફારની જાહેરાત કરી હતી. અત્યાર સુધીના નિયમ પ્રમાણે કોઈ પણ વ્યક્તિ જો સળંગ બે મહિના નોકરી વગર હોય તો તે પોતાના પ્રોવિડન્ટ ફન્ડ (PF)માંથી તમામ પૈસા ઉપાડી શકતો હતો. હવે બે મહિનાના સમયને વધારીને ૧૨ મહિના કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં, પેન્શન અકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા માટે તો ૩૬ મહિના રાહ જોવી પડશે. અગાઉ આ સમયગાળો પણ ફક્ત બે મહિનાનો જ હતો.
કેન્દ્રીય શ્રમપ્રધાન મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં સોમવારે EPFOના સેન્ટ્રલ બોર્ડ ઑફ ટ્રસ્ટીઝ (CBT)ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નવા ફેરફારના નિર્ણય કરવામાં આવ્યા હતા. EPFOના એક વરિષ્ઠ અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે ઘણા યુવાનો મહિનાની બેરોજગારી પછી તરત ભંડોળ ઉપાડી લે છે એ કારણે તેઓ પેન્શન અને અન્ય લાભથી પણ વંચિત રહી જાય છે. પેન્શનનો લાભ કુલ ૧૦ વર્ષ કે તેથી વધુ સર્વિસ થાય એ પછી જ મળી શકે છે.

