વહેલી પરોઢે ૪.૬ની તીવ્રતાનો આંચકો: એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપ પછી બે આફ્ટરશૉક્સ
પ્રતીકાત્મક તસવીર
વધુ એક વાર ગઈ કાલે વહેલી પરોઢે કચ્છની ધરા ધ્રૂજી ઊઠી હતી. રાપરથી દૂર એનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું અને ૪.૬ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. એક જ દિવસમાં ભૂકંપની સાથે બીજા બે આફ્ટરશૉક્સ પણ કચ્છવાસીઓએ અનુભવ્યા હતા.
વહેલી સવારે સાડાચાર વાગ્યાની આસપાસ ભૂકંપનો આંચકો આવ્યો હતો, જેની તીવ્રતા ૪.૬ની નોંધાઈ હતી. એ પછી સવારે સવાનવ વાગ્યાની આસપાસ ફરી ભૂકંપનો અનુભવ થયો હતો જે ૨.૫ની તીવ્રતાનો હતો. ત્યાર બાદ સવાઅગિયાર વાગ્યે પણ ૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નાગરિકોએ અનુભવ્યો હતો. સાઉથ વાગડ ફૉલ્ટ લાઇન અને ગેડી ફૉલ્ટ લાઇનની વચ્ચે નૉર્થ વાગડ ફૉલ્ટ લાઇન પર ભૂકંપના આંચકા આવ્યા હતા. ઘણા લાંબા સમય બાદ કચ્છમાં ૪.૬ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. પરોઢે આવેલા ભૂકંપના કારણે ગેડી ગામ સહિતના વિસ્તારમાં લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા અને રાપર સુધી એની અસર વર્તાઈ હતી.
ADVERTISEMENT
હે પ્રભુ, ૨૦૦૪ જેવી હોનારત ફરી ન જોવી પડે એવું કરજો

૨૦૦૪માં ઇન્ડોનેશિયાના સુમાત્રામાં ૯.૧ તીવ્રતાનો ધરતીકંપ થતાં લગભગ ૧૦ મિનિટ સુધી ધરતી ધણધણતી રહી હતી એટલું જ નહીં, એ પછી દરિયામાં ૩૦ મીટર ઊંચાં મોજાં ઊછળ્યાં હતાં અને ૧૪ દેશોમાં સુનામીએ તબાહી મચાવી હતી. ૨૬ ડિસેમ્બરે આવેલી આ સુનામીએ વિશ્વભરમાં મચાવેલી તબાહીને ગઈ કાલે ૨૧ વર્ષ પૂરાં થયાં હતાં. ભારતમાં પણ ૪૫૦૦ કિલોમીટરના દરિયાકિનારે ૧,૨૩,૧૦૫ ઘરો નાશ પામ્યાં હતાં અને ૭૯૯૩ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ૩૧,૦૦૦ મોટી બોટ, ૮૧૪૦ નાની બોટ અને ૧૦૦૦ જેટલી મેકૅનિકલ બોટ્સનો પણ આ સુનામીમાં કચ્ચરઘાણ વળી જતાં હજારો માછીમારોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. અસરગ્રસ્ત લાખો લોકોને ૨૧ વર્ષ પછી પણ આ ઘટનાને કારણે થયેલી પીડાની જાણે કળ નથી વળી. ગઈ કાલે ચેન્નઈ અને દક્ષિણ ભારતના બીજા બીચ પર આ ઘટનામાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. બહેનોએ દરિયાદેવનો પ્રકોપ શાંત રહે એ માટે દૂધ ચડાવ્યું હતું.


