ઘટનામાં ૭૫ લોકોનાં મૃત્યુ થયાં હતાં, ૭૬ લોકો ઘાયલ થયાં હતાં. હજી ૨૭૯ લોકો મિસિંગ છે
ગઈ કાલે બપોરે પણ બિલ્ડિંગોમાંથી આગની જ્વાળાઓ અને ધુમાડા નીકળતા હતા.
હૉન્ગકૉન્ગમાં બુધવારે બપોરે એક રેસિડેન્શિયલ ટાવરમાં લાગેલી આગ આસપાસના ૮ ટાવર્સમાં પણ ફેલાઈ જતાં આગે એટલું ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું કે એને શમાવવા માટે હૉન્ગકૉન્ગના ફાયર-બ્રિગેડની સેંકડો લોકોની ટીમને દોડતી કરી દીધી હતી. બિલ્ડિંગનું રિપેરિંગ ચાલી રહ્યું હોવાથી ચોતરફ બામ્બુના માંચડા અને આડશ માટે કપડું બાંધેલું હતું એને કારણે આગ વધુ ઝડપથી પ્રસરી હતી. બિલ્ડિંગોની વચ્ચે બહુ ઓછી જગ્યા હતી અને આગને કારણે વધેલા ટેમ્પરેચરને કારણે બામ્બુ બહુ ઝડપથી આગ પકડીને ફાટી રહ્યા હતા. આગ બુઝાવવા ૨૭૦ ટૅન્કરો લાગી પડ્યાં અને ફાયર-બ્રિગેડના લગભગ ૮૦૦ કર્મચારીઓએ મહેનત કરી ત્યારે છેક ગુરુવારે સવારે આઠમાંથી માત્ર ૪ બ્લૉકમાં આગ ઓલવાઈ હતી. એ પછી બાકીના બ્લૉકમાં પૂરી રીતે ધુમાડો બંધ થતાં સાંજ પડી ગઈ હતી.

ADVERTISEMENT
ઘાયલોને હૉસ્પિટલ લઈ જવા સતત ત્રણ ઍમ્બ્યુલન્સ કાર્યરત હતી.

શિબિરમાં આશરો આપવામાં આવ્યો હતો.
ઘટનામાં ૭૫ લોકોનાં મૃત્યુ થયાં હતાં, ૭૬ લોકો ઘાયલ થયાં હતાં. હજી ૨૭૯ લોકો મિસિંગ છે. વાંગ ફુક કોર્ટ નામના આ કૉમ્પ્લેક્સમાં કુલ ૨૦૦૦ ફ્લૅટ્સ છે અને સરકારી આંકડા અનુસાર અહીં ૪૬૦૦ લોકો રહે છે. બિલ્ડિંગનો આગનો ધુમાડો એટલો ઘેરો હતો કે આસપાસના ૫૦૦ મીટરના વિસ્તારમાં આવેલા ઘરોને પણ ખાલી કરાવવા પડ્યા હતા. આગ કઈ રીતે લાગી હતી એનું કારણ હજી અકળ છે. જોકે એવું માનવામાં આવે છે કે બિલ્ડિંગના રિપેરિંગ માટે લાવવામાં આવેલી ચીજોમાં જ્વલનશીલ ચીજો હશે જેણે આગ પકડી લીધી હતી. બામ્બુને કારણે આખા બિલ્ડિંગમાં વાયુવેગે આગ ફેલાઈ ગઈ હતી અને બારીઓ પાસે તરત આગ પકડી લે એવા પૉલિસ્ટિરિનનાં બોર્ડ્સ હતાં. રિપેરિંગનો કૉન્ટ્રૅક્ટ જેમને આપવામાં આવેલો એ કન્સ્ટ્રક્શન કંપનીના બે ઠેકેદારો અને એક એન્જિનિયરની અટકાયત કરવામાં આવી હતી.
શ્રીલંકામાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી ૩૩ લોકોનાં મોત
બંગાળની ખાડીમાં છેલ્લા કેટલાક દિવસોથી આકાર લઈ રહેલા સેન્યાર નામના વાવાઝોડાને કારણે શ્રીલંકામાં લગાતાર ભારે વરસાદ થઈ રહ્યો છે. લગભગ ૩ દિવસથી સતત અલગ-અલગ તટીય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ભૂસ્ખલનને કારણે ૪૦૦થી વધુ ઘરો ક્ષતિગ્રસ્ત થઈ ગયાં છે અને ૧૧૦૦થી વધુ પરિવારો અસ્થાયી શિબિરોમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. પૂર અને ભૂસ્ખલનમાં ૩૩ લોકોનાં મૃત્યુ નોંધાયાં હતાં. શ્રીલંકાના ૧૪ જિલ્લાઓ વરસાદ અને વાવાઝોડાની અસર હેઠળ છે અને ૪૦૦૦થી વધુ લોકો પ્રભાવિત થયા છે.


