જપાનનું નિસેકો સ્કી રિસૉર્ટ ઑસ્ટ્રેલિયન, ચાઇનીઝ અને અન્ય સાઉથ એશિયન સ્કી લવર્સનું હૉટ ફેવરિટ હોવા સાથે રિચ ઍન્ડ ફેમસ લોકોનું પણ સમર ડેસ્ટિનેશન છે.
જપાનનું નિસેકો સ્કી રિસૉર્ટ
જપાનનું નિસેકો સ્કી રિસૉર્ટ ઑસ્ટ્રેલિયન, ચાઇનીઝ અને અન્ય સાઉથ એશિયન સ્કી લવર્સનું હૉટ ફેવરિટ હોવા સાથે રિચ ઍન્ડ ફેમસ લોકોનું પણ સમર ડેસ્ટિનેશન છે. સ્નોફ્લુઅન્સરોએ અહીંના પાઉડર સ્નોને એટલો પ્રખ્યાત બનાવી દીધો છે કે આખી દુનિયાના પર્યટકોની મીટ હવે નિસેકો પર છે
છેલ્લાં થોડાં વર્ષોથી જપાન ભારતના સહેલાણીઓમાં ખાસ્સું લોકપ્રિય થયું છે. ઓસાકાના કાસલ, નારાના નેચર પાર્ક અને ટોક્યોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપરાંત અહીંના લોકોની ડિસિપ્લિન, કામ પ્રત્યેની કટિબદ્ધતા અને સરળતા આપણા લોકોને આકર્ષી રહી છે. એમાંય ચેરી બ્લૉસમ ટાઇમે જપાન જે રીતે મહોરી ઊઠે છે એ જોઈ ભારતીયો લિટરલી જપાનના પ્રેમમાં પડી જાય છે.
ADVERTISEMENT
બટ નાઓ સભી ભારતવાસીઓ, ફોકસ ઑન નિસેકો. એક સમયે સ્કી રિસૉર્ટ તરીકે સીમિત રહેલું આ સ્નો ટાઉન હવે રિચ ઍન્ડ ફેમસ, ફિલ્મસ્ટાર્સ, સેલિબ્રિટીઓનું ફેવરિટ હૅન્ગઆઉટ ડેસ્ટિનેશન છે.
વેલ, નિસેકોની અન્ય વિશેષતાઓ જાણવા પહેલાં એનાં ભૂગોળ અને ઇતિહાસનો થોડો સ્ટડી કરીએ. જપાનના એક્સ્ટ્રીમ ઉત્તરમાં આવેલો આ વિસ્તાર કુલ ૨૦૦ સ્ક્વેર કિલોમીટરનો છે અને ૪ ક્ષેત્રમાં વિભાજન કરવામાં આવ્યો છે. જપાનના મેઇન લૅન્ડની ઉત્તરમાં આવેલો હોક્કાઇડો ટાપુ દેશનો એક પ્રાંત છે અને એ પ્રાંતના પશ્ચિમી ભાગમાં નિસેકો વિસ્તાર એક પહાડ, અન્નપુરી, શાકોતન, ઓટારૂ કૈગનકવાસી નૅશનલ પાર્કનો સમૂહ છે. યુરેશિયન મહાદ્વીપથી આવતી મૌસમી હવા જપાનના સમુદ્રના ગરમ પાણી સાથે ટકરાય છે અને આ ટક્કર બરફનાં વાદળાં બનાવે છે. આ બાદલ વર્ષ દરમિયાન અહીં ઍવરેજ ૧૪ મીટર જેટલો સ્નો વરસાવે છે ઍન્ડ આ જાપો (બરફ)ની ખાસિયત એ છે કે એ પાઉડર જેવો હલકો અને શુષ્ક હોય છે જે સ્કીઅર્સ અને સ્નો-બોર્ડરને મોજ કરાવી દે છે. ઍન્ડ આવો જાપો જ મુસાફરોને જામો કરાવી દે છે.
સ્કીઇંગ
ખેર, આ તો થઈ સ્કી માસ્ટર અને સ્નો-સર્ફરની મોજ. આપણા જેવા સાદા પર્યટકોનું શું જેને બરફમાં સ્નો મૅન બનાવવો છે કે પછી શિફોનની પાતળી સાડી પહેરી વિડિયો શૂટ કરવો છે.
વેલ, વેલ, વેલ. અમે એ જ વાત કરી રહ્યા છીએ કે ૨૦૧૮ની સાલ સુધી આ વિસ્તાર આઇડિયલી સ્કીઅર માટે જ હતો બટ હવે સ્નો લવર્સની ટૂરિસ્ટ પ્લેસમાં કન્વર્ટ થઈ ગયો છે. ગયા વર્ષે અહીં ૧૫ લાખ પર્યટકો આવ્યા હતા બોલો. એય ફક્ત ૪ મહિનાના ગાળામાં.
આમ તો ડિસેમ્બરથી અહીં સ્નોફૉલ શરૂ થઈ જાય છે પરંતુ સ્નો પાઉડરના લવર્સ માટે જાન્યુઆરી પ્રાઇમ ટાઇમ છે. આ મહિનામાં હાઇએસ્ટ બરફવર્ષા થાય છે એટલે સ્નો-બોર્ડર્સને, સ્કીઅરને દરરોજ ફ્રેશ સ્નો મળે છે. અહીં આવતા સ્કીપ્રેમીઓ જાન્યુઆરીને જાપાન્યુઆરી કહે છે. જાપા (બરફ) + જાન્યુઆરી. આ પ્લેસની અન્ય વિશેષતા એ છે કે આ મહિનો એક્સ્ટ્રીમલી ઠંડો હોવા છતાં અહીં સૂરજની સવારી નીકળે છે. આ સંદર્ભે કૅનેડા, સ્વિટ્ઝરલૅન્ડના સ્કી ટાઉનની વાત કરીએ તો ત્યાં જે મહિનામાં વધુ બરફ પડે ત્યારના દિવસો મોટા ભાગે ક્લાઉડી કે રેઇની હોય છે જેથી સ્કીઅર્સ એ સમયમાં સ્કીઇંગ નથી કરી શકતા. ત્યારે નિસેકોમાં આ રીતે દિવસો બગડવાની સંભાવના ઓછી રહે છે. હા, એ ખરું કે આ ગાળામાં અનુભવી સ્કીઅર્સ અને સ્નો-બોર્ડર્સનો અહીં મોટો જમાવડો હોવાથી હોટેલ સ્ટે મોંઘું પડે છે. વળી સ્કી લિફ્ટ્સની પણ અછત થાય છે. જોકે અહીં આવવા ફેબ્રુઆરી મહિનો ખોટો નથી. પીક સીઝનની સરખામણીએ રશ ઓછો હોય છે અને રેટ પણ. હા, એ ટાઇમે બાજુના ટાઉન સોપોરોમાં સ્નો ફેસ્ટિવલ યોજાય છે એટલે એક જ ધક્કે બેઉની વિઝિટ કરી શકાય છે.
રેફ્રિજરેટર ડોર બાર
સ્નો બોર્ડિંગ અને સ્કીઇંગમાં પા-પા પગલી પાડનારા માટે માર્ચ મહિનો પણ ગુડ ઑપ્શન. વધુ લાંબા દિવસો, આગળના બે મહિનાની સરખામણીએ ઓછી ઠંડી. ફૅમિલીઝ માટે પણ આ ટાઇમ કમ્ફર્ટેબલ રહે. યસ, એપ્રિલમાં બરફ પીગળવાની શરૂઆત થઈ જાય છે. એટલે બની શકે તમે શકુરા ફેસ્ટિવલ માટે જપાન ગયા હો ત્યારે નિસેકોના ડુંગરની ફક્ત ટોચે બરફ જોવા મળે. મેથી ઑગસ્ટ દરમિયાન આ સ્નો ટાઉન લીલોતરીથી મહોરી ઊઠે છે એટલે સ્નોની મજા માણવી હોય તો નેક્સ્ટ ડિસેમ્બર-જાન્યુઆરી સુધી રાહ જોવી પડે.
રામન નૂડલ્સ
થોડા સમયમાં જ વધુ ફેમસ થતાં આ સ્કી રિસૉર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દૃષ્ટિએ દુનિયાનાં અન્ય સ્નો ટાઉનની સરખામણીએ થોડું ઊણું ઊતરે. સીઝન દરમિયાન અહીં દરેક સહેલાણીને સ્નોમાં જવાની લિફ્ટ માટે, વાહનો માટે, રેસ્ટોરાંમાં જવા માટે કે ઈવન સુપર માર્કેટમાંથી કાંઈ ખરીદવા માટે પણ લાઇનમાં ઊભા રહેવું પડે પરંતુ અનેક લક્ઝરી ચેઇન હોટેલ્સ, સ્ટોર્સ વગેરેનું બાંધકામ ચાલુ છે એટલે એક-દોઢ વર્ષમાં એ સમસ્યાનો નિવેડો આવી જશે. જોકે વેજિટેરિયન ફૂડ, ઇન્ડિયન ફૂડ મળવું તો અત્યારે પણ ચૅલેન્જ છે અને પછી પણ કદાચ રહેશે. હા, અત્યારે તો નિસેકોમાં ફૂડ-ટ્રકનો કન્સેપ્ટ બહુ ચાલે છે જે જૅપનીઝથી લઈ એશિયન, હૉટ ડૉગ, બર્ગર અને અન્ય વ્યંજનો પીરસે છે. ઍક્ચ્યુઅલી, આ જૅપનીઝ સિટીમાં જૅપનીઝ કરતાં કૉન્ટિનેન્ટલ કલ્ચર વધુ ટ્રેન્ડમાં છે કારણ કે અહીં વિદેશીઓની આવનજાવન વધુ છે. તેમ જ ટૂરિસ્ટ સીઝન દરમિયાન લેબર પણ ફૉરેન કન્ટ્રીથી આવે છે. આ બેઉ વર્ગ અહીં રહેતા જૂજ સ્થાનિક લોકો પર પોતાની છાપ છોડી જાય છે.
ડેરી ફાર્મ અને પાછળ જ્વાળામુખી
આગળ કહ્યું એમ, નિસેકોનાં ચાર મુખ્ય સ્કીઇંગ ક્ષેત્ર છે. હિરાફુ, અન્નુપુરી, મોઈવા અને હાનઝોનો. એ દરેક ક્ષેત્રમાં રહેવાની સગવડ છે. એમાં હિરાફુ વિસ્તાર વધુ જીવંત અને સેન્ટરમાં છે. એ જ રીતે નિસેકો વિલેજમાં સ્નો શૂઇંગ અને સ્નો મોબિલિંગ જેવી સ્નો સ્પોર્ટ્સ રમી શકાય છે.
સ્કીઇંગ આવડતું નથી કે શીખવું પણ નથી તો અહીં જવું કેમ?
વિદેશોની ટૂર કરતા અનેક વાચકોને આ પ્રશ્ન થાય કે અમે સ્વિટ્ઝરલૅન્ડના સ્નો ટાઉન ઝરમેટ, માઉન્ટ મોરિટ્ઝ પણ ગયા છીએ, સ્કીઇંગ કે સ્નો-બોર્ડિંગ સાથે કાંઈ લેવાદેવાય નથી તો પછી અહીં જવું કેમ? એનો આન્સર એ છે કે નિસેકોનો સ્નો વર્લ્ડનો મોસ્ટ ડ્રાય અને હલકો આઇસ છે. બીજું, અન્ય સ્કી ટાઉનની કમ્પૅરિઝનમાં આ પ્લેસ ઘણી જ સસ્તી છે. વળી અહીં તમને કોઈ સ્નો સ્લોપ પર કોરિયન ડ્રામાની હિરોઇન દેખાઈ શકે છે કે ચાઇનીઝ ઉદ્યોગપતિ ઓન્સેનમાં બાથ લેતો મળી શકે કે પછી કોઈ બ્રુઅરીમાં ઑસ્ટ્રેલિયન ક્રિકેટર બિઅરની ચૂસકી લેતો જોવા મળી જાય... સો, જેને અમીરો જ્યાં હૉલિડે કરતા હોય એવા સ્પૉટ પર જવાનું ડ્રીમ હોય (પાછી એ જગ્યા પૉકેટ-ફ્રેન્ડ્લી હોય) ઍન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જેને ટનબંધ રૂના પહાડ જેવો ફોરો બરફ જોવો હોય, માણવો હોય તેમણે નિસેકો જવું જ રહ્યું.
ફાઇવ મસ્ટ ડૂ થિંગ્સ
૧. સ્કીઇંગ આવડે છે કે નથી આવડતું, સ્કી ગિઅર કે સ્નો બોર્ડ ભાડે લો, નિસેકોના અન્નુપુરી એરિયામાં જાઓ, સ્નો લિફ્ટ લઈ કોઈ ટેકરીની ટોચે પહોંચી સ્કીઇંગ કે સ્નો બોર્ડિંગમાં હાથ (સૉરી, પગ) અજમાવો. બિલીવ મી, અહીં પડશો-આખડશો તોયે સ્નો મૅન બનાવવા કરતાં વધુ મજા પડશે.
૨. માઉન્ટ ફિજીની જેમ જ નિસેકોના માઉન્ટનની આસપાસ અનેક લાઇવ વૉલ્કેનો છે. ઉપરાંત સો મૅની સલ્ફર વૉટર પૂલ છે. જૅપનીઝ ભાષામાં આ જળાશયને ઓન્સેન કહેવાય છે. અનેક લક્ઝરી હોટેલોમાં એમના અલાયદા પૂલ હોય છે પરંતુ પબ્લિક ઓન્સેનમાં યુકિચિચિબુ, કિરાનોયુ સ્પા, ગોશિકી સુપર્બ સલ્ફર પૂલ છે.
૩. જૅપનીઝ ખાણું આપણા ટેસ્ટથી બહુ ડિફરન્ટ છે. હા, આપણે જૅપનીઝ સુશી ખાઈએ છીએ, બટ એનું ભારતીયકરણ કરીને. જોકે નિસેકોમાં સુશી નહીં, રામન નુડલ્સ વધુ ખવાય છે. ટ્રાય ઇટ ઇન ઍની ફૂડ-ટ્રક.
૪. નિસેકોની આસપાસ થોડાં ડેરી ફાર્મ છે જેની વિઝિટ કરી શકાય છે. એમાં તાકાહિશી ડેરી ખાસ્સી લોકપ્રિય છે. અહીં ફ્રેશ આઇસક્રીમ, ચૉકલેટ, ચીઝ, ટાર્ટ મળે છે. ટેક અ ચિલ પિલ...
૫- રેફ્રિજરેટર ડોર બાર સ્નોફ્લુઅન્સર ( સ્નો + ઇન્ફ્લુઅન્સર)ના બકેટ લિસ્ટમાં પહેલી પાયદાને છે. બરફના ઘેરાવ વચ્ચે આવેલા, બહારથી ઝુગ્ગી જેવા દેખાતા આ બારનો દરવાજો અસલી ફ્રિજનો છે. ૭૦/૮૦ના દાયકામાં મળતા રેફ્રિજરેટરના રંગબેરંગી ચિત્રકામ ધરાવતા આ ડોરની અંદર મોટો બાર છે. એમાં કાંઈ પીવું ન હોય તોય આ બારના કમાડ પાસે એક પિક્ચર તો બનતા હૈ.

