૧૧ મેના ભવ્ય આયોજનમાં નરેન્દ્ર મોદી સામેલ થશે : સૂર્યકિરણ વિમાનોનો યોજાશે ઍર-શો
સોમનાથ મહાદેવ મંદિર.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના પુનઃ નિર્માણને ૭૫ વર્ષ પૂરાં થતાં ૧૧ મેએ યોજાનારા અમૃતપર્વની ઉજવણીમાં ભાગ લેવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ આવશે. આ પ્રસંગે સૂર્યકિરણ વિમાનોનો ઍર-શો યોજાશે તેમ જ મંદિર પર હેલિકૉપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવશે. સોમનાથના કાર્યક્રમ બાદ નરેન્દ્ર મોદી વડોદરા જશે જ્યાં સરદારધામનું લોકાર્પણ કરશે. ગુજરાત સરકારના પ્રવક્તા પ્રધાન જિતુ વાઘાણીએ કહ્યું હતું કે ‘પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ પર અનેક આક્રાંતાઓએ હુમલા કર્યા છતાં આજે પણ સોમનાથ મંદિર સનાતન ધર્મની અડગ શ્રદ્ધા અને ભવ્યતા સાથે અડીખમ ઊભું છે. સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરની મુલાકાત લીધી ત્યારે મંદિરના જીર્ણશીર્ણ અવશેષો જોઈને સમુદ્રનું જળ હાથમાં લઈને સોમનાથ મંદિરના પુનઃ નિર્માણનો સંકલ્પ કર્યો હતો. એ પછી મંદિર બની જતાં ૧૯૫૧ની ૧૧ મેએ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે સોમનાથ મહાદેવની પ્રાણપ્રતિષ્ઠા વિધિ કરી હતી. એને ૧૧ મેએ ૭૫ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે એના ઉપલક્ષમાં અમૃતપર્વની ઉજવણી કરવામાં આવશે.’
શું છે ૧૧ મેનો કાર્યક્રમ?
ADVERTISEMENT
૧૧ મેએ આ મંદિરના પુનઃ નિર્માણનાં ૭૫ વર્ષના અવસરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જામનગરથી સોમનાથ આવશે અને સોમનાથમાં હેલિપૅડથી વીર હમીરજી સર્કલ સુધી રોડ-શો યોજાશે. માર્ગમાં કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. ઋષિકુમારો અને આહીર બહેનો તેમ જ બંગાળી પરિવારો પરંપરાગત પરિવેશમાં ઉપસ્થિત રહીને વડા પ્રધાનનું સ્વાગત કરશે. મંદિરમાં નરેન્દ્ર મોદી કુંભાભિષેક, ધ્વજપૂજા અને મહાપૂજા કરીને સોમનાથ મહાદેવનાં દર્શન કરી આશીર્વાદ મેળવશે.
