ભારે વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે સવારે જ પાલનપુર, દાંતિવાડા, વડગામ, ધાનેરા તેમ જ ડીસા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો.
પાલનપુરમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વરસાદનાં પાણી ભરાઈ ગયાં હતાં.
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠાને વરસાદે ધમરોળ્યું હતું. બુધવારે મોડી રાતથી જ ઘણા બધા વિસ્તારમાં મુશળધાર વરસાદ પડ્યો હતો જેના પગલે અનેક સ્થાનિક નદીઓમાં પૂર આવ્યાં હતાં. ખાસ કરીને ધોધમાર વરસાદના કારણે પાલનપુર પાણી-પાણી થઈ ગયું હતું અને અનેક વિસ્તારમાં ઘરોમાં વરસાદનાં પાણી ઘૂસી ગયાં હતાં. આ ઉપરાંત ગોબરી તળાવ ઓવરફ્લો થયું હતું. ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતું. ભારે વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે સવારે જ પાલનપુર, દાંતિવાડા, વડગામ, ધાનેરા તેમ જ ડીસા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો.
બનાસકાંઠા અને સાબરકાંઠાની અનેક સ્થાનિક નદીઓમાં પૂર આવ્યાં હતાં. ધાનેરાની રેલ નદીમાં ૨૦૧૭ પછી પૂર આવ્યું હતું. બનાસકાંઠાની લબડી નદીમાં પૂર આવતાં વેડંચા અને ભાવિસણ વચ્ચેનો રોડ ધોવાયો હતો. સાબરકાંઠામાં ખેડબ્રહ્મામાંથી પસાર થતી હરણાવ નદીમાં પૂર આવ્યું હતું. નદીમાં પૂર આવતાં લોકો જોવા માટે ઊમટ્યા હતા. અરવલ્લી જિલ્લામાં ભીલોડામાં હાથમતી અને બંઢેલી નદીમાં પણ પૂર આવ્યાં હતાં.
ADVERTISEMENT
ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં ગુજરાતના ૧૮૧ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ પડ્યો હતો. ૫૧ તાલુકાઓમાં એક ઇંચથી પાંચ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.
નયનરમ્ય નજારો
વાદળોથી ઘેરાયેલી સરદાર પટેલની વિશ્વપ્રસિદ્ધ પ્રતિમા સ્ટૅચ્યુ ઑફ યુનિટીનો નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો.
વરસાદી વાતાવરણના કારણે નર્મદા જિલ્લામાં એકતાનગર પાસે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટૅચ્યુ ઑફ યુનિટીને ફરતે અદ્ભુત નયનરમ્ય નજારો સર્જાયો હતો. વાદળોની વચ્ચે સ્ટૅચ્યુ ઑફ યુનિટીની પ્રતિમા ઘેરાઈ હતી જેના કારણે પ્રતિમાની આસપાસનું દૃશ્ય મનમોહક બની રહ્યું હતું.

