વડોદરામાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની સભામાં હરણી બોટકાંડના મુદ્દે બે મહિલાએ પોતાનાં બાળકો માટે રાવ નાખતાં હોબાળો મચ્યો
ભૂપેન્દ્ર પટેલ
વડોદરામાં ગઈ કાલે વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે આવેલા ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની સભામાં વડોદરામાં થયેલા હરણી બોટકાંડમાં પોતાનાં બાળકો ગુમાવનાર બે મહિલાએ પોતાનાં બાળકોના મુદ્દે રાવ નાખતાં હોબાળો મચ્યો હતો. જોકે તેમને મળવાની ભૂપેન્દ્ર પટેલે હૈયાધારણ આપીને મામલો થાળે પાડ્યો હતો.
ભૂપેન્દ્ર પટેલ સભાને સંબોધી રહ્યા હતા ત્યારે ઑડિટોરિયમમાં બેઠેલી અને હરણી બોટકાંડની પીડિત બે મહિલાઓ સરલા શિંદે અને સંધ્યા નિઝામાએ ઑડિટોરિયમમાં ઊભા થઈને ભૂપેન્દ્ર પટેલને સંબોધીને કહ્યું હતું કે ‘દોઢ વર્ષથી સહન કરીએ છીએ. મળવા દેતા નથી કોઈ તમને, તમને મળવા માટે દોઢ વર્ષથી ધક્કા ખાઈએ છીએ. ભરોસો છે તમારા પર એટલે દોઢ વર્ષથી ધક્કા ખાઈએ છીએ.’
ADVERTISEMENT
આ બહેનો બોલી રહી હતી ત્યારે તેમની પાસે પોલીસ પહોંચી ગઈ હતી અને તેમને ઑડિટોરિયમની બહાર લઈ ગઈ હતી.
ભૂપેન્દ્ર પટેલે આ મહિલાઓને ઉદ્દેશીને કહ્યું હતું કે ‘બહેન, સ્પેશ્યલ કોઈ એજન્ડા સાથે આવ્યા હોય તો તમે મને એમ ને એમ મળી શકો છો. કોઈ સ્પેશ્યલ એજન્ડાથી આવ્યા છો બહેન? તો બેસી જાઓ અત્યારે, મને મળો શાંતિથી. તમે મને મળીને જજો, મળાવશે તમને. એવું ન હોય ક્યારેય, એવી રીતે વાત ન હોય. તમે મને મળીને જજો.’

