કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કર્યું ઉદ્ઘાટન : થ્રી BHK ફ્લૅટમાં ઑફિસ અને સર્વન્ટરૂમની પણ સુવિધા : સદસ્ય નિવાસ સંકુલમાં મલ્ટિપર્પઝ હૉલ, સ્વિમિંગ-પૂલ, જિમ્નેશ્યમ, કૅન્ટીન, ઇન્ડોર રમત સહિતની સુવિધાઓ
અમિત શાહે ઉદ્ઘાટન બાદ ફ્લૅટ તેમ જ અન્ય સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું.
ગુજરાત વિધાનસભાના વિધાનસભ્યો માટે ગાંધીનગરમાં ૩૨૫ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આધુનિક સદસ્ય નિવાસ સંકુલને ગઈ કાલે ભાઈબીજના પવિત્ર દિવસે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહે લોકાર્પણ કર્યું હતું.
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં થયેલા લોકાર્પણ બાદ અમિત શાહે ફરીને ફ્લૅટ્સ તેમ જ સંકુલ જોયાં હતાં. ગાંધીનગરના સેક્ટર ૧૭માં સદસ્ય નિવાસ સંકુલમાં વિધાનસભ્યો માટે ૨૩૮.૪૫ ચોરસ મીટરની વિશાળ જગ્યામાં ૩ બેડરૂમ, લિવિંગરૂમ, કિચન, ડ્રેસિંગરૂમ, ઑફિસ વિથ વેઇટિંગરૂમ તથા સર્વન્ટરૂમની સુવિધા છે. વિધાનસભ્યો માટે આધુનિક સમયની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વિશાળ ગાર્ડન, ૩૦૦ વ્યક્તિઓની ક્ષમતા ધરાવતો મલ્ટિપર્પઝ હૉલ, કમ્યુનિટી હૉલ, સ્વિમિંગ-પૂલ, જિમ્નેશ્યમ, કૅન્ટીન, ઇન્ડોર રમતનાં સાધનો તેમ જ દવાખાનું અને પ્રોવિઝન સ્ટોરની સુવિધાઓ પણ રાખવામાં આવી છે. સંકુલમાં ફ્લૅટદીઠ બે અલૉટેડ પાર્કિંગની સુવિધા આપવામાં આવી છે જેમાં એક બેઝમેન્ટમાં અને એક ગ્રાઉન્ડ ફ્લોર પર છે. અહીં ૬૦૦ નવાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. હાલ ૧૨ બ્લૉકના ૨૧૬ ફ્લૅટમાંથી ૧૦ બ્લૉકના ૧૮૦ ફ્લૅટ ફિક્સ અને લૂઝ ફર્નિચર સાથે અને બાકીના બે બ્લૉકના ૩૬ ફ્લૅટ ફિક્સ ફર્નિચર સાથે તૈયાર કરવામાં આવ્યા છે.


