Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ઑપરેશન સિંદૂર છવાયું રથયાત્રામાં

ઑપરેશન સિંદૂર છવાયું રથયાત્રામાં

Published : 28 June, 2025 09:29 AM | Modified : 28 June, 2025 09:30 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમદાવાદમાં મેઘરાજાનાં અમીછાંટણાં વચ્ચે જગતના નાથ જગન્ના થજી ભક્તજનોના ભાવમાં ભીંજાયા

રથયાત્રા

રથયાત્રા


હૈયે હૈયું દળાય એટલા ધાર્મિકજનો ઊમટ્યા મંગળા આરતીમાં : અમિત શાહે ઉતારી આરતી : ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી કરી પહિંદ વિધિ: અક્ષત-કુમકુમથી ઠેર-ઠેર જગન્નનાથજી, સુભદ્રાજી અને બળદેવજીને વધાવ્યાં, ઓવારણાં લીધાં : AI ટેક્નૉલૉજીથી થયું રથયાત્રાનું મૉનિટરિંગ  


જગન્નાથપુરી બાદ દેશની બીજા નંબરની સૌથી મોટી અમદાવાદની પૌરાણિક અને ઐતિહાસિક ૧૪૮મી રથયાત્રા ગઈ કાલે ભક્તિભાવ અને હર્ષોલ્લાસના માહોલમાં સંપન્ન થઈ હતી. પ્રભુ સ્વયં સામે ચાલીને ભક્તોને દર્શન આપવા નગરયાત્રાએ નીકળતાં શહેરમાં ઠેર-ઠેર ભગવાન જગન્નનાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીને અક્ષત-કુમકુમથી વધાવ્યાં હતાં અને ઓવારણાં લીધાં હતાં. મેઘરાજાનાં અમીછાંટણાં વચ્ચે જગતના નાથ જગન્નાથજી ભક્તજનોના ભાવમાં ભીંજાયા હતા. જોકે અમદાવાદમાં નીકળેલી રથાયાત્રામાં ખાડિયા વિસ્તારમાં એક હાથણીની ચીસ સાંભળીને દોડી આવેલા હાથીને કારણે દોડધામ મચી ગઈ હતી. બેકાબૂ બનેલા એક હાથી અને બે હાથણીને કાબૂમાં લઈને રથાયાત્રામાંથી બહાર કાઢીને મંદિરે લઈ જવાયાં હતાં.



રથયાત્રા રંગેચંગે આગળ વધી રહી હતી એ દરમ્યાન ખાડિયા વિસ્તારમાં ગજરાજોની સવારી પહોંચી હતી અને નગરજનો રથયાત્રાની પ્રતીક્ષા કરી રહ્યા હતા એ વખતે મ્યુઝિકના અવાજને કારણે એક હાથણીએ ચીસ પાડતાં એની સાથે આત્મીયતા ધરાવતો હાથી એ ચીસ સાંભળીને એની તરફ દોડી જતાં રથયાત્રામાં થોડી વાર માટે હોબાળો મચી ગયો હતો. હાથીને પગે સાંકળ બાંધી હોવા છતાં પણ પૂરપાટ ઝડપથી દોડતાં સૌના જીવ અધ્ધર થઈ ગયા હતા.


રથાયાત્રાના હાથીઓનું હેલ્થ-ચેકિંગ સંભાળી રહેલા અમદાવાદ જિલ્લાના નાયબ પશુપાલન નિયામક સુકેતુ ઉપાધ્યાયે ‘મિડ-ડે’ને આ ઘટના વિશે કહ્યું હતું કે ‘આ રથયાત્રામાં એક નર અને ૧૬ માદા હાથી સામેલ હતાં. નર હાથી સૌથી પહેલા નંબરે ચાલતો હતો. એની પાછળ ૧૬ માદા હાથી હતી. એમાં પાંચમા ક્રમે રહેલી માદા હાથીને સંભળાતાં એણે ચીસ પાડી હતી. આ ચીસ નર હાથીને સંભળાઈ હતી. જે માદા હાથીએ ચીસ પાડી એની સાથે નર હાથીને ઇ​ન્ટિમસી વધુ હતી એટલે એ તેના પ્રત્યે પ્રોટે​ક્ટિવ મૂડમાં આવી ગયો હતો અને દોડીને નર માદા પાસે પહોંચ્યો હતો. આ રથયાત્રામાં સામેલ નર હાથીને બે માદા હાથી સાથે આત્મીયતા હતી એટલે માદા હાથીની ચીસ સાંભળીને એ ફીમેલ હાથીનું રક્ષણ કરવાના મોડમાં આવી ગયો હતો અને એની તરફ દોડ્યો હતો. આ ઘટનાને પગલે વનવિભાગની ટીમ, પોલીસ, અમદાવાદ ઝૂની ટીમ, અમારી પશુપાલન વિભાગની ટીમ તેમ જ મહાવતોએ બે માદા હાથી અને એક નર હાથીને કાબૂમાં લઈને જરૂરી દવા આપી હતી અને એમને મંદિર પરત લઈ ગયા હતા.’ 

દોડતા હાથીના વિડિયો વાઇરલ થયા હતા, જેમાં એક હાથી દોડતો-દોડતો આવ્યો હતો અને જ્યાં ચાર-પાંચ હાથીઓ ઊભા હતા ત્યાં પહોંચ્યો હતો. એમાંથી ત્રણ હાથીઓ એક પોળ તરફ દોડી આવ્યા હતા જેના કારણે ત્યાં ઊભેલા પોલીસ-કર્મચારીઓ, મહિલા તેમ જ મીડિયા કર્મચારી સહિત સૌકોઈએ બચવા માટે દોડધામ કરી હતી, કેમ કે પાછળ બૅરિકેડ્સ મૂક્યાં હતાં જેથી પોળની અંદર જવાય એવું નહોતું. બે માદા અને એક નર હાથીએ પ​બ્લિકને અડફેટે લઈને બૅરિકેડ્સ તોડીને અંદર દોડી જતાં ત્યાં ઊભેલા લોકો નીચે પડી ગયા હતા. એ પૈકી કેટલાકને સામાન્ય ઈજા થઈ હતી, કોઈને ગંભીર ઈજા થઈ નથી. પોતાનું કોઈ મુશ્કેલીમાં મુકાયું હોય તો માણસ તેનું રક્ષણ કરવા દોડી જાય છે એમ હાથીઓના કિસ્સામાં પણ આવું જ કંઈક બન્યું, જેમાં જે હાથણી પ્રત્યે હાથીને આત્મીયતા હતી એની ચીસ સાંભળીને એની પાસે દોડી ગયો હતો. માણસની જેમ પશુઓમાં પણ એકબીજા પ્રત્યે લાગણી હોય છે એનું આ જીવંત ઉદાહરણ કહી શકાય.


મંગળા આરતી અને હિંદ વિધિ

અમિત શાહે મંગળા આરતી કરી હતી.

રથયાત્રા નીકળી એ પહેલાં જગન્નાથ મંદિરમાં વહેલી પરોઢે મંગળા આરતી ઉતારવામાં આવી હતી, જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સપરિવાર ભગવાન જગન્નાથજીની મંગળા આરતી ઉતારીને પૂજા-અર્ચના કરી હતી અને પ્રભુના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી હતી. મંગળા આરતી બાદ ભગવાનને ખીચડીનો મહાભોગ ધરાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ ત્રણેય ભગવાનને રથોમાં બેસાડ્યા હતા. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રથમાં જઈને ભગવાનનાં દર્શન કર્યાં હતાં અને સોનાની સાવરણીથી સતત ચોથી વાર ભગવાન જગન્નાથજીના રથની સફાઈ કરીને રસ્તો સાફ કરવાની પહિંદ વિધિ કરી હતી. ત્યાર બાદ તેમણે ભગવાનના રથને ખેંચીને નિજ મંદિરમાંથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવ્યું હતું. તેમની સાથે મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અવિચલદાસજી, ગુજરાતના ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવી, અમદાવાદનાં મેયર પ્રતિભા જૈન, સ્ટૅન્ડિંગ કમિટીના ચૅરમૅન દેવાંગ દાણી, વિધાનસભ્ય અમિત ઠાકર, કૌશિક જૈન સહિતના અગ્રણીઓ સામેલ થયાં હતાં.

પહેલી વાર ગાર્ડ ઑફ ઑનર અપાયું ભગવાનને

આ રથયાત્રામાં પહેલી વાર ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીને પોલીસ દ્વારા ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવ્યું હતું. ત્રણેય ભગવાનને રથમાં બિરાજમાન કરાવ્યા બાદ પોલીસના કર્મચારીઓ દ્વારા ગાર્ડ ઑફ ઑનર અપાયું હતું. જ્યારે ભગવાનને ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવ્યું ત્યારે માહોલ કંઈક અલગ જ બની ગયો હતો.

ઑપરેશન સિંદૂર છવાયું રથાયાત્રામાં

આ વખતની રથયાત્રા ઑપરેશન સિંદૂરમય બની રહી હતી. રથયાત્રામાં જોડાયેલી ટ્રકો પૈકી ઘણી ટ્રકોના ટૅબ્લો ઑપરેશન સિંદૂર આધારિત હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભારતીય સૈન્ય, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહના ફોટો, બ્રહ્મોસ મિસાઇલ સહિતના ટૅબ્લો જોવા મળ્યા હતા. એમાં એવું પણ લખાણ હતું કે ‘રથયાત્રાના પાવન પથ પર નારી શક્તિની શૌર્યધારા; સેના અને નારીશક્તિની કહાની, નવી પેઢી માટે પ્રેરણાદાયી નિશાની.’

મહંતને જલેબીથી મોં મીઠું કરાવ્યું

રથયાત્રા જમાલપુર વિસ્તારમાંથી પસાર થઈ ત્યારે તાજિયા કમિટીના પરવેઝ મોમિન સહિતના સભ્યોએ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાને હાર પહેરાવી આવકાર આપ્યો હતો અને જલેબી ખવડાવીને મોં મીઠું કરાવીને રથયાત્રાની શુભકામના પાઠવી હતી.

કર્નલ સોફિયાના અવતારમાં મીનાક્ષી રાજપારધી. તસવીરઃ શૈલેષ નાયક

કર્નલ સોફિયાના પરિધાનમાં આવી મહિલા

ઑપરેશન સિંદૂરમાં ગુજરાતની અને ભારતની દીકરી કર્નલ સોફિયાની ભૂમિકાને લઈને અમદાવાદમાં યોજાયેલી રથયાત્રામાં મીનાક્ષી રાજપારધી કર્નલ સોફિયાના પરિધાનમાં આવી હતી. તેમણે તેમના કપાળ પર ઑપરેશન સિંદૂર લખ્યું હતું. ‘મિડ-ડે’ સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે ‘ઑપરેશન સિંદૂર આપણી સફળતાનું નિશાન છે. મહિલાઓએ જે ભૂમિકા ભજવી છે એને ધ્યાનમાં લઈને હું ઑપરેશન સિંદૂર થીમ સાથે આવી છું. આર્મીની મહિલાકર્મીઓ જાંબાઝ છે. તેમને સલામ છે. ઑપરેશન સિંદૂર અને પ્લેન-ક્રૅશ ઘટનાને લઈને મેં એક પ્લૅકાર્ડ બનાવ્યું છે જેમાં લખ્યું છે કે એક ઊડ્યું પ્લેન તો દુશ્મન ભગાડ્યા, એક ઊડ્યું પ્લેન તો સૌને રડાવ્યા. ભારતનાં પ્લેન ઊડ્યાં અને પાકિસ્તામાં તબાહી સર્જી એ માટે ભારતીય સેનાને અભિનંદન અને પ્લેન-ક્રૅશને લઈને દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પું છું.’

મુસ્લિમભાઈઓએ જય રણછોડના કર્યા જયઘોષ

રથયાત્રામાં મંદિરમાંથી રથ શહેરમાં નીકળે ત્યારે સૌથી પહેલાં જમાલપુર વિસ્તાર આવે છે. આ મુસ્લિમ બહુમતી ધરાવતો વિસ્તાર છે. ત્યાં મુસ્લિમ સમાજે સ્ટેજ બનાવીને રથયાત્રા પસાર થતી હતી ત્યારે કૈયુમ કુરેશી સહિતના મુસ્લિમભાઈઓ જય રણછોડનો જયઘોષ કરી રહ્યા હતા. કૈયુમ કુરેશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી સાથે ફારુક સાઇકલવાલા, જાવેદ સાકીવાલા સહિતના સૌકોઈએ જય રણછોડનો જયઘોષ કર્યો એનાથી ધર્મમાં કોઈ તકલીફ થતી નથી. આ નારો તો કોમી એકતા અને ભાઈચારો ફેલાવે છે અને એનાથી કોઈને મુશ્કેલી થતી નથી.’

જગન્નાથજી આપે છે કોમી એકતાનો પૈગામ 

રથયાત્રાના રૂટ પર મુસ્લિમ સૂફીસંત મુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રાનું અને ભક્તજનોનું સ્વાગત કરતાં બૅનરો સાથે મુસ્લિમ સમાજના લોકો ઊભા હતા. મોહમ્મદ અરસલાન શેખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રથયાત્રાનો તહેવાર એ ધાર્મિક તો છે જ પણ એ સાંસ્કૃતિક અને ઐતિહાસિક તહેવાર પણ છે. ભગવાન જગન્નાથજી કોમી એકતાનો પૈગામ આપે છે. તેમનો રથ સૌથી પહેલાં મુસ્લિમ વિસ્તારમાંથી પસાર થાય છે અને અમે સૌ એનું સ્વાગત કરીએ છીએ.’ 

કરતબ બતાવતાં બાળ અખાડિયનો. તસવીર : શૈલેષ નાયક

બાળ-અખાડિયનોએ કર્યા મંત્રમુગ્ધ

આ રથયાત્રામાં બાળ-અખાડિયનો તેમ જ કિશોર-કિશોરીઓએ અવનવાં કરતબ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. ૧૦ વર્ષનો પ્રિન્સ હોય કે પછી ધોરણ એકમાં અભ્યાસ કરતો ચક્ષુ હોય કે શિખા હો; આ બધા બાળ-અખાડિયનોએ ચપળતા અને કુશળતાપૂર્વક લાઠીદાવ, તલવારદાવ તેમ જ વ્હીલ ફેરવીને તેમની કાબેલિયત દર્શાવી હતી.

ભાવતાં ભોજન પીરસાયાં મોસાળમાં

રથયાત્રા ભગવાનના મોસાળ સરસપુરમાં પહોંચીને વિશ્રામ કરે છે ત્યારે રથયાત્રામાં જોડાયેલા તેમ જ રથયાત્રા જોવા આવેલા લાખો દર્શનાર્થીઓ માટે લુહારની શેરી, ઠાકોરવાસ, ગાંધીની પોળ, તળિયાની પોળ સહિત અંદાજે ૧૫થી વધુ પોળવાસીઓ દ્વારા ભાવતાં ભોજન બનાવીને પીરસવામાં આવ્યાં હતાં. મોહનથાળ, બુંદી, પૂરી, શાક, ફુલવડી, દાળ-ભાત સહિતનાં ભોજન કરાવીને દર્શનાર્થીઓને તૃપ્ત કર્યા હતા અને રથયાત્રાને રવાના કરી હતી.

પહેલી વાર AI ટેક્નૉલૉજીથી કરાયું રથયાત્રાનું મૉનિટરિંગ   

રથયાત્રામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા નગરમાં ફરે અને સંપન્ન થાય એ માટે અમદાવાદ શહેર-પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. શહેર પોલીસ-કમિશનર જી. એસ. મલિક સહિત ઉચ્ચ અધિકારીઓ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ સહિતના પોલીસ-કર્મચારીઓ અને વિવિધ એજન્સીઓએ રથયાત્રા પર બાજ નજર રાખી હતી. આ વખતે પહેલી વાર પોલીસ દ્વારા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નૉલૉજીથી રથયાત્રાનું મૉનિટરિંગ કરીને રથયાત્રા પર સતત નજર રાખવામાં આવી હતી.

Whatsapp-channel Whatsapp-channel

28 June, 2025 09:30 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK