આચાર્ય શ્રી ૧૦૮ વિદ્યાસાગર મહારાજસાહેબના શિષ્ય પરમ પૂજ્ય મુનિશ્રી શાશ્વત સાગરજી મહારાજ ગઈ કાલે સવારે ૫.૩૦ વાગ્યે સુરેન્દ્રનગરથી જૂનાગઢ પાસે આવેલા જૈન તીર્થ ગિરનાર તરફ વિહાર કરી રહ્યા હતા
અકસ્માત બાદ રોડ પર ઈજાગ્રસ્ત પરમ પૂજ્ય મુનિશ્રી શાશ્વતસાગરજી મહારાજ.
બીજી જુલાઈના એક ધાર્મિક પ્રસંગમાં ભાગ લેવા સુરેન્દ્રનગરથી ગિરનાર તરફ જઈ રહેલા દિગમ્બર જૈન સાધુનો ગઈ કાલે રોડ-ઍક્સિડન્ટ થતાં તેમને હાથ અને પગમાં ગંભીર ઈજા થઈ હતી. ગઈ કાલે વહેલી સવારે આ સમાચાર સોશ્યલ મીડિયામાં પ્રસરતાં જ જૈન સમાજમાં જબરદસ્ત આક્રોશ ફેલાયો હતો. જૈન સમાજમાં ફરીથી એક વાર સવાલ ઊભો થયો છે કે જૈન સાધુઓ-સાધ્વીજીઓ અકસ્માતનો ભોગ કેમ બને છે?
ગઈ કાલના બનાવની માહિતી આપતાં દિગમ્બર જૈન સમાજના એક અગ્રણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આચાર્ય શ્રી ૧૦૮ વિદ્યાસાગર મહારાજસાહેબના શિષ્ય પરમ પૂજ્ય મુનિશ્રી શાશ્વત સાગરજી મહારાજ ગઈ કાલે સવારે ૫.૩૦ વાગ્યે સુરેન્દ્રનગરથી જૂનાગઢ પાસે આવેલા જૈન તીર્થ ગિરનાર તરફ વિહાર કરી રહ્યા હતા ત્યારે સામેથી આવી રહેલી એક ટ્રકે મુનિશ્રીને ટક્કર મારી હતી જેને કારણે મુનિશ્રી રોડ પર ચત્તાપાટ પડી ગયા હતા. તેમના હાથ અને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત પછી ડ્રાઇવર ત્યાં જ ઊભો રહ્યો હતો. તેનો કોઈ બદઇરાદો નહોતો. તેણે દારૂ પણ પીધો નહોતો. ડ્રાઇવરને માફ કરીને જવા દેવામાં આવ્યો હતો. અત્યારે મુનિશ્રી મહેસાણાના સંઘમાં બિરાજમાન છે.’
ADVERTISEMENT
મહેસાણા સંઘમાંથી અકસ્માત બાદ વાઇરલ કરેલા વિડિયોમાં શાશ્વત સાગરજી મહારાજસાહેબે તેમના અનુયાયીઓને સંબોધતાં કહ્યું હતું કે ‘આ અકસ્માતથી તેમને ગંભીર ઈજા થઈ છે જેની પર હળદર અને ઘીનો લેપ કરી દીધો છે જેનાથી બે-ત્રણ દિવસમાં રૂઝ આવી જશે.’

