આ માર્બલનો ઉપયોગ અંબાજી મંદિર સહિત અનેક ધાર્મિક સ્થળો, સ્મારકો અને ઇમારતોમાં થયો છે
અંબાજીના સફેદ માર્બલમાંથી બનેલું સ્કલ્પ્ચર અને GI ટૅગનું સર્ટિફિકેટ, કેન્દ્રીય ઉદ્યોગપ્રધાન પીયૂષ ગોયલે બનાસકાંઠાના ભૂસ્તરશાસ્ત્રી ગુરુપ્રીતસિંહને GI ટૅગનું સર્ટિફિકેટ આપ્યું હતું.
ઉત્તર ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીની ધરામાંથી નીકળતા સફેદ માર્બલને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (GI) ટૅગ મળ્યો છે. ભારત સરકારના ઉદ્યોગ મંત્રાલય દ્વારા ૧૨ નવેમ્બરે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય ઉદ્યોગપ્રધાન પીયૂષ ગોયલે બનાસકાંઠાના ભૂસ્તરશાસ્ત્રી ગુરુપ્રીતસિંહને GI ટૅગનું પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યા હતા.
અંબાજી પંથકનો માર્બલ એની દૂધિયા સફેદ ચમક, ટકાઉપણા અને પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતો છે. આ માર્બલનો ઉપયોગ અંબાજી મંદિર સહિત અનેક ધાર્મિક સ્થળો, સ્મારકો અને ઇમારતોમાં થયો છે અને થઈ રહ્યો છે. GI ટૅગ મળતાં હવે એને અંબાજી માર્બલ તરીકે વૈશ્વિક બજારમાં બ્રૅન્ડ-ઇમેજ મળશે તેમ જ વિદેશી માર્કેટમાં એની ડિમાન્ડમાં વધારો થશે. એને પગલે ખાણકામ અને ફૅક્ટરી ક્ષેત્રે નવી તકો વધી શકે છે અને સ્થાનિક કલાકારીગરોના હસ્તકૌશલ્યને વધુ તકોની સાથે રોજગાર મળશે.


