પગારવધારાની માગણી સાથે સુરતમાં ૫૦૦૦ રત્નકલાકારોએ કાઢી રૅલી : બે વર્ષથી મંદીને લીધે પગારમાં ૫૦ ટકાનો ઘટાડો થયો હોવાથી વર્કરોમાં છે અસંતોષની લાગણી
રૅલીમાં મોટી સંખ્યામાં જોડાયેલા રત્નકલાકારોએ તેમની માગણી દર્શાવતાં બોર્ડ હાથમાં પકડ્યાં હતાં.
ડાયમન્ડ સિટી સુરતમાં ગઈ કાલે આશરે ૫૦૦૦ રત્નકલાકારોએ પગારવધારા અને રાહત-પૅકેજની માગણી સાથે વિરોધ-પ્રદર્શન કર્યું હતું અને કતારગામથી કાપોદ્રા હીરાબાગ સુધી પાંચ કિલોમીટર લાંબી શાંતિપૂર્ણ માર્ચ કાઢી હતી. આ વિરોધ-પ્રદર્શનમાં ઘણા રત્નકલાકારોએ અનિશ્ચિતકાલીન હડતાળ પર જવાની પણ જાહેરાત કરી હતી.
સુરતના ડાયમન્ડ ઉદ્યોગમાં છેલ્લાં બે વર્ષથી મંદીનો માહોલ છે અને હીરા ઘસતા રત્નકલાકારોના પગારમાં ૫૦ ટકાનો ઘટાડો કરવામાં આવતાં તેમનામાં અસંતોષની લાગણી છે. રત્નકલાકારોએ પગારમાં વધારાની અને કર્મચારીઓ માટે વેલ્ફેર બોર્ડનું ગઠન કરવાની માગણી કરી હતી.
ADVERTISEMENT
વિરોધ-પ્રદર્શન કરનારા રત્નકલાકારોએ આર્થિક તંગીને કારણે આત્મહત્યા કરનારા કામદારોના પરિવારોને સહાય આપવાની માગણી કરી છે. સુરત ડાયમન્ડ ક્ષેત્રે દેશનું મુખ્ય મથક છે અને વિશ્વના ૯૦ ટકા રફ હીરા અહીં પૉલિશ કરવામાં આવે છે.
સુરતમાં ૨૫૦૦ હીરા એકમો છે જેમાં ૧૦ લાખ રત્નકલાકારો કામ કરે છે. આ મુદ્દે ડાયમન્ડ વર્કર્સ યુનિયન-ગુજરાત (DWUG)ના ઉપાધ્યક્ષ ભાવેશ ટાંકે કહ્યું હતું કે ‘મંદીને કારણે રત્નકલાકારોને ઘર ચલાવવું પણ મુશ્કેલ થઈ પડ્યું છે. બે અઠવાડિયાં પહેલાં અમે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને એક આવેદનપત્ર સોંપ્યું હતું જેમાં તેમની માગણીઓ રજૂ કરવામાં આવી છે.’
બીજી તરફ ભાવેશ ટાંકે દાવો કર્યો હતો કે હીરાઉદ્યોગે લેબર કાયદા હેઠળ કામદારોને વિવિધ લાભોથી વંચિત રાખ્યા છે જેમાં પ્રોવિડન્ટ ફન્ડ, બોનસ, પગારની સ્લિપ, ઓવરટાઇમ, ફુગાવાઆધારિત વેતનવધારો અને ગ્રૅજ્યુઇટીનો સમાવેશ છે. અમારી માગણીઓ પૂરી નહીં થાય તો લગભગ બે લાખ રત્નકલાકારો કામ પર જશે નહીં.
સરકાર આર્થિક પૅકેજ આપે : સુરત ડાયમન્ડ અસોસિએશન
સુરત ડાયમન્ડ અસોસિએશન (SDA)ના પ્રમુખ જગદીશ ખુંટે જણાવ્યું હતું કે ‘પૉલિશિંગ એકમો બે વર્ષથી મંદીનો સામનો કરી રહ્યા છે અને એમને ચાલુ રહેવા માટે સરકારે આર્થિક પૅકેજ આપવાની જરૂર છે. ઘણા બ્રોકર્સ અને વેપારીઓ પણ મંદીથી પરેશાન છે. મંદીને કારણે હીરા કાપનારા અને ઘસનારા કામદારોના પગારમાં બે વર્ષથી વધારો કરી શકાયો નથી.’

