બનાસકાંઠા અને પાટણ જિલ્લાનાં સરહદી ગામડાંઓમાં પણ તાત્કાલિક અસરથી અંધારપટ કરવાની સૂચના અપાઈ
અંધારપટ
પાકિસ્તાને ગઈ કાલે રાતે સીઝફાયરનું ઉલ્લંઘન કરીને કચ્છમાં ડ્રોનથી હુમલો કરતાં સેનાએ વળતો જવાબ આપ્યો ઃ વહીવટી તંત્રે લોકોની સલામતી માટે બ્લૅકઆઉટ જાહેર કર્યો ઃ બનાસકાંઠા અને પાટણ જિલ્લાનાં સરહદી ગામડાંઓમાં પણ તાત્કાલિક અસરથી અંધારપટ કરવાની સૂચના અપાઈ
ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી યુદ્ધ જેવી પરિસ્થિતિમાં બન્ને દેશો વચ્ચે સીઝફાયર માટે સહમતી થયા બાદ ગણતરીના કલાકોમાં જ પાકિસ્તાન એની ઔકાત પર આવી ગયું હતું અને સીઝફાયરનુ ઉલ્લંઘન કરીને કચ્છમાં ગઈ કાલે રાતે ડ્રોનથી હુમલો કરતાં ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો હતો. જોકે પાકિસ્તાનની આ નાપાક હરકતને પગલે સલામતીના ભાગરૂપે કચ્છમાં ફરી પાછો બ્લૅકઆઉટ જાહેર કર્યો હતો અને ભુજમાં સાઇરન ધણધણી ઊઠી હતી એટલે સાવચેતીના ભાગરૂપે લોકોએ લાઇટો બંધ કરી દીધી હતી.
ADVERTISEMENT
પ્રવર્તમાન સ્થિતિને લઈને કચ્છ, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં બ્લૅકઆઉટ જાહેર કર્યો હતો. જોકે ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર થતાં વહીવટી તંત્ર દ્વારા સાંજે સાડાસાત વાગ્યે સૂચના અપાઈ હતી કે બ્લૅકઆઉટની સૂચનાનો અમલ કરવાનો રહેતો નથી, પરંતુ એ સૂચનાના બે કલાકમાં જ પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કરતાં ફરી પાછો બ્લૅકઆઉટ કરવાની સૂચના આપવી પડી હતી.
કચ્છના મુખ્ય મથક ભુજમાં રાતે સાડાનવ વાગ્યે પાંચ મિનિટ સુધી સાઇરન વગાડીને ભુજવાસીઓને સચેત કરવામાં આવ્યા હતા. કમ્યુનિકેશન પાસ કરીને વૉર્ડવાઇઝ લાઇટો બંધ કરાવી હતી. બ્લૅકઆઉટ હટી ગયા બાદ સાઇરન વાગતાં ભુજવાસીઓમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું હતું.
કચ્છ ઉપરાંત પાટણ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા રાતે સાંતલપુર તાલુકાનાં તમામ ગામડાંઓમાં તાત્કાલિક અસરથી બ્લૅકઆઉટની સૂચના આપવામાં આવી હતી. એની સાથોસાથ લોકોને અફવાથી દૂર રહેવા અને વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાનું પાલન કરવાનો અનુરોધ કર્યો હતો.
બનાસકાંઠા જિલ્લાના સુઈ ગામ અને વાવ તાલુકાનાં તમામ ગામડાંઓમાં તકેદારીના ભાગરૂપે તાત્કાલિક અસરથી બ્લૅકઆઉટની સૂચના આપવામાં આવી હતી.
મોદી સરકારનો સૌથી મોટો નિર્ણય ઃ હવે ભારતની ધરતી પર જો કોઈ આતંકવાદી હુમલો થશે તો એને યુદ્ધ ગણવામાં આવશે
યુદ્ધવિરામની જાહેરાત થઈ એ પહેલાં ભારત સરકારે ગઈ કાલે એક મોટો નિર્ણય લીધો હતો. ભારત સરકાર વતી પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપતાં કહેવામાં આવ્યું છે કે જો ભારતમાં કોઈ આતંકવાદી હુમલો થશે તો એને યુદ્ધ ગણવામાં આવશે. ટોચનાં સરકારી સૂત્રોએ કહ્યું હતું કે ભવિષ્યમાં કોઈ પણ આતંકવાદી કૃત્યને ભારત સામેની યુદ્ધની કાર્યવાહી ગણવામાં આવશે અને આવી કોઈ પણ કાર્યવાહીનો યોગ્ય રીતે જવાબ આપવામાં આવશે.

