૨૦૧૧થી ટૂર કરાવતા પ્રથમેશ પાસેથી જાણીએ મુંબઈ અને એની આસપાસના વિસ્તારની ટૉપ બર્ડ વૉચિંગ સાઇટ્સ વિશે જ્યાં યાયાવર પક્ષીઓ વસવાટ કરે છે.
ફ્લૅમિંગો
દર વર્ષે મે મહિનાનો બીજો શનિવાર વર્લ્ડ માઇગ્રેટરી બર્ડ ડે તરીકે ઊજવાય છે. મુંબઈમાં પણ થાણે ક્રીક ફ્લૅમિંગો સૅન્ક્ચ્યુઅરીમાં લાખો પક્ષીઓ મહેમાન બને છે. મે મહિનો આ પક્ષીઓને નિહાળવાની છેલ્લી તક ગણાય છે ત્યારે જાણીએ મુંબઈ અને એની આસપાસનાં એવાં લોકેશન્સ વિશે જેમને પક્ષીપ્રેમીઓએ અચૂક એક્સપ્લોર કરવાં જોઈએ
મુંબઈગરાઓ માટે ગર્વની વાત એ છે કે આપણું શહેર વિદેશી મહેમાન પક્ષીઓ માટે મનપસંદ વેકેશન ડેસ્ટિનેશન બની ગયું છે. કૉન્ક્રીટનાં જંગલો વચ્ચે પણ થાણે ક્રીકનાં મૅન્ગ્રોવ્ઝ, સંજય ગાંધી નૅશનલ પાર્કનાં જંગલો અને શહેરની આસપાસના વેટલૅન્ડ્સ પ્રવાસી પક્ષીઓ માટે સલામત પિટ સ્ટૉપ પૂરું પાડે છે. શિયાળાની આ પક્ષીદર્શનની મોસમ હવે પૂરી થવા આવી રહી છે એટલે મોડું કર્યા વગર આ વીક-એન્ડમાં જ આ મહેમાનોની મુલાકાત લઈ શકાય. ડોમ્બિવલીમાં રહેતા અને મુલુંડમાં નેચર એક્સ્પ્લોરર્સ ઇન્ડિયા નામની સંસ્થા માટે કામ કરતા વન્યજીવન અને પક્ષીજગતના જાણકાર પ્રથમેશ દેસાઈ ટાઇગર ટૂરિઝમ અને આફ્રિકા ટૂરિઝમ ક્ષેત્રે સક્રિય છે અને જંગલ બડીઝ ટૂરના સંસ્થાપક છે. ૨૦૧૧થી ટૂર કરાવતા પ્રથમેશ પાસેથી જાણીએ મુંબઈ અને એની આસપાસના વિસ્તારની ટૉપ બર્ડ વૉચિંગ સાઇટ્સ વિશે જ્યાં યાયાવર પક્ષીઓ વસવાટ કરે છે.
ADVERTISEMENT

પ્રથમેશ દેસાઈ, જંગલ બડીઝના ઓનર
થાણે ક્રીક આજે મુંબઈના નકશા પર ફ્લૅમિંગો અને અન્ય સ્થળાંતરી પક્ષીઓ માટેનું સૌથી જાણીતું સરનામું બની ગઈ છે. આ વિસ્તાર ભાંડુપ પમ્પિંગ સ્ટેશનથી લઈને નવી મુંબઈના ઐરોલી અને સીવુડ્સ દારાવે સુધી ફેલાયેલો છે. અહીંના વેટલૅન્ડ્સ પક્ષીઓને સુરક્ષિત આશ્રયસ્થાન પૂરું પાડે છે.
શું ખાસ છે?
અહીં દર વર્ષે લાખોની સંખ્યામાં ફ્લૅમિંગો ગુજરાતના કચ્છના રણ અને રાજસ્થાનના સાંભાર લેકથી ઊડીને આવે છે. આ ઉપરાંત મધ્ય એશિયાના ઠંડા પ્રદેશોમાંથી હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને વિવિધ જાતિનાં બતકો અને પાણીના કાંઠે વસતાં વેડર્સ પણ અહીં પહોંચે છે.
ઍક્ટિવિટી શું થાય?
નવી મુંબઈના ઐરોલીમાં આવેલું કોસ્ટલ ઍન્ડ મરીન બાયોડાઇવર્સિટી સેન્ટર બર્ડ વૉચિંગ સાથે પર્યાવરણ શિક્ષણ માટે પણ જાણીતું છે. ભાંડુપ અને ઐરોલી બન્ને જગ્યાએ સરકાર દ્વારા એન્ટ્રી-ફી લેવામાં આવે છે, જ્યારે સીવુડ્સ દારાવે અને ટીએસ ચાણક્ય વેટલૅન્ડ્સ જેવા વિસ્તારોમાં ફી વગર પણ બર્ડિંગ કરી શકાય છે. ઑક્ટોબરથી જ અહીં પક્ષીઓનું આગમન શરૂ થઈ જાય છે. જોકે આ વર્ષે એપ્રિલ દરમ્યાન પણ સારી સંખ્યામાં પક્ષીઓ જોવા મળ્યાં છે. તેઓ અહીં શિયાળો વિતાવે છે અને ઉનાળાની શરૂઆતમાં પાછાં ફરે છે. થાણે ખાડી માટે ચોમાસાનો સમય બર્ડ વૉચિંગ માટે યોગ્ય નથી અને એ સમયે પક્ષીઓ નજીક આવતાં પણ નથી. ઓટ દરમ્યાન પક્ષીઓ ખોરાકની શોધમાં કાદવવાળા ભાગોમાં નજીક આવે છે જેને કારણે એમને નિહાળવાની તક વધુ મળે છે. બોટ સફારીનો મુખ્ય હેતુ થાણે ખાડીનાં સુંદર દૃશ્યો માણવાનો અને ફ્લૅમિંગોને એકદમ નજીકથી જોવાનો છે જે સુવિધા ભાંડુપમાં નથી મળતી કારણ કે ત્યાંથી પક્ષીઓ ઘણાં દૂર દેખાય છે. વધતી જતી ગરમીને કારણે ઘણાં પક્ષીઓ હવે ખાડીના અંદરના ભાગમાં રહે છે એટલે બોટ સફારી વધુ ઉપયોગી સાબિત થાય છે. સૂર્યોદયના બે કલાક પછી અથવા સૂર્યાસ્તના ૩ કલાક પહેલાંનો સમય બર્ડ વૉચિંગ માટે સૌથી યોગ્ય માનવામાં આવે છે. આ સમયે પ્રકાશ સારો હોય છે અને પક્ષીઓની હિલચાલ પણ વધુ જોવા મળે છે.
સંજય ગાંધી નૅશનલ પાર્ક
સંજય ગાંધી નૅશનલ પાર્ક માત્ર પર્યટનસ્થળ નથી પરંતુ અનેક પક્ષીઓનું સુરક્ષિત નિવાસસ્થાન છે. જો તમને જળાશયોનાં પક્ષીઓ કરતાં જંગલમાં વસતાં રંગબેરંગી પક્ષીઓમાં વધુ રસ હોય તો આ સ્થળ તમારા માટે આદર્શ છે.

રેડ સ્પર્ફાઉલ. તસવીરો : પ્રથમેશ દેસાઈ
શું છે ખાસ?
અહીં વિવિધ પ્રકારનાં ફ્લાયકૅચર્સ જોવા મળે છે. નામ પ્રમાણે જ આ પક્ષીઓ હવામાં ઊડતાં જીવજંતુઓને પકડવામાં નિષ્ણાત હોય છે. એમના તેજસ્વી રંગોને કારણે તેઓ ફોટોગ્રાફર્સ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બને છે. આ ઉપરાંત અહીં વુડપૅકર્સ અને અનેક પ્રકારનાં ઘુવડ પણ જોવા મળે છે. ખાસ કરીને રાત્રિ દરમ્યાન સક્રિય રહેતી ઘુવડની પ્રજાતિઓ માટે આ વિસ્તાર જાણીતો છે.

જંગલ આઉલેટ
ઍક્ટિવિટી
પક્ષીપ્રેમીઓ માટે અહીં ગાઇડ સિસ્ટમ ઉપલબ્ધ છે. નવા બર્ડર્સ માટે પ્રોફેશનલ ગાઇડ્સ ખૂબ ઉપયોગી સાબિત થાય છે, કારણ કે તેઓ પક્ષીઓની ઓળખ, એમની આદતો અને સ્થળાંતરના રૂટ વિશે વિગતવાર માહિતી આપે છે. પાર્કમાં આવેલું નેચર ઇન્ટરપ્રિટેશન સેન્ટર સમયાંતરે નેચર ટ્રેલ્સ અને બર્ડ વૉક્સનું આયોજન પણ કરે છે. જો તમે કૅમેરા સાથે જવા માગતા હો તો અલગથી કૅમેરા-ફી ચૂકવવી પડે છે.

બ્લુ કૅપ્ડ રૉક થ્રશ
કર્નાલા બર્ડ સૅન્ક્ચ્યુઅરી
પનવેલ નજીક આવેલું કર્નાલા ફૉરેસ્ટ પક્ષીપ્રેમીઓ માટે કોઈ પવિત્ર સ્થળથી ઓછું નથી. આ સૅન્ક્ચ્યુઅરી એના વિશાળ વિસ્તાર અને વૈવિધ્યસભર વનસ્પતિને કારણે પક્ષીઓની સેંકડો પ્રજાતિઓનું આશ્રયસ્થાન બની છે. અહીં માત્ર સ્થાનિક પક્ષીઓ જ નહીં, યાયાવર પક્ષીઓનો પણ જમાવડો જોવા મળે છે. પશ્ચિમ ઘાટની આ હરિયાળીમાં પક્ષીઓનો કલરવ સાંભળવો એ મુંબઈની ભીડભાડથી દૂર એક શાંતિદાયક અનુભવ છે.
શું છે ખાસ?
અહીં મધ્ય ભારત અને મધ્ય પ્રદેશથી ઇન્ડિયન પૅરૅડાઇઝ ફ્લાયકૅચર ખાસ મુલાકાતે આવે છે. ગુજરાતીમાં એને દૂધરાજ કહેવાય છે. આ પક્ષીને નિહાળવા માટે અનેક પક્ષીવિદો ખાસ કર્નાલાની મુલાકાત લે છે. સામાન્ય રીતે જંગલોમાં પક્ષીઓને નિહાળવા માટે કોઈ સત્તાવાર ગાઇડની સુવિધા હોતી નથી એટલે અહીં તમારે તમારી નજર અને ધીરજ પર આધાર રાખવો પડે છે.

ઓરિયેન્ટલ ડ્વાર્ફ કિંગફિશર
ઍક્ટિવિટી
ફોટોગ્રાફીના શોખીનો માટે કર્નાલામાં એક અનોખો અને કમ્ફર્ટેબલ કન્સેપ્ટ કાર્યરત છે જેને બર્ડ હાઇડ ફોટોગ્રાફી કહેવામાં આવે છે. અભયારણ્યની બહારના ભાગમાં આવેલી આ વ્યવસ્થા કલ્લે ગામના સ્થાનિક નિવાસી સમાધાન દ્વારા ચલાવવામાં આવે છે. આ એક પ્રકારની નાની સ્ટુડિયો ફોટોગ્રાફી જેવું છે જેમાં એક ખાસ પડદાની પાછળ છુપાઈને બેસવાનું હોય છે. તેની સામે પક્ષીઓ માટે પાણી ભરેલાં કૂંડાં કે કુદરતી સેટઅપ બનાવેલું હોય છે. જ્યારે પક્ષીઓ ત્યાં પાણી પીવા કે સ્નાન કરવા આવે ત્યારે તમે એમને બિલકુલ ખલેલ પહોંચાડ્યા વગર ખૂબ જ નજીકથી નિહાળી શકો છો અને અદ્ભુત ફોટો પાડી શકો છો.
આ હાઇડ પદ્ધતિનો સૌથી મોટો ફાયદો એ છે કે પક્ષીઓ મનુષ્યની હાજરીથી ડર્યા વગર સહજ રીતે વર્તે છે, જેને કારણે ફોટોગ્રાફરને પૂરતો સમય અને પર્ફેક્ટ શૉટ્સ મળે છે. પક્ષીઓને એન્ક્સિયસ કે સ્ટ્રેસમાં મૂક્યા વગર કરવામાં આવતી આ ફોટોગ્રાફી નૈતિક દૃષ્ટિએ પણ શ્રેષ્ઠ છે. આમ કર્નાલા એ લોકો માટે બેસ્ટ લોકેશન છે જેઓ શાંતિથી બેસીને પક્ષીઓની દુનિયાને કૅમેરામાં કેદ કરવા માગે છે.
માથેરાન હિલ-સ્ટેશન
માથેરાન માત્ર એક હિલ-સ્ટેશન કે વીક-એન્ડ ગેટવે હોઈ શકે છે, પરંતુ પક્ષીપ્રેમીઓ માટે એ ફૉરેસ્ટ બર્ડ્સ નિહાળવા માટેનું અત્યંત મહત્ત્વનું કેન્દ્ર છે. માથેરાનની ખાસિયત એ છે કે અહીં ગાઢ જંગલોની વચ્ચે પક્ષીઓને અનુકૂળ એવું ઠંડું વાતાવરણ મળી રહે છે જે પ્રવાસી પક્ષીઓને અહીં ખેંચી લાવે છે. શિયાળાની શરૂઆત થતાં જ માઇગ્રેટરી બર્ડ્સ આવે છે.

બ્રાઉન વુડ આઉલ
શું છે ખાસ?
અહીંનું સૌથી મોટું આકર્ષણ ઇન્ડિયન બ્લુ રૉબિન નામનું યાયાવર પક્ષી છે. આ પક્ષી મૂળ હિમાલયનું વતની છે, પરંતુ જ્યારે ત્યાં અતિશય ઠંડી પડે છે ત્યારે એ સ્થળાંતર કરીને સહ્યાદ્રિની પર્વતમાળાઓમાં એટલે કે માથેરાન જેવા વિસ્તારોમાં આવે છે. મુંબઈની આસપાસના વિસ્તારોમાં આ પક્ષી જોવું હોય તો માથેરાન સૌથી આદર્શ જગ્યા છે. આ ઉપરાંત અહીં ‘નીલગિરિ વુડ પીજન’ જોવા મળે છે જે ખરેખર એક અજાયબી છે. સામાન્ય કબૂતર જેવડી જ સાઇઝનું આ પક્ષી અત્યંત શરમાળ પ્રકૃતિનું હોય છે. નવાઈની વાત એ છે કે આ પક્ષી આખી દુનિયામાં માત્ર વેસ્ટર્ન ઘાટના વિસ્તારોમાં જ જોવા મળે છે, જેને કારણે એ વૈશ્વિક સ્તરે યુનિક પક્ષીઓની યાદીમાં આવે છે. માથેરાનનાં જંગલોમાં ફરતી વખતે તમને પૅરૅડાઇઝ ફ્લાયકૅચર્સ અને વિગર્સ સનબર્ડ પણ જોવા મળી શકે છે. નવેમ્બરથી માર્ચ મહિના દરમ્યાન આ પક્ષીઓની અવરજવર સૌથી વધુ હોય છે.

ક્રિમસન બૅક્ડ સનબર્ડ
ઍક્ટિવિટી
સંજય ગાંધી નૅશનલ પાર્કની જેમ અહીં કોઈ સત્તાવાર સરકારી ટૂર ગાઇડની વ્યવસ્થા હોતી નથી. પક્ષીપ્રેમીઓએ પોતાની રીતે અથવા ગ્રુપમાં રહીને પક્ષીઓની શોધ કરવી પડે છે. માથેરાન જેવી શાંત જગ્યાએ પક્ષીઓને નિહાળવાનો અને એમના અવાજને સાંભળવાનો અનુભવ યાદગાર બની રહે છે.

ટાઇટલર્સ વોર્બલર
તાનસા વાઇલ્ડલાઇફ સૅન્ક્ચ્યુઅરી
મુંબઈ નજીક શહાપુર ખાતે આવેલું તાનસાનું જંગલ પક્ષીપ્રેમીઓ માટે રહસ્યથી કમ નથી. અહીં જળાશયોનાં યાયાવર પક્ષીઓનો પણ અદ્ભુત મેળાવડો જામતો હોય છે. અહીંના વિશાળ લેક એરિયામાં માઇગ્રેટરી ડક્સની અનેક જાતો જોવા મળે છે. એમાંય ખાસ કરીને વાઇટ આઇડ પોચર્ડ, ટફ્ટેડ ડક અને કૉમન પોચર્ડ જેવી પ્રજાતિઓ શિયાળામાં આ જળાશયને પોતાનું ઘર બનાવે છે. આ ઉપરાંત જંગલની અંદર પૅરૅડાઇઝ ફ્લાયકૅચર જેવાં રંગબેરંગી પક્ષીઓ પણ જોવા મળે છે જે જંગલના લીલાછમ વાતાવરણમાં એક નવો રંગ ઉમેરે છે. પક્ષીઓની વિવિધતાને કારણે તાનસા એજ્યુકેશનલ હબ જેવું કામ કરે છે.
શું છે ખાસ?
આ સૅન્ક્ચ્યુઅરીની ખ્યાતિ માત્ર એના નૈસર્ગિક સૌંદર્યને કારણે નહીં પણ એક એવા પક્ષીને કારણે છે જેણે પક્ષીજગતના વૈજ્ઞાનિકોને પણ આશ્ચર્યમાં મૂકી દીધા હતા. અહીંનું મુખ્ય આકર્ષણ ફૉરેસ્ટ આઉલેટ એટલે કે જંગલી ઘુવડ છે. એક સમયે એવું માનવામાં આવતું હતું કે આ પ્રજાતિ પૃથ્વી પરથી સંપૂર્ણપણે નાશ પામી છે, કારણ કે ૧૦૦ વર્ષ સુધી આ પક્ષી ક્યાંય દેખાયું નહોતું. છેક ૧૯૯૭માં એ ફરીથી જોવા મળ્યું અને ત્યાર બાદ ૨૦૧૪માં તાનસાનાં જંગલોમાં એની હાજરી નોંધાઈ હતી. આજે આ દુર્લભ મહેમાનને એક નજર નિહાળવા માટે દેશ-વિદેશના પક્ષીવિદો અને ફૉરેન ટૂરિસ્ટ્સ ખાસ તાનસાની મુલાકાત લે છે.

ફૉરેસ્ટ આઉલેટ
ઍક્ટિવિટી
તાનસાની મુલાકાત લેવા માટે કેટલાક કડક નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે. આ વિસ્તાર BMCની માલિકી હેઠળ આવે છે અને આ જળાશય મુંબઈના પીવાના પાણીનો મુખ્ય સ્રોત છે. આ જ કારણ છે કે પ્રવાસીઓને જંગલમાં ફરવાની પરવાનગી મળે છે, પરંતુ તળાવના પાણીમાં ઊતરવાની કે એને પ્રદૂષિત કરવાની સખત મનાઈ છે. અહીં પ્રવેશવા માટે ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટની પહેલેથી પરવાનગી લેવી પણ ફરજિયાત છે. આ નિયમોને કારણે જ આજે આ જંગલ અને ત્યાં વસતાં પક્ષીઓનું અસ્તિત્વ ટકી રહ્યું છે.
શા માટે ઊજવાય છે વર્લ્ડ માઇગ્રેટરી બર્ડ ડે?
યાયાવર પક્ષીઓના સંરક્ષણ માટે દર વર્ષે વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ ઊજવવામાં આવે છે. વધતું જતું શહેરીકરણ, પ્રદૂષણ અને બદલાતી આબોહવાને કારણે આ પક્ષીઓના અસ્તિત્વ પર જોખમ તોળાઈ રહ્યું છે. તેઓ જે જળાશયો કે જંગલોમાં વિસામો લે છે એની જાળવણી પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવી એ આ દિવસનું મુખ્ય લક્ષ્ય છે. આ દિવસની શરૂઆત ૨૦૦૬માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવી હતી. એની પાછળની વાર્તા એ છે કે પ્રવાસી પક્ષીઓ સમગ્ર વિશ્વને એકસૂત્રે બાંધે છે. જે પક્ષી સાઇબેરિયામાં જન્મે છે એ શિયાળો ગાળવા ગુજરાતના નળ સરોવર સુધી આવે છે. આ આંતરરાષ્ટ્રીય મહેમાનોને બચાવવા માટે વૈશ્વિક સહયોગ જરૂરી છે એવા વિચાર સાથે આ અભિયાન શરૂ થયું હતું. એની વિશેષતા એ છે કે એ વર્ષમાં બે વાર મે અને ઑક્ટોબરના બીજા શનિવારે ઊજવાય છે. પક્ષીઓના આવવા અને જવાની કુદરતી સાઇકલને માન આપવા માટે આ અનોખો નિર્ણય લેવાયો છે.

પક્ષીઓના આગમન પાછળનું સત્ય
વ્યવસાયે ઑટોમોબાઇલ એન્જિનિયર અને હૉર્ટિકલ્ચરિસ્ટ હોવા છતાં સચિન રાણે ૨૦૦૯થી વન્યજીવન સંરક્ષણ અને પ્રકૃતિ શિક્ષણના ક્ષેત્રમાં સક્રિયપણે કાર્યરત છે. નૅચરલિસ્ટ ફાઉન્ડેશનના સ્થાપક અને નૅચરલિસ્ટ એક્સપ્લોરર્સના સહસંસ્થાપક સચિન રાણે કહે છે, ‘મુંબઈની ભૌગોલિક સ્થિતિ પક્ષીઓ માટે કુદરતી આશીર્વાદ સમાન છે. થાણે ક્રીકનાં મૅન્ગ્રોવ્ઝ છે અને સંજય ગાંધી નૅશનલ પાર્ક જેવાં ગીચ જંગલો અને છીછરા કાદવવાળા વિસ્તારો છે. આ વૈવિધ્યસભર ઇકોસિસ્ટમ યાયાવર પક્ષીઓ માટે એક આદર્શ પિટ સ્ટૉપ પૂરું પાડે છે જ્યાં તેમને પૂરતો ખોરાક, પાણી અને સલામત આશરો મળી રહે છે.’ ફ્લૅમિંગો વિશે સચિન રાણે કહે છે, ‘૧૮૦૦ના દાયકાથી ફ્લૅમિંગો મુંબઈ આવે જ છે, પરંતુ સોશ્યલ મીડિયા અને ડ્રોન ફોટોગ્રાફીને કારણે હવે લોકોમાં એના વિશે જાગૃતિ વધી છે. એક ચોંકાવનારી હકીકત એ છે કે મુંબઈના ગંદા પાણી અને કાદવમાં રહેલાં પોષક તત્ત્વોને કારણે ત્યાં લીલ અને સૂક્ષ્મ જીવો પુષ્કળ પ્રમાણમાં પેદા થાય છે જે ફ્લૅમિંગોનો મુખ્ય ખોરાક છે. એટલે કે પ્રદૂષણની આડપેદાશરૂપે એમને અહીં ભાવતું ભોજન મળી રહે છે.’
પક્ષીઓ સાથે આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ?

સચિન રાણે, નેચર એજ્યુકેટર
નૅચરલિસ્ટ એક્સ્પ્લોરર અને ચીફ ઇવેન્ટ ક્યુરેટર પ્રિયલ સોની બર્ડ વૉચિંગના શોખીનો માટે મહત્ત્વની બાબતો સમજાવતાં કહે છે, ‘મુંબઈમાં પક્ષીઓ જોવા માટે મહારાષ્ટ્ર નેચર પાર્ક, ઉરણ મડફ્લૅટ્સ, NRI પૅન્ડ અને ભીગવણ બર્ડ સૅન્ક્ચ્યુઅરી ઉત્તમ સ્થળો છે. ખાસ કરીને મહારાષ્ટ્ર નેચર પાર્કમાં વુડટેકર્સ પક્ષીઓ આસાનીથી જોવા મળે છે. જો તમે બીચ પર પક્ષીઓ જોવા જાઓ તો ભરતી-ઓટનું ધ્યાન રાખવું જરૂરી છે. પક્ષીઓને નજીકથી જોવા માટે અમે ઘણી વાર જુગાડ ફોટોગ્રાફી કરીએ છીએ, જેમાં ટેલિસ્કોપ કે વ્યુઇંગ ગ્લાસ પર મોબાઇલનો કૅમેરા રાખીને પક્ષીને ખલેલ પહોંચાડ્યા વગર શાનદાર શૉટ્સ લઈ શકાય છે. જેવી રીતે આપણી પર્સનલ સ્પેસમાં કોઈ અજાણ્યો માણસ એકદમ નજીક આવી જાય તો આપણને અજુગતું લાગે છે એવી જ રીતે પક્ષીઓ પણ માણસોની નિકટતાથી સ્ટ્રેસમાં આવી જાય છે. આ ડરને કારણે ઘણી વાર પક્ષીઓ પોતાના માળા અને બચ્ચાં છોડીને હંમેશ માટે ત્યાંથી જતાં રહે છે. એટલે જ વન્યજીવન નિહાળતી વખતે હંમેશાં સુરક્ષિત અંતર જાળવવું અનિવાર્ય છે. આપણું પેટ અને પાચનતંત્ર જે રીતે પ્રોસેસ્ડ ફૂડ માટે નથી બનેલું એવી જ રીતે પક્ષીઓનાં પેટ પણ અમુક જ પ્રકારના કુદરતી ખાદ્ય પદાર્થો પચાવવા માટે બનેલાં હોય છે. આથી એમને તળેલી ચીજો કે પ્રોસેસ ફૂડ આપવું અત્યંત હાનિકારક છે. આપણને કદાચ એ સમયે લાગે કે પક્ષી હોંશે-હોંશે ખાય છે, પણ લાંબા ગાળે એની એમના સ્વાસ્થ્ય પર જીવલેણ અસર થાય છે.’

પ્રિયલ સોની, નૅચરલિસ્ટ એક્સપ્લોરર
બર્ડ વૉચિંગ પર જતાં પહેલાં આટલું ધ્યાનમાં રાખજો
બર્ડ વૉચિંગ એ માત્ર એક હોબી નથી પણ કુદરત સાથે જોડાવાનો એક સંવેદનશીલ અનુભવ છે. જો તમે પહેલી વાર પક્ષીઓ જોવા જઈ રહ્યા હો અથવા નિયમિત જતા હો તો આ કેટલીક મહત્ત્વની ટિપ્સ ચોક્કસ ધ્યાનમાં રાખજો.
કપડાંની પસંદગી : હંમેશાં આછા લીલા, બ્રાઉન, બેજ કે ખાખી જેવા અર્થી રંગનાં કપડાં પહેરો. પક્ષીઓની દૃષ્ટિ ખૂબ તેજ હોય છે. લાલ, પીળા કે સફેદ જેવા ભડક રંગો તેમને ડરાવી શકે છે. જંગલ કે કાદવવાળા વિસ્તારમાં ચાલવાનું હોવાથી સ્પોર્ટ્સ શૂઝ કે ટ્રેકિંગ શૂઝ પહેરવાં હિતાવહ છે.
સાયલન્સ પ્લીઝ : જંગલમાં કે વેટલૅન્ડમાં જતી વખતે બને એટલી શાંતિ જાળવો. મોબાઇલ ફોન સાઇલન્ટ મોડ પર રાખો અને જો ગ્રુપમાં હો તો ધીમેથી વાત કરો. તમારો અવાજ પક્ષીઓને ભગાડી શકે છે.
યોગ્ય અંતર જાળવો : પક્ષીઓના માળાની કે પક્ષીની એકદમ નજીક જવાનો પ્રયાસ ન કરો. જો પક્ષી ઊડી જાય અથવા સતત અવાજ કરવા લાગે તો સમજી લેવું કે તમે એની ખૂબ નજીક છો અને એ સ્ટ્રેસમાં છે. પક્ષીઓને નજીકથી જોવા માટે તમારી આંખો કે કૅમેરાને બદલે દૂરબીનનો ઉપયોગ કરો.
ગૅજેટ્સ અને ઍપ : Merlin Bird ID આ ઍપ ડાઉનલોડ કરી રાખો, જે પક્ષીના અવાજ કે ફોટો પરથી એની ઓળખ કરવામાં મદદ કરશે. જો ફોટોગ્રાફી કરવી હોય તો સાઇલન્ટ શટરનો ઉપયોગ કરો. ફ્લેશલાઇટનો ઉપયોગ ક્યારેય ન કરવો. એનાથી પક્ષીઓની આંખોને નુકસાન થઈ શકે છે.
લીવ નો ટ્રેસ : તમારી સાથે લાવેલી પ્લાસ્ટિકની બૉટલ, વેફરનાં પૅકેટ કે અન્ય કચરો જંગલમાં ન ફેંકો. તમે ત્યાં મહેમાન છો એટલે પ્રકૃતિની સ્વચ્છતા જાળવવી એ તમારી જવાબદારી છે.
