૨૦૨૬ની પહેલી જાન્યુઆરીથી અમલમાં આવનારા આ પગલાનો હેતુ વાજબી ધિરાણ અને ફાઇનૅન્સની સરળ સુલભતાને પ્રોત્સાહન આપવાનો છે
પ્રતીકાત્મક તસવીર
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ લોન લેનારા લોકોને મોટી રાહત આપતો એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નવા નિયમ હેઠળ હવે બૅન્કો અને નાણાકીય સંસ્થાઓ ફ્લોટિંગ રેટવાળી લોન પર કોઈ પણ પ્રી-પેમેન્ટ અથવા ફોરક્લોઝર ચાર્જ વસૂલ કરી શકશે નહીં. આ નિયમ વ્યક્તિગત અને વ્યાવસાયિક લોન બન્ને પર લાગુ થશે. આ નિર્ણય સ્મૉલ ઍન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (SME) માટે ખૂબ ફાયદાકારક રહેશે. ૨૦૨૬ની પહેલી જાન્યુઆરીથી અમલમાં આવનારા આ પગલાનો હેતુ વાજબી ધિરાણ અને ફાઇનૅન્સની સરળ સુલભતાને પ્રોત્સાહન આપવાનો છે.
RBIએ અવલોકન કર્યું કે કેટલાક ધિરાણકર્તાઓ લોનકરારોમાં પ્રતિબંધક કલમોનો ઉપયોગ ઉધાર લેનારાઓને વધુ સારા વ્યાજદર અથવા સેવાઓ પ્રદાન કરતા અન્ય ધિરાણકર્તા તરફ સ્વિચ કરવાથી નિરાશ કરવા માટે કરી રહ્યા હતા.
ADVERTISEMENT
બુધવારે જાહેર કરાયેલી નવી માર્ગદર્શિકા મુજબ આ દિશાનિર્દેશો ૨૦૨૬ની પહેલી જાન્યુઆરી અથવા એ પછી મંજૂર કરાયેલી અથવા રિન્યુ કરાયેલી બધી લોન અને ઍડ્વાન્સિસ માટે અમલમાં આવશે. લોનમાં સહજવાબદારી હોય કે ન હોય આ નિયમ લાગુ પડે છે.
RBIએ સ્પષ્ટ કર્યું છે કે બિનવ્યાવસાયિક હેતુઓ માટે વ્યક્તિઓ દ્વારા લેવામાં આવતી ફ્લોટિંગ રેટ લોન પર કોઈ પ્રી-પેમેન્ટ ચાર્જ વસૂલ કરવામાં આવશે નહીં.
નવો નિયમ બધી કમર્શિયલ બૅન્કો (પેમેન્ટ બૅન્કો સિવાય), સહકારી બૅન્કો, નૉન-બૅન્કિંગ ફાઇનૅન્શિયલ કંપનીઓ (NBFCs) અને ઑલ ઇન્ડિયા ફાઇનૅન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ પર લાગુ થશે. આ લાભ મેળવવા માટે કોઈ લઘુતમ લૉક-ઇન સમયગાળો નથી. લોન સંપૂર્ણ રીતે ચૂકવવામાં આવે કે આંશિક રીતે ચૂકવવામાં આવે, આ નિયમ લાગુ પડશે. બૅન્કો એ પણ નહીં પૂછે કે ચુકવણી માટે ઉપયોગમાં લેવાતા ભંડોળને ક્યાંથી લાવવામાં આવ્યું છે.
ડ્યુઅલ અથવા સ્પેશ્યલ રેટ લોન (ફિક્સ્ડ અને ફ્લોટિંગ રેટનું મિશ્રણ)ના કિસ્સામાં પણ જો લોન ચુકવણી સમયે ફ્લોટિંગ રેટ પર હોય તો નો-ચાર્જ નિયમ લાગુ પડે છે.

