ટૉરોન્ટો શહેરના મિસિસાગા ઉપનગરમાં એરિન્ડેલ પાર્કમાં રેડિયો ઢિશૂમ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પરંપરાગત પોશાકમાં ભારતીયો ઊમટી પડ્યા હતા
ભારતીય સમુદાયે કૅનેડાની ક્રેડિટ નદીના કિનારે પવિત્ર ગંગા આરતી કરી હતી
ભારતીય સમુદાયે કૅનેડાની ક્રેડિટ નદીના કિનારે પવિત્ર ગંગા આરતી કરી હતી, જેણે ઑનલાઇન ચર્ચા જગાવી છે. ટૉરોન્ટો શહેરના મિસિસાગા ઉપનગરમાં એરિન્ડેલ પાર્કમાં રેડિયો ઢિશૂમ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પરંપરાગત પોશાકમાં ભારતીયો ઊમટી પડ્યા હતા અને વૈદિક મંત્રોચ્ચાર, ધાર્મિક વિધિઓ બાદ આરતી કરવામાં આવી હતી. ઘણા લોકોએ આ સમારોહની વિદેશમાં સાંસ્કૃતિક ઓળખની શક્તિશાળી અભિવ્યક્તિ તરીકે પ્રશંસા કરી હતી, જ્યારે અન્ય લોકોએ વિદેશી વાતાવરણમાં ભારતની ગંગા નદી સાથે જોડાયેલી ધાર્મિક વિધિ કરવાની યોગ્યતા પર પ્રશ્ન ઉઠાવ્યા હતા.
પ્રિયંકા ગુપ્તાએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરેલો વિડિયો વાઇરલ થયો હતો. તેણે પોસ્ટમાં લખ્યું હતું કે ‘કૅનેડામાં આ ગયાં દસ વર્ષોમાં આ સૌથી જાદુઈ સાંજ હતી. આરતીની થાળીથી લઈને ભક્તિસંગીત અને મંત્રો સુધીની ધાર્મિક વિધિઓએ ઘર જેવો અનુભવ કરાવ્યો. કૅનેડાના ખુલ્લા આકાશ નીચે અમે નૉન રેસિડન્ટ ઇન્ડિયન્સ (NRI) નહોતા, અમે ફક્ત ભારતીય હતા.’
ADVERTISEMENT
જોકે કેટલાકે વિદેશમાં આવી ધાર્મિક વિધિઓ કરવા વિશે ચિંતા વ્યક્ત કરીને લખ્યું હતું કે ‘કૃપા કરીને આવું બંધ કરો. કોઈ પણ નદીની સામે આરતી કરવાથી એ ગંગા આરતી નથી બની જતી. જો તમને એની ખૂબ જ ઇચ્છા હોય તો તમારા પોતાના દેશમાં પાછા ફરો.’

