૬ની તીવ્રતાના ધરતીકંપે ૮૦૦+ લોકોના જીવ લીધા, અઢી હજારથી વધારે લોકો ઘાયલ થયા
રવિવારે અડધી રાતે આવેલા ભૂકંપને કારણે અફઘાનિસ્તાનમાં ભારે તબાહી મચી હતી.
રવિવારે મધરાતે અફઘાનિસ્તાનના પૂર્વીય ક્ષેત્રમાં રિક્ટર સ્કેલ પર ૬.૦ની તીવ્રતાના આવેલા પ્રચંડ ભૂકંપે સર્વત્ર વિનાશ ફેલાવ્યો છે. ભૂકંપની તબાહીને લીધે ઓછામાં ઓછા ૮૦૦ લોકોએ જીવ ગુમાવ્યા છે અને ૨૫૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ કુનાર પ્રાંતમાં હતું જે પાડોશી નાંગરહાર પ્રાંતના જલાલાબાદ શહેરની નજીક છે. ભૂકંપથી ઘણાં ગામડાંઓ સંપૂર્ણપણે નાશ પામ્યાં છે અને વ્યાપક વિનાશ ફેલાયો છે. ગામડાંઓમાં માટી અને પથ્થરનાં તમામ ઘર જમીનદોસ્ત થઈ ગયાં છે. લગભગ ૪૦૦ કિલોમીટર દૂર પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ભૂકંપ રવિવારે રાતે ૧૧.૪૭ વાગ્યે આવ્યો હતો અને ભૂકંપનું કેન્દ્ર જમીનથી માત્ર ૮ કિલોમીટરની ઊંડાઈએ હતું. ભૂકંપ સંદર્ભે તાલિબાન ગૃહ મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ મતીન કાનીએ જણાવ્યું હતું કે કુનાર પ્રાંતમાં રાતે આવેલા આ વિનાશક ભૂકંપમાં ૮૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને ૨૫૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘણાં ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યાં છે.
ADVERTISEMENT
અન્ય વિસ્તારોમાં પણ તબાહીના સમાચાર છે. નાંગરહાર પ્રાંતમાં ૧૨ વ્યક્તિનાં મોત અને સેંકડો લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂકંપ પછી બચાવકાર્ય શરૂ થઈ ગયું છે, પરંતુ પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલન અને ક્ષતિગ્રસ્ત રસ્તાઓને કારણે રાહત-ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચવામાં મુશ્કેલી અનુભવી રહી છે.
હિન્દુકુશ ક્ષેત્રમાં ટેક્ટૉનિક પ્લેટોની પ્રવૃત્તિને કારણે આ દેશ ભૂકંપ માટે સંવેદનશીલ છે. ૨૦૨૩માં આવેલા ભૂકંપની સરખામણીમાં આ વખતે નુકસાન વધુ વિનાશક હોવાનું માનવામાં આવે છે. ઑક્ટોબર ૨૦૨૩માં દેશના પશ્ચિમી પ્રાંત હેરાતમાં ૬.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેમાં લગભગ ૧૫૦૦ જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હતા.
મેડિકલ કૅમ્પમાં ઘાયલોની સંખ્યા વધી રહી છે અને ખોરાક, પાણી તથા આશ્રયની માગણી વધી છે. સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય માનવતાવાદી સંગઠનોએ આ દુર્ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે અને રાહતકાર્ય માટે તાત્કાલિક પગલાં લેવાની હાકલ કરી છે.
વડા પ્રધાને શક્ય એટલી સહાયની ખાતરી આપી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપમાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે એક પોસ્ટમાં લખ્યું હતું કે ‘અફઘાનિસ્તાનમાં ભૂકંપમાં થયેલી જાનહાનિથી મને ઘણું દુઃખ થયું છે. આ મુશ્કેલ સમયમાં અમારી સંવેદના અને પ્રાર્થના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. અમે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ. ભારત અસરગ્રસ્ત લોકોને શક્ય એટલી મદદ પૂરી પાડવા તૈયાર છે.’

