વડોદરાના તરસાલીમાં રહેતાં શ્રૃતિ અને મનોજસિંઘ યાદવે તરછોડાયેલી ગાયોનાં મૂત્ર, છાણ, ઘી, માટી અને દહીંથી બનાવી ગણેશજીની ઇકો-ફ્રેન્ડ્લી મૂર્તિઓ
ગાયના ગોબરમાંથી બનાવેલી મૂર્તિ સાથે શ્રૃતિ અને મનોજસિંઘ યાદવ
વિઘ્નહર્તા ગજાનન ગણપતિદાદાના પર્વમાં વડોદરાની એક દંપતીએ તરછોડાયેલી ૧૮ જેટલી ગાયોને સાચવીને, તેમની સેવા કરીને તેમનાં ગૌમૂત્ર, છાણ, ઘી, દહીં અને માટીથી ગણેશજીની ઇકો-ફ્રેન્ડ્લી મૂર્તિ બનાવી છે.
વડોદરાના તરસાલીમાં રહેતાં શ્રૃતિ અને મનોજસિંઘ યાદવે તરછોડાયેલી ગાયોને લાવી, એની સેવા કરીને સાચવી છે. ગાયના ગોબરમાંથી જુદી-જુદી પ્રોડક્ટ બનાવીને જે પૈસા આવે એનો ગાયના નિભાવમાં ખર્ચ કરી રહ્યાં છે. ભગવાન શ્રીગણેશની મૂર્તિ બનાવવાની વાત કરતાં શ્રૃતિ યાદવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી પાસે ૧૮ ગાયો છે. આ ગાયો નબળી થઈ જતાં એને તરછોડી દેવામાં આવી હોય એવી આ ગાયોને હું અને મારા હસબન્ડ સાચવીએ છીએ અને તેમની સેવા કરીએ છીએ. ગાયોના ગોબરમાંથી ગણપતિદાદાની મૂર્તિ બનાવવાનું, હોળી સમયે ગોબરની કીટ બનાવી, ખાતર સહિતની પ્રોડક્ટ બનાવીને એને લોકોની વચ્ચે લઈ જઈએ છીએ. એમાંથી જે કંઈ પૈસા આવે એ આ ગાયોના રાખરખાવ પાછળ ઉપયોગ કરીએ છીએ. ગણેશોત્સવ પહેલાં અમે ગાયના ગોબર, ગૌમૂત્ર, ઘી, માટી અને દહીં એમ પંચગવ્ય સાથે ગણપતિજીની મૂર્તિઓ બનાવી છે.’
ADVERTISEMENT
તેઓએ વધુમાં કહ્યું હતું કે ‘અષાઢ મહિનો શરૂ થાય એટલે સારું મુહૂર્ત જોઈને ગણપતિજીની મૂર્તિઓ બનાવવાનું શરૂ કરીએ છીએ. અમારી સાથે ચાર માણસો છે, જેઓ મૂર્તિ બનાવે છે. અમે છેલ્લાં ત્રણ વર્ષથી ગણેશ ચતુર્થી પ્રસંગે ગણપતિજીની મૂર્તિઓ બનાવી રહ્યાં છીએ. શરૂઆતમાં અમે ૩૦ મૂર્તિ બનાવી હતી, બીજા વર્ષે ૫૦ મૂર્તિ બનાવી હતી અને આ વર્ષે અમે ૧૦૧ મૂર્તિઓ બનાવવાનું શરૂ કર્યું છે. અમે અલગ-અલગ રીતે ૭ સ્વરૂપની નાની-મોટી મૂર્તિઓ બનાવી રહ્યાં છીએ. આ મૂર્તિઓ અમે વેચીએ છીએ. ઘણા લોકો વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમમાં ગણપતિ મહોત્સવની ઉજવણીમાં મૂર્તિઓ આપવા માટે લઈ જાય છે.’

