રિપોર્ટ અનુસાર ૨૦૨૩માં HNWIની સંખ્યા ૫.૧ ટકા વધીને ૨.૨૮ કરોડ થઈ ગઈ છે
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - AI)
વિશ્વના ટૉપ-10 અબજોપતિ કે કરોડપતિ વિશે તો બધા જાણે છે, પણ કરોડપતિઓની કુલ સંખ્યા કેટલી એનો આંકડો ભાગ્યે જ કોઈને ખ્યાલ હશે. કન્સલ્ટિંગ ફર્મ કૅપજેમિનીએ ૨૦૨૩ માટે ‘હાઈ નેટ વર્થ વ્યક્તિઓ’ (HNWI)નો આંકડો બહાર પાડ્યો છે જે ઓછામાં ઓછી ૧ મિલ્યન ડૉલર એટલે કે ૮.૨૨ કરોડની લિક્વિડ ઍસેટ્સ ધરાવતા હોય. રિપોર્ટ અનુસાર ૨૦૨૩માં HNWIની સંખ્યા ૫.૧ ટકા વધીને ૨.૨૮ કરોડ થઈ ગઈ છે. જો આ તમામ કરોડપતિઓની કુલ સંપત્તિનો અંદાજ કાઢવામાં આવે તો એ ૨૦૨૩માં ૪.૭ ટકા વધીને ૮૬.૮ ટ્રિલ્યન ડૉલર (એટલે કે લગભગ ૭૨ લાખ અબજ રૂપિયા) સુધી પહોંચી હતી.
કૅપજેમિનીએ ૧૯૯૭માં વાર્ષિક અભ્યાસ કરવાનું શરૂ કર્યું ત્યારથી HNWIની સંખ્યા અને તેમની સંપત્તિનો કુલ આંકડો ગયા વર્ષે સૌથી વધુ નોંધાયો છે. આનું એક કારણ શૅરબજારનો ઉછાળો પણ છે. ૨૦૨૨માં મેક્રોઇકૉનૉમિક અનિશ્ચિતતા, ભૌગોલિક રાજકીય તણાવ અને ઇક્વિટીમાં ઘટાડો થવાને લીધે HNWIની સંખ્યા અને તેમની સંપત્તિ ૩ ટકાથી પણ વધુ ઘટી ગઈ હતી. જોકે ૨૦૨૩નું વર્ષ આર્થિક વૃદ્ધિનું રહ્યું હતું અને ટેક માર્કેટની સાથે ઇક્વિટીમાં વધારો થયો હતો.

