સિલિગુડીમાં મહાકાલ મંદિરની આધારશિલા રાખવાની કરી જાહેરાત
ગઈ કાલે કલકત્તામાં દુર્ગા મંદિરના શિલાન્યાસ પ્રસંગે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજી અન્ય હિન્દુ પંડિતો સાથે.
પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીને આવનારી વિધાનસભાની ચૂંટણીની જબરી ચિંતા થઈ રહી છે. ચૂંટણી પહેલાં સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન ( SIR)નો વિરોધ કર્યા પછી પણ ખાસ ફેવરેબલ માહોલ નથી બની રહ્યો. નવી બાબરી મસ્જિદ બનાવવા બાબતે પણ બવાલ થઈ ચૂકી છે ત્યારે ગઈ કાલે તેમણે હિન્દુઓને રિઝવવાનો અણસાર આપ્યો હતો.
ગઈ કાલે કલકત્તાના ન્યુ ટાઉનમાં દેવી દુર્ગાને સમર્પિત દુર્ગા આંગણના શિલાન્યાસ-સમારોહમાં પહોંચેલાં મમતા બૅનરજીએ પોતાના સંબોધનમાં જાહેરાત કરી હતી કે ‘મેં મહાકાલ મંદિર માટે ભૂમિ-નિરીક્ષણ પહેલેથી જ કરી રાખ્યું છે. હું તમને ખુશખબર આપી રહી છું. આપણે જાન્યુઆરી મહિનાના બીજા સપ્તાહમાં મહાકાલ મંદિરનો પાયો રાખીશું. મેં આ પૂજા દરમ્યાન જ આ તારીખ નક્કી કરી હતી.’
મમતા બૅનરજીએ સિલિગુડીમાં મહાકાલ મંદિર બનાવવાની જાહેરાત સાથે ગંગાસાગર પુલ બનાવવાનો વાયદો પણ કરી દીધો હતો.
તુષ્ટીકરણના આરોપનો નકારતાં મમતા બૅનરજીએ કહ્યું હતું કે ‘હું સાચા અર્થમાં સેક્યુલર છું અને કોઈ ભેદભાવ વિના બધા જ ધર્મના કાર્યક્રમોમાં ભાગ લઉં છું. હું ગુરુદ્વારામાં જાઉં છું ત્યારે તો તમે કંઈ કહેતા નથી, પણ જો હું ઈદના કાર્યક્રમમાં શામેલ થાઉં તો તમે મારી ટીકા કરવાનું શરૂ કરી દો છો.’


