અમદાવાદમાં પીએમના અધ્યક્ષસ્થાને ઉદ્યોગપતિઓ અને રોકાણકારોની ઉપસ્થિતિમાં વાઇબ્રન્ટ ગુજરાતનાં ૨૦ વર્ષની ઉજવણીમાં આવો આત્મવિશ્વાસ વ્યક્ત કરાયો, વડા પ્રધાન દ્વારા વિરોધ પક્ષોની ઝાટકણી કાઢવામાં આવી
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનાં ૨૦ વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં ગઈ કાલે સંબોધન કરી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનાં ૨૦ વર્ષની ઉજવણી નિમિત્તે અમદાવાદના સાયન્સ સિટીમાં ગઈ કાલે યોજાયેલા સમિટ ઑફ સક્સેસ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને વિશ્વાસ અપાવતાં કહ્યું હતું કે ‘૨૦ વર્ષ પહેલાં અમે એક નાનું બીજ વાવ્યું હતું, આજે એ એટલું વિશાળ વાઇબ્રન્ટ વટવૃક્ષ બની ગયું છે. આ મારી તમને ગૅરન્ટી છે, તમે તમારી આંખો સામે જોશો કે કેટલાંક વર્ષોમાં ભારત દુનિયાની ટૉપ થ્રી ઇકૉનૉમીમાં હશે. આ મોદીની ગૅરન્ટી છે.’
મોદીના અધ્યક્ષસ્થાને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રધાન મંડળના સભ્યો, ઉદ્યોગપતિઓ, રોકાણકારો, સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં વાઇબ્રન્ટ ગુજરાતનાં ૨૦ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંબોધન કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘અમે વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી ત્યારે અમારો ઉદ્દેશ હતો કે રાજ્ય દેશની તરક્કીનું ગ્રોથ એન્જિન બને. આજે આંતરરાષ્ટ્રીય એજન્સીઓ, એક્સપર્ટ્સ આ સૂરમાં વાત કરે છે. આજે ભારત દુનિયાની સૌથી ઝડપથી વધી રહેલી અર્થવ્યવસ્થા છે. હવે આપણે એવા મોડ પર ઊભા છીએ જ્યાં ભારત ગ્લોબલ ઇકૉનૉમિક પાવર હાઉસ બનવા જઈ રહ્યું છે. અહીં ઉપસ્થિત મહેમાનોથી, ભારતના ઉદ્યોગજગતથી એક અપીલ પણ કરવા માગું છું કે તમે એવા સેક્ટર પર વિચારો જ્યાં ભારત પોતાની નવી સંભાવના બનાવી શકતું હોય અથવા પોતાની સ્થિતિ બહેતર કરી શકે. હું કહીશ કે હવે આ ઊભા રહેવાનો સમય નથી. પાછળનાં ૨૦ વર્ષોથી આગળનાં ૨૦ વર્ષો વધુ મહત્ત્વનાં છે. આ જ સમય છે જ્યારે ભારતનો એક એવો રોડમૅપ બનાવવો પડશે જે ૨૦૪૭ સુધી એક વિકસિત અને આત્મનિર્ભર ભારત, આત્મનિર્ભર રાષ્ટ્રના રૂપમાં આપણે દુનિયા સામે પ્રસ્થાપિત કરીએ.’
ADVERTISEMENT
વાઇબ્રન્ટ ગુજરાતની સફળતાને લઈને વાઇબ્રન્ટ ગુજરાતના પ્રણેતા નરેન્દ્ર મોદી એક તબક્કે ભાવુક થયા હતા અને યાદો વાગોળતાં કહ્યું હતું કે ‘મારા માટે ખુશીની વાત છે કે આજે મને બોલાવ્યો તો હું ૨૦ વર્ષ નાનો થઈ ગયો. જૂની યાદોમાં ખોવાઈ ગયો. એ ભયંકર દિવસોમાંથી ગુજરાતને કેવી રીતે કાઢ્યું છે અને આજે ક્યાં પહોંચાડ્યું છે. જીવનમાં આનાથી મોટો સંતોષ શું હોઈ શકે, મિત્રો, વાઇબ્રન્ટ ગુજરાત માત્ર બ્રૅન્ડિંગનું આયોજન નથી, પણ એનાથી વધીને બૉન્ડિંગનું આયોજન છે. દુનિયા માટે આ સફળ સમિટ હશે, એક બ્રૅન્ડ હોઈ શકે છે, પણ મારા માટે મજબૂત બૉન્ડનું પ્રતીક છે. આ એ બૉન્ડ છે એ મારા અને ગુજરાતના સાત કરોડ નાગરિકોથી તેમના સામર્થ્યથી જોડાયેલું છે.’
ગુજરાતનો દુકાળ, ભૂકંપ, માધવપુરા મર્કેન્ટાઇલ બૅન્ક કોલોપ્સ થઈ અને એના કારણે ૧૩૩ કો-ઑ. બૅન્કમાં તોફાન છવાયું તેમ જ ગોધરાની ઘટના સહિતની બાબતોનો ઉલ્લેખ કરીને તેઓએ કહ્યું હતું કે ‘જે લોકો એજન્ડા લઈને ચાલે છે તેઓ એ સમયે પણ ઘટનાઓનું પોતાની રીતે ઍનૅલિસિસ કરવામાં લાગ્યા હતા. કહેવામાં આવ્યું કે ગુજરાતમાંથી યુવા, ઉદ્યોગ, વેપારીઓ બધા બહાર જતા રહેશે અને ગુજરાત એવું બરબાદ થશે કે ભારત માટે બોજ બની જશે. ગુજરાતને દુનિયામાં બદનામ કરવાની સાજીશ કરવામાં આવી. કહેવાયું કે ગુજરાત પોતાના પગ પર ક્યારેય ઊભું નહીં થઈ શકે. એ સંકટમાં મેં સંકલ્પ કર્યો કે કેવી પણ પરિસ્થિતિ હોય, ગુજરાતને એમાંથી બહાર નીકાળીને જ રહીશ. અમે ગુજરાતના પુનર્નિર્માણની જ નહીં, પણ એનાથી આગળ વિચારી રહ્યા હતા. એનું પ્રમુખ માધ્યમ બનાવ્યું વાઇબ્રન્ટ ગુજરાત સમિટને. ગુજરાતનો આત્મવિશ્વાસ વધારવા અને એના દ્વારા વિશ્વ સાથે આંખથી આંખ મિલાવીને વાત કરવાનું માધ્યમ બની ગયું. અમે આને ગુજરાતનું ઔદ્યોગિક વિકાસ પર્વ બનાવ્યું. આજે દુનિયા વાઇબ્રન્ટ ગુજરાતની સફળતા જોઈ રહી છે.’
નરેન્દ્ર મોદીએ વિરોધ પક્ષોને આડે હાથ લેતાં અને આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન એવા માહોલમાં કરાયું જ્યારે ત્યારની કેન્દ્ર સરકાર પણ ગુજરાતના વિકાસને લઈને બેરૂખી બતાવતી હતી. મેં હંમેશાં કહ્યું છે કે ગુજરાતના વિકાસથી દેશનો વિકાસ, પણ એ સમયે કેન્દ્ર સરકાર ચલાવનારા લોકો ગુજરાતના વિકાસને પણ રાજનીતિથી જોડીને જોતા હતા. કેન્દ્ર સરકારના પ્રધાન વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં આવવાની ના પાડતા હતા. વિદેશી ઇન્વેસ્ટરને ધમકાવવામાં આવતા કે ગુજરાત ન જતા. છતાં પણ વિદેશી ઇન્વેસ્ટર ગુજરાત આવ્યા. સમય બદલાયો, પણ એક ચીજ ન બદલાઈ, દર વખતે વાઇબ્રન્ટ ગુજરાત સફળતાની નવી ઊંચાઈએ પહોંચતું રહ્યું.’
ગઈ કાલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનાં ૨૦ વર્ષની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ, સમાજના આગેવાનો
વાઇબ્રન્ટ ગુજરાતની સફળતાની વાત કરતાં તેઓએ કહ્યું હતું કે ‘વાઇબ્રન્ટ ગુજરાતની સફળતા પાછળ આઇડિયા, ઇમેજિનેશન અને ઇમ્પ્લીમેન્ટેશન જેવા કોર એલિમેન્ટ્સ સામેલ છે. ૨૦૦૩માં અમુક પાર્ટીસિપેન્ટ્સ આવ્યા હતા અને હવે ૪૦,૦૦૦થી વધુ પાર્ટીસિપન્ટ્સ આ સમિટમાં જોડાયા છે.’
આ ઉજવણીમાં જેટ્રો સાઉથ એશિયાના ડિરેક્ટર જનરલ તાકાસી સુઝુકી, આર્સેલર મિત્તલ ગ્રુપના ચૅરમૅન લક્ષ્મી મિત્તલ, વેલસ્પન ગ્રુપના ચૅરમૅન બી. કે. ગોયન્કાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે ઉદ્યોગપતિઓ, યુવા ઉદ્યોગ સાહસિકો, સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મારા નામે હજી ઘર નથી, પણ મારા દેશની લાખ્ખો દીકરીઓનાં નામે ઘર કરી દીધાં , લાખ્ખો બહેનો હવે લખપતિ દીદી બની ગઈ
નરેન્દ્ર મોદીએ ગઈ કાલે અમદાવાદ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તેમ જ વડોદરામાં સભા સંબોધી હતી. બોડેલીમાં ૫૨૦૬ કરોડ રૂપિયાનાં વિકાસકાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યાં હતાં, જ્યારે વડોદરામાં નારી શક્તિ વંદન અભિનંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. બોડેલીમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘દેશભરમાં ગરીબો માટે ૪ કરોડથી વધુ પાકાં ઘરો બનાવી દીધાં. લાખ્ખો ઘર અમારાં બહેનોનાં નામ પર થયાં. એક-એક ઘર દોઢ-દોઢ, બે-બે લાખ રૂપિયાનાં બન્યાં છે. દેશની કરોડો બહેનો, મારા ગુજરાતની લાખ્ખો બહેનો હવે લખપતિ દીદી બની ગઈ છે. મારા નામે હજી ઘર નથી, પણ મારા દેશની લાખ્ખો દીકરીઓનાં નામે ઘર કરી દીધાં.’
વડોદરામાં નવલખી મેદાનમાં ગઈ કાલે યોજાયેલા નારી શક્તિ વંદન અભિનંદન કાર્યક્રમમાં મહિલાઓનું અભિવાદન ઝીલીને આભાર વ્યક્ત કરીને બહેનોને ડ્રોન ટેક્નૉલૉજી શીખવવા બાબતે બોલતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘આપણે નવી યોજના કરવાના છીએ, બહેનોને ડ્રોન ચલાવતા શીખવાડીશું. સખી મંડળોને ડ્રોન આપીશું અને ડ્રોનથી ખેતીમાં કેવી રીતે કામ કરી શકાય, ખાતર અને દવાનો છંટકાવ કેમ થાય અને સખી મંડળો ડ્રોન ટેક્નિશ્યન બનીને આજુબાજુનાં ગામડાંઓનાં ખેતરોમાં આધુનિક ખેતી કરવાની દિશામાં કામ કરવાની છે.’

