‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ નિમિત્તે સોમનાથમાં શૌર્યયાત્રા કરીને નરેન્દ્ર મોદીએ કહ્યું...
સોમનાથમાં ગઈ કાલે ૧૦૮ અશ્વસવારો સાથે શૌર્ય યાત્રા દરમ્યાન ડમરુ વગાડી રહેલા નરેન્દ્ર મોદી.
આજે તલવારોને બદલે બીજી રીતે ભારત સામે ષડ્યંત્ર થઈ રહ્યાં છે એટલે વધુ સજાગ રહેવાની જરૂર
ગુજરાતના સોમનાથ મંદિર પર મોહમ્મદ ગઝનીએ કરેલા હુમલાને ૧૦૦૦ વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે શરૂ થયેલા ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ઉજવણી થઈ રહી છે. આ પર્વની ઉજવણીના ભાગરૂપે નરેન્દ્ર મોદીએ ગઈ કાલે સોમનાથ મંદિરની મુલાકાત લીધી હતી. એ પહેલાં તેમણે એક કિલોમીટર લાંબી સોમનાથ શૌર્યયાત્રા કરી હતી. શૌર્યયાત્રામાં નરેન્દ્ર મોદીની ઓપનરૂફ કારની આગળ ૧૦૮ અશ્વોનો કાફલો પસાર થયો હતો. શૌર્યયાત્રા દરમ્યાન સાધુ-સંતોની લોકોએ આરતી ઉતારી હતી. વચ્ચે નરેન્દ્ર મોદીએ ગુજરાતના શૂરવીર રજપૂત યોદ્ધા વીર હમીરજી ગોહિલની પ્રતિમાને નમન કર્યું હતું.
ADVERTISEMENT
શૌર્યયાત્રામાં ડમરુ બજાવતાં બાળકોની સાથે નરેન્દ્ર મોદીએ પણ ડમરુ વગાડીને બાળકોને પાનો ચડાવ્યો હતો. ત્યાર બાદ સોમનાથ મંદિર પહોંચીને તેમણે પૂજા કરી હતી. પૂજારીઓએ તેમને ત્રિપુંડ બનાવી આપ્યું હતું. તેમણે લગભગ ૩૦ મિનિટ સુધી પૂજા-અર્ચના કરીને જળ ચડાવ્યું હતું અને શિવલિંગને પંચામૃતનો અભિષેક કર્યો હતો. મંદિરની બહાર ઊભેલા લોકોમાં એક વ્યક્તિ ઢોલ વગાડી રહી હતી એ જોઈને તેમણે પણ ઢોલ પર તાલ આપ્યો હતો.
હિન્દુસ્તાનની શક્તિ અને સામર્થ્ય
૩ કિલોમીટરનો રોડ-શો કર્યા પછી નરેન્દ્ર મોદીએ સદ્ભાવના ગ્રાઉન્ડમાં જનસભાને સંબોધતાં કહ્યું હતું કે ‘આ વાતાવરણ અદ્ભુત છે. આ ઉત્સવ અદ્ભુત છે. એક તરફ સ્વયં દેવાધિદેવ મહાદેવ અને બીજી તરફ સમુદ્રની લહેરો, સૂર્યનાં કિરણો અને મંત્રોની ગુંજ. આસ્થાની હેલીભર્યા આ દિવ્ય વાતાવરણથી સોમનાથ સ્વાભિમાન પર્વ વધુ દિવ્ય બની રહ્યું છે. હું વિચારું છું કે હજાર વર્ષ પહેલાં આ જ જગ્યાએ જ્યાં તમે અને હું બેઠા છીએ ત્યાં કેવો માહોલ હશે? આપણા પૂર્વજોએ જીવની બાજી લગાવી દીધી હતી. આપણી આસ્થા અને આપણા મહાદેવ માટે બધું જ ન્યોછાવર કરી દીધું હતું. હજાર વર્ષ પહેલાં આક્રમણકારીઓ વિચારતા હતા કે તેઓ જીતી ગયા, પણ આજે મંદિર પર ફરતી ધ્વજા કહી રહી છે કે હિન્દુસ્તાનની શક્તિ અને સામર્થ્ય શું છે.’
બીજું શું-શું કહ્યું?
આપણે આજે પણ સાવધાન રહેવાની અને એકજૂટ રહેવાની જરૂર છે. આજે તલવારોને બદલે બીજી રીતે ભારતની સામે ષડયંત્ર થઈ રહ્યું છે. એની સામે આપણે સજાગ રહેવાની જરૂર છે. જ્યારે આપણે આપણી આસ્થા સાથે જોડાયેલા રહીએ છીએ તો આપણી સભ્યતાનો પાયો વધુ મજબૂત થઈ જાય છે.
સરદાર પટેલે જ્યારે સોમનાથનું પુન: નિર્માણ કરવાના શપથ લીધા હતા ત્યારે પણ તેમને રોકવાની કોશિશ થઈ હતી. ૧૯૫૧માં મંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ હાજર રહે એમાં પણ જવાહરલાલ નેહરુએ વિરોધ કર્યો હતો.
સોમનાથ મંદિરના પુન: નિર્માણને ૭૫ વર્ષ પૂરાં થયાં છે. સોમનાથને નષ્ટ કરવા માટે એક નહીં, અનેક પ્રયાસો થયા. વિદેશી આક્રમણકારીઓએ સદીઓ સુધી ભારતને ખતમ કરવાની સેંકડો વાર કોશિશ કરી, પણ ન તો સોમનાથ નષ્ટ થયું ન ભારત.


