આજથી શરૂ થશે ૧૫૨ કિલોમીટર લાંબી રાષ્ટ્રીય પદયાત્રા : ઉદ્ઘાટન સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઑનલાઇન ઉપસ્થિત રહેશે : ૧૧ દિવસ સુધી ચાલશે પદયાત્રા
ફાઇલ તસવીર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય પદયાત્રા સરદાર@યુનિટી માર્ચનો આજે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ કરમસદથી પ્રારંભ કરાવશે. ૧૧ દિવસ ચાલનારી આ પદયાત્રા જ્યાંથી પસાર થશે એ ગામડાંઓમાં સરદાર પટેલના જીવનકવન પર સાંસ્કૃતિક સહિતના કાર્યક્રમો યોજાશે.
ગુજરાત સરકારના પ્રવક્તા પ્રધાન જિતુ વાઘાણીએ કહ્યું હતું કે ‘રાષ્ટ્રીય પદયાત્રા આજે સરદાર વલ્લભભાઈ પટેલના વતન કરમસદથી શરૂ થશે અને સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે પૂર્ણ થશે. પદયાત્રામાં રોજ જુદાં-જુદાં રાજ્યોના રાજ્યપાલ, મુખ્ય પ્રધાનો, કેન્દ્રીય પ્રધાનો સહિત અનેક લોકો જોડાશે. ઉદ્ઘાટન-સમારોહમાં ત્રિપુરાના મુખ્ય પ્રધાન માણિક સાહા, કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા, કેન્દ્રીય રાજ્ય પ્રધાન નિમુબહેન બાંભણિયા અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશાધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહેશે. પદયાત્રાના છેલ્લા દિવસે સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે સમાપન-સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાક્રિષ્નન અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા ગુજરાત સરકારના પ્રધાનો ઉપસ્થિત રહેશે.’
ADVERTISEMENT
સરદાર પટેલની રાષ્ટ્રીય પદયાત્રાની આગળ અને પાછળ બે વિશેષ ટુકડીઓ ચાલશે. અરુણ ટુકડી પદયાત્રાની આગળ રહેશે અને સમયપાલન મુજબ યાત્રા આગળ વધે એનું ધ્યાન રાખશે. એ ઉપરાંત યાત્રાના કાર્યક્રમની તમામ વ્યવસ્થાનું નિરીક્ષણ કરીને માર્ગદર્શન પૂરું પાડશે, જ્યારે પદયાત્રાની પાછળ કૃષ્ણ ટુકડી રહેશે જે સેવાકીય ભૂમિકા અદા કરશે તથા કાર્યક્રમનાં સ્થળો અને રાત્રિરોકાણનાં સ્થળોની સાફસફાઈ સુનિશ્ચિત કરશે.
પદયાત્રાની સાથે ૧૫૦ જેટલા પદયાત્રીઓ સ્ટૅચ્યુ ઑફ યુનિટી સુધી જશે જ્યારે રોજેરોજ તેમની સાથે અન્ય લોકો જોડાશે.
કરમસદથી એકતાનગર સુધીનું ૧૫૨ કિલોમીટરનું અંતર ૧૧ દિવસમાં કાપવામાં આવશે.


