અનેક વિસ્તારોમાં ખાડીનું પાણી ફરી વળતાં લોકો ઘરમાં થયા કેદ : વર્ષોથી ખાડીની સમસ્યાનો ઉકેલ નહીં આવતાં લોકોમાં આક્રોશ
સુરતમાંથી પસાર થતી ખાડીમાં પૂર આવતાં રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં.
કુંભારિયા ખાડીમાં પાણીના વહેણને કારણે ૧૮ વર્ષના બે કિશોરો તણાયા; ફાયર વિભાગે એકને બચાવ્યો, બીજો લાપતા : અનેક વિસ્તારોમાં ખાડીનું પાણી ફરી વળતાં લોકો ઘરમાં થયા કેદ : વર્ષોથી ખાડીની સમસ્યાનો ઉકેલ નહીં આવતાં લોકોમાં આક્રોશ : સરથાણામાંથી વિદ્યાર્થીઓ સહિત ૧૦૨ લોકોને સલામત સ્થળે ખસેડ્યા
દક્ષિણ ગુજરાતની ડાયમન્ડ સિટી પર બે દિવસથી આફતના ઓળા ઊતર્યા છે. ગઈ કાલે સુરતમાં સાંજે ૬ વાગ્યા સુધીમાં ૬૬ મિલીમીટર એટલે કે અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જોકે ખાડીમાં ગઈ કાલે વહેલી પરોઢથી પાણી આવતાં અને ખાડીના પાણી અનેક વિસ્તારોમાં ફરી વળતાં સુરત અને આસપાસના વિસ્તારોમાં ખાડીએ ખોફ ફેલાવ્યો હતો. એટલું જ નહીં, કુંભારિયા ખાડીમાં પાણીના વહેણને કારણે ૧૮ વર્ષના બે કિશોરો તણાઈ ગયા હતા. એમાંથી એકને ફાયર વિભાગે બચાવી લીધો હતો, જ્યારે બીજો કિશોર લાપતા છે.
ADVERTISEMENT
સરથાણાની આદર્શ નિવાસી શાળામાંથી વિદ્યાર્થીઓને બોટમાં બેસાડીને સલામત સ્થળે ખસેડ્યા હતા.
ખાડીના પાણીએ કર્યા પરેશાન
સુરત અને એની આસપાસના વિસ્તારોમાં તેમ જ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે સુરત શહેર અને જિલ્લામાંથી પસાર થતી ખાડીમાં પાણી આવ્યું હતું. આ પાણી સુરત અને એની આજુબાજુના સિમાડા, કામરેજ, સળિયા હેમાદ, કુંભારિયા, મગોબ, કડોદરા રોડ સહિતના વિસ્તારોમાં ફરી વળતાં જનજીવન પ્રભાવિત થયું હતું. ઘરો અને દુકાનોમાં ક્યાંક ઢીંચણસમા તો ક્યાંક કેડસમા પાણી ભરાતાં લોકો ભારે હાલાકીમાં મુકાઈ ગયા હતા અને સવારથી જ ઘરમાં કેદ થઈ ગયા હતા.
લોકોમાં આક્રોશ
સુરત શહેરમાંથી અને એની આસપાસના વિસ્તારોમાંથી પસાર થતી ખાડીના પૂરના પાણીની સમસ્યાનો ઉકેલ છેલ્લાં ઘણાં વર્ષોથી નહીં આવતાં લોકોમાં ભારે આક્રોશ છે. ખાડીના પાણી ઘરમાં, સોસાયટીઓમાં, અપાર્ટમેન્ટમાં કે ગામમાં ફરી વળતાં સ્થાનિક નાગરિકો પારાવાર પરેશાનીમાં મુકાઈ જાય છે. મીડિયા સમક્ષ સ્થાનિક લોકોએ ફરિયાદ કરતાં આક્રોશ વ્યક્ત કર્યો હતો કે અમારે ત્યાં ખાડીની સમસ્યા વર્ષોથી છે, પણ કોઈ ધ્યાન આપતું નથી કે ખાડીની સફાઈ પણ કરાવતું નથી, લોકોની તકલીફ વિશે કોઈ સમજતું નથી.
૧૦૨ લોકોને સલામત સ્થળે ખસેડ્યા
સુરતના પુણા વિસ્તારના સરથાણા જકાતનાકા પાસે આવેલી આદર્શ નિવાસી શાળામાં વહેલી સવારે પાણી ભરાતાં ફાયર વિભાગની ટીમ બોટ સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમણે ૮૭ વિદ્યાર્થીઓ તેમ જ સ્ટાફના ૧૫ કર્મચારીઓ મળીને કુલ ૧૦૨ અસરગ્રસ્તોને સલામત રીતે બોટમાં રેસ્ક્યુ કરીને સરથાણા ગામની શાળામાં સ્થળાંતર કરાવ્યા હતા.

