ભારતના વિજય સાથે જીવનની નવી ઇનિંગ્સની શરૂઆત કરી આ કપલે : મૅચ પૂરી થવામાં હતી ત્યારે પાર્થ-માનસીની લગ્નવિધિ સંપન્ન થઈ
ગાંધીનગરનો પાર્થ પટેલ અને રાંધેજાની માનસી પટેલ
લગ્નના દિવસે જ ભારત-પાકિસ્તાનની વન-ડે મૅચ આવી એટલે ગાંધીનગરનો પાર્થ પટેલ અને રાંધેજાની માનસી પટેલ મૅચ માણવાનો લહાવો છોડવા માગતાં નહોતાં, પરિણામે પાર્ટી-પ્લૉટમાં LED સ્ક્રીન મુકાવીને પોતે પણ મૅચ જોઈ અને તમામ જાનૈયાઓ-માંડવિયાઓએ પણ લગ્નની સાથોસાથ મૅચની મજા માણી
દુબઈમાં ભારત-પાકિસ્તાન વચ્ચે રમાયેલી એક્સાઇટિંગ વન-ડે મૅચમાં ભારતે રોમાંચક વિજય મેળવ્યો હતો એ સમયના સાક્ષી બનવા માટે કરોડો ક્રિકેટચાહકો એ મૅચ જોવાનું ચૂક્યા નહોતા ત્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગર નજીક આવેલા રાંધેજાના પાર્ટી-પ્લૉટમાં ક્રિક્રેટક્રેઝી કપલ પાર્થ અને માનસી પટેલે તેમનાં લગ્ન દરમ્યાન એક્સાઇટિંગ મૅચનું લાઇવ પ્રસારણ જોઈને જીવનની નવી ઇનિંગ્સની શરૂઆત કરી હતી અને વિરાટ કોહલીના વિનિંગ શૉટને ચિયરઅપ કરીને દાંપત્યજીવનમાં પગલાં માંડ્યાં હતાં.
ADVERTISEMENT
લગ્નના દિવસે જ ભારત-પાકિસ્તાનની વન-ડે મૅચ આવતાં ગાંધીનગરમાં રહેતા પાર્થ પટેલ અને રાંધેજામાં રહેતી માનસી પટેલ એ મૅચ માણવાનો લહાવો છોડવા માગતાં નહોતાં એટલે લગ્નના દિવસે પાર્ટી-પ્લૉટમાં અંદાજે ૧૫ ફુટ મોટી LED સ્ક્રીન મુકાવીને પોતે પણ મૅચ જોઈ અને જાનૈયાઓ તથા માંડવિયાઓએ પણ લગ્નની સાથોસાથ મૅચની મજા માણી હતી.
વરરાજા પાર્થના મિત્ર કિરણ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પાર્થનાં લગ્નના દિવસે જ ભારત-પાકિસ્તાનની વન-ડે મૅચ હતી. મારે પાર્થ સાથે વાત થઈ હતી અને તેણે મને કહ્યું કે કો-ઇન્સિડન્ટ છે કે મારાં લગ્નના દિવસે જ ભારત-પાકિસ્તાનની મૅચ છે, આ મૅચ હું બધાને બતાવીશ. લગ્નના માંડવામાં સૌ ભેગા મળીને લગ્નની સાથે-સાથે મૅચની મજા માણે એવો આઇડિયા પાર્થ અને માનસીને આવ્યો હતો. બન્નેએ નક્કી કર્યું હતું કે ભારત અને પાકિસ્તાનની મૅચ છે એટલે બધાને એન્જૉય કરાવીએ. તેમણે આ વિચારને અમલમાં મૂક્યો. ગાંધીનગર પાસે આવેલા રાંધેજાના પાર્ટી-પ્લૉટમાં રવિવારે લગ્ન હતાં એટલે અંદાજે ૧૫ ફુટની LED સ્ક્રીન મૂકવામાં આવી હતી. લગ્નપ્રસંગ હોવાથી ૧૦૦૦થી વધુ લોકો આવ્યા હતા, પરંતુ સ્ક્રીનની સામે બેસીને ૫૦૦થી ૬૦૦ લોકોએ મૅચ જોઈ હતી અને ભારતની જીતને સૌએ ચિયરઅપ કરી હતી.’
મૅચ શરૂ થઈ ત્યારથી સ્ક્રીન પર લાઇવ પ્રસારણ ચાલુ કરી દીધું હતું એમ જણાવતાં કિરણ પટેલે કહ્યું હતું કે ‘એક તરફ મૅરેજ ચાલતાં હતાં અને બીજી તરફ મૅચ ચાલતી હતી. ભારતની ઇનિંગ્સ શરૂ થઈ અને મૅચ અંત તરફ હતી એ વખતે પાર્થ-માનસીની લગ્નવિધિ સંપન્ન થઈ હતી એટલે એ બન્નેએ જાનૈયા-માંડવિયા સાથે બેસીને મૅચનો એન્ડ જોયો હતો. વિરાટ કોહલીએ મારેલો વિનિંગ ચોગ્ગો જોઈને પાર્થ-માનસીએ ચિયરઅપ કર્યું હતું. પાર્થ અને માનસીનાં આ લવ-મૅરેજ છે. બન્ને ઘણી વાર અમદાવાદ મૅચ જોવા જાય છે અને બન્નેને ક્રિકેટ ખૂબ ગમે છે. તેમની ફૅમિલીના સભ્યો પણ ક્રિકેટપ્રેમી છે અને ભારત-પાકિસ્તાનની મૅચ જોવાનું તો તેઓ ક્યારેય ચૂકતા નથી અને ભારતની ટીમને ચિયરઅપ કરે છે.’

