હરીફરીને કામ કરવા માગતા ડિજિટલ દુનિયાના લોકોને આકર્ષવા માટેનું એક અનોખું પગલું : અબાધિત ઇન્ટરનેટ અને ઇલેક્ટ્રિસિટી જેવી મૂળભૂત જરૂરિયાતો સાથે પ્રકૃતિ અને હોમસ્ટે છે એનાં વધારાનાં આકર્ષણો
યાકટેનમાં કામ કરતી મહિલાઓ.
કોવિડે ભારતને એક ઉમદા ભેટ આપી - ડિજિટલ નોમૅડિઝમ. અર્થાત્ જગતના કોઈ પણ ખૂણે વિચરતી વખતે, ભ્રમણ કરતી વખતે કામ કરવાની સગવડ અથવા કહો કે ‘આઝાદી.’ આમ તો વિદેશમાં ‘વર્ક ફ્રૉમ ઍનીવેર’નો કન્સેપ્ટ ૯૦ના દાયકાનાં પાછલાં વર્ષોમાં જ ઇન્ટ્રોડ્યુસ થઈ ગયો હતો. ભારતમાંય આ વિચાર ૨૦૧૦ સુધી ઍક્સેપ્ટ થઈ ગયો હતો. અલબત્ત, લિમિટેડ સેક્ટરમાં. જોકે એ વ્યાપક બન્યો કોરોનાકાળમાં. બિલીવ ન થાય એવા-એવા ફીલ્ડમાં ડિજિટલ નોમૅડિઝમે પગપેસારો કરી દીધો. વિચાર તો કરો કે ગોવાના બીચ પર બેસીને એક કંપની એક્ઝિક્યુટિવ બોર્ડ-મીટિંગમાં પ્રોજેક્ટ રિપોર્ટ રજૂ કરી રહ્યો છે કે પછી કલ્પના કરો કે બાળકની નૅપી બદલતાં-બદલતાં એક શૅરબ્રોકર ઇન્ટરનૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં લે-વેચના સોદા કરી રહ્યો છે. અરે શિમલાની હસીન વાદીઓમાં ફરતાં-ફરતાં ટીચર તેમના વિદ્યાર્થીઓને વિજ્ઞાન-ભૂગોળના પાઠ ભણાવી રહ્યા છે.
આ કલ્ચર માટે આદર્શ કહેવાય એવી સુવિધાઓ પૂરી પાડતું સિક્કિમનું યાકટેન ભારતનું પહેલું સત્તાવાર ડિજિટલ નોમૅડ વિલેજ ઘોષિત થયું છે. રાજધાની ગૅન્ગટૉકથી ૩૫ કિલોમીટરના અંતરે આવેલું આ ગામ પાક્યૉન્ગ જિલ્લામાં છે. NGO સર્વહિતાય અને જિલ્લા પ્રશાસનના સહિયારા પ્રયત્નોથી અહીં બે ઇન્ટરનેટ લાઇન્સ ઇન્સ્ટૉલ કરવામાં આવી છે. એ સાથે અવિરત વીજળી સપ્લાય, પાણીની અછતનો કાયમી ઇલાજ કરવાનું પ્રૉમિસ અપાયું છે. પાકયૉન્ગ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર રોહન રમેશે ૧૪ જુલાઈએ યાકટેનમાં યોજાયેલા ડિજિટલ નોમૅડ વિલેજ લૉન્ચિંગ કાર્યક્રમમાં કહ્યું હતું કે ‘સિક્કિમના ચીફ મિનિસ્ટર પ્રેમ સિંહ તમાંગ ઑફસીઝન દરમિયાન હોમસ્ટે ઑપરેટર્સની સ્થિર આવકના અભાવે થતી હાલાકીથી ભારે ચિતિંત હતા. સંપૂર્ણપણે ટૂરિસ્ટ અને ટૂરિઝમ ઇન્ડસ્ટ્રી પર નિર્ભર અહીંના સ્થનિક લોકોને ક્યારેક વર્ષના છ મહિના કામ વગર ને આવક વગર રહેવું પડતું. એના સૉલ્યુશન રૂપે આ પહાડી ગામને પ્રશાસને ડિજિટલ નોમૅડનું બિરુદ આપીને ઘુમક્કડ લોકોમાં પૉપ્યુલર કરી દીધું છે.’
ADVERTISEMENT
એક અમેરિકન સર્વે કહે છે, ‘આજે દુનિયાભરમાં ૪૦થી ૮૦ લાખ લોકો ડિજિટલ નોમૅડ તરીકે કામ કરે છે. ફક્ત અમેરિકામાં જ ૨૨ લાખથી વધુ લોકો આ રીતે કામ કરવાનું પસંદ કરે છે. ભારતમાં પણ ખાસ કરીને મિલેનિયલ્સમાં આ કન્સેપ્ટ વધુ પૉપ્યુલર છે. આખી દુનિયામાં કોઈ પણ પે-કટ વગર કે રજાઓના લિમિટેશન વગર હરો-ફરો અને દરમિયાન કામ કરી પૈસા કમાવાનો ટ્રેન્ડ બહુ જોરમાં છે ત્યારે આવા ડિજિટલ નોમૅડ વિલેજ તેમનાં સપનાંઓ પૂરાં કરવામાં મદદરૂપ બને છે.’
lll
હવે વાત કરીએ યાકટેનની. જો ક્યારેય તમે સપનું જોયું હોય કે ફૂલોના શહેરમાં મારું સુંદર ઘર હોય; દૂર-દૂર હિમાચલના પહાડોની પાવરફુલ રેન્જ હોય, વૃક્ષોની હારમાળાઓ, પક્ષીઓનો ચહેકાટ અને હવામાં પાંચસો પર્સન્ટેજ શુદ્ધ ઑક્સિજન હોય એમાં હું રહું; વળી અહીં ગમે એટલા દિવસ રહું તો ખરો સાથે કોઈ પણ અવરોધ વગર મારું કામ ચાલતું રહે, કમાણી થતી રહે; વળી ટાઇમે-ટાઇમે ઘર જેવું સ્વાદિષ્ટ અને શુદ્ધ ભોજન મળે તેમ જ એ ઘરનું મેઇન્ટેનન્સ, સફાઈ, ઇલેક્ટ્રિસિટી બિલ વગેરે કોઈ ઉપાધિ ન હોય અને ઘર જેવી જ અનુભૂતિ હોય છતાંય ઘર ખરીદવું ન પડે તો પહોંચી જાઓ યાકટેન. હા, યાકટેનમાં આવું જ તો છે. એ ટિપિકલ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન નથી કે નથી અહીં કોઈ ફિક્સ સીનિક પૉઇન્ટ્સ. વળી નથી અહીં હોટેલ્સ કે ગેસ્ટહાઉસ. અહીં ઓન્લી ઍન્ડ ઓન્લી હોમસ્ટે છે જ્યાં જિજ્ઞાસુએ ગ્રામજનો સાથે પ્રાકૃતિક વાતાવરણમાં રહેવાનું છે, તેમની સંસ્કૃતિમાં ભળવાનું છે.
સમુદ્રથી ૫૩૦૦ ફીટની ઊંચાઈએ આવેલું દક્ષિણ સિક્કિમનું આ ગામ દેવદાર અને પાઇનનાં જંગલોની મધ્યમાં વસેલું છે. ગામની ચારેય દિશાએથી હેમાળાનાં દર્શન થાય છે તો હરિયાળાં ખેતરો, દુર્લભ ઑર્કિડ તેમ જ વગડાઉ ફૂલો તો ગામના હરેક વળાંકે જોવા મળે છે. યાકટેન પર્વતીય પક્ષીઓ અને રંગબેરંગી પંતગિયાંઓનું તો પિયર જ છે. વળી વીક-એન્ડ વિતાવવા અગણિત ટ્રેક્સ ઉપરાંત રોડોડેંડ્રોન અભ્યારણ ધરાવતું બાર્સી, બર્મિઓક, બાર્બિંગ, બૈગુને, અરિતાર, એંડેન જેવાં ગ્રામીણ અને પર્વતીય ગામ તેમ જ ગૅન્ગટૉક જેવું મૉડર્ન શહેર પણ છે. યાકટેનનું અન્ય મજબૂત પાસું એ છે કે આ વિસ્તાર વર્ષના ૧૦ મહિના શાનદાર રહે છે. ઉનાળો સોહામણો છે તો વધુ ઊંચાઈ ન હોવાથી શિયાળો પણ સહ્ય છે. પાનખર અને વસંત તો પહાડી ક્ષેત્રનાં જ. ફક્ત ચોમાસામાં કીચડ તેમ જ જ્યાં-ત્યાં પાણીનો ભરાવો થઈ જવાથી બહુ મજા નથી પડતી.
યાકટેનનું અન્ય સબળ પરિબળ છે ઈઝી ઍક્સેસેબિલિટી. સિક્કિમનું નવું ઍરપોર્ટ પાકયૉન્ગ અહીંથી ફક્ત ૧૦ કિલોમીટર દૂર છે એથી જેને પહાડની સર્પીલી સડકો પર ટ્રાવેલ કરવાનું ફાવતું ન હોય તેઓ માટે સુંદર સ્થળ હવાઈ મથકની નજીક હોવું એ સૌથી મોટો કૅચ છે. એમ તો બાગરકોટથી સિક્કિમ જતો નવો હાઇવે NH-717A ભારતની વિકાસકૂચનું સુપર્બ એક્ઝામ્પલ છે. ટૂંક સમયમાં જ ખૂલનારો આ હાઇવે સિક્કિમને દેશના અન્ય વિસ્તારો સાથે જોડે જ છે અને સાથે સમય પણ બચાવે છે. મૉડર્ન એન્જિનિયરિંગના આ અદ્ભુત નમૂના સમાન હાઇવે દ્વારા પણ યાકટેન પહોંચી શકાશે.
ફર્સ્ટ ડિજિટલ નોમૅડ વિલેજનો ખિતાબ મેળવી યાકટેન બાજી મારી ગયું
આગળ કહ્યું એમ કોરોના મહામારી પછી ભારતના ટેક્નૉસૅવીઓ પણ ડિજિટલ નોમૅડિઝમના રંગમાં ખૂબ રંગાયા છે. કોવિડકાળમાં હિમાચલ પ્રદેશનાં અનેક ગામોમાં ટેક્નૉસૅવી ઘુમક્કડો બેથી લઈ છ-આઠ મહિના રહ્યા અને આજે પણ રહી રહ્યા છે. ગોવા પણ ડિજિટલ નોમૅડિયનનું પ્રિય સ્થળ રહ્યું છે. ચાલો, ગોવા તો એક મૉડર્ન સ્ટેટ છે. અહીં દરેક પ્રકારની ક્નેક્ટિવિટી ઊભી કરવી અને હોવી ઈઝી છે, પરંતુ હિમાચલના ડુંગરાળ વિસ્તારમાં એ વખતે પણ ઇન્ટરનેટ - વીજળીની સારી સુવિધાઓ હતી અને આજે પણ વિશેષ છે. એવા સમયે યાકટેને ફર્સ્ટ ડિજિટલ નોમૅડ વિલેજનો થપ્પો લગાવીને એ બિરુદ મેળવી લીધું.
ડિજિટલ નોમૅડિઝમ ફાયદાકારક છે?
અમુક અંશે યસ. આ રીતે કામ કરનારા આજીવિકા મેળવવાની સાથે પોતાનો શોખ પૂર્ણ કરી શકે છે. જ્યાં-ત્યાં યાત્રા કરી વિવિધ સંસ્કૃતિઓ, લોકો, લાઇફસ્ટાઇલનો ફર્સ્ટ હૅન્ડ અનુભવ કરી શકે છે. જે વ્યક્તિત્વનો વિકાસ તો કરે જ છે સાથે કરીઅરમાં કોઈ રુકાવટ વગર સમયનો સદુપયોગ પણ થાય છે. હા, ડિસઍડ્વાન્ટેજ પણ છે. એકલા રહેવું કે કોઈ સ્થાયી સંબંધ ન રહેવો વ્યક્તિને ક્યારેક હતાશ કરી શકે. એ જ રીતે વર્ક-લાઇફ બૅલૅન્સ કરવામાં થાક લાગી શકે છે. એનાથી વધુ ડિફિકલ્ટ ડિફરન્ટ ટાઇમઝોનમાં રહીને કામ કરવું, શારીરિક-માનસિક રીતે ચૅલેન્જિંગ બની રહે છે.

