તાપીનગર વિભાગ-બેમાં રહેતા રહીશો ગઈ કાલે સવારે જ્યારે જાગ્યા ત્યારે દીવાલ પર ચોંટાડેલી નોટિસ જોઈને તેમનામાં ગભરાટનો માહોલ છવાઈ ગયો હતો
સુરતના ઉત્રાણમાં લાગી ગેરકાયદે બાંધકામ હટાવવાની નકલી નોટિસ
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવીને દબાણ હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે ત્યારે સુરતના ઉત્રાણ વિસ્તારમાં આવેલા તાપીનગરમાં કોઈ નકલી નોટિસ લગાડી ગયું હતું જેમાં દરેક ગલીમાંથી પાંચ-પાંચ મકાન હટાવવાની વાતથી રહેવાસીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. જોકે આ નોટિસની ખરાઈ થતાં એ ખોટી નીકળી હતી.
તાપીનગર વિભાગ-બેમાં રહેતા રહીશો ગઈ કાલે સવારે જ્યારે જાગ્યા ત્યારે દીવાલ પર ચોંટાડેલી નોટિસ જોઈને તેમનામાં ગભરાટનો માહોલ છવાઈ ગયો હતો, કેમ કે એમાં મકાનો તોડવાની વાત કરાઈ હતી. જોકે આ નગરના સ્થાનિકો દ્વારા સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં તપાસ કરાતાં સત્તાવાળાઓએ કહ્યું હતું કે અમે નોટિસ નથી લગાડી જેથી સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ADVERTISEMENT
ખેડબ્રહ્મા નજીક હિંગટિયા પાસે બસ, જીપ અને બાઇક વચ્ચે અકસ્માત, એક બાળકી સહિત છનાં મોત, સાત ઈજાગ્રસ્ત
ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના ખેડબ્રહ્મા નજીક આવેલા હિંગટિયા પાસે ગઈ કાલે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ (GST) બસ, જીપ અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં એક વર્ષની બાળકી સહિત છ વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં જ્યારે સાત વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ હતી. અંબાજીથી વડોદરા જઈ રહેલી બસ, જીપ અને બાઇક એકબીજા સાથે ટકરાતાં દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં જીપનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
ગુજરાતમાં માવઠાનો ખતરો મંડરાયો, માર્કેટ યાર્ડોએ ખેડૂતોને કર્યા સાવધ
એક તરફ ગુજરાત કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યું છે ત્યારે બીજી તરફ ગુજરાતમાં માવઠાનો ખતરો ઊભો થયો છે જેના કારણે રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગોંડલ સહિતનાં જુદાં-જુદાં શહેરો અને નગરોમાં આવેલાં માર્કેટ યાર્ડોએ ખેડૂતોને સાવધ કર્યાં છે. આજથી પાંચ દિવસ દરમ્યાન ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં કેટલાક વિસ્તારોમાં વીજળી અને પવન સાથે કમોસમી વરસાદ પડવાની સાથે કેટલાક જિલ્લાઓના અમુક ભાગોમાં કરા સાથે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

