ધર્મેન્દ્રના અવસાન પછી પત્ની હેમા માલિનીએ સોશ્યલ મીડિયામાં પોતાની વ્યથા વ્યક્ત કરીને પર્સનલ ફૅમિલી આલબમની ખાસ તસવીરો શૅર કરી
હેમા માલિનીએ શૅર કરેલી યાદગાર તસવીરો
ધર્મેન્દ્રના અવસાનના સમાચારથી માત્ર પરિવારને જ નહીં, તેમના ફૅન્સને અને મિત્રોને પણ ભારે આઘાત લાગ્યો છે. ધર્મેન્દ્રના નિધન પછી પરિવાર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નહોતી, પણ હવે ધર્મેન્દ્રનાં બીજાં પત્ની અને ભારતીય જનતા પાર્ટી (BJP)નાં સંસદસભ્ય હેમા માલિનીએ પ્રથમ પ્રતિક્રિયા આપી છે. હેમા માલિનીએ સોશ્યલ મીડિયા પર એકસાથે ઘણીબધી પોસ્ટ શૅર કરીને પોતાના હૃદયની લાગણી વ્યક્ત કરી છે તેમ જ યાદગીરી તરીકે તેમના પર્સનલ ફૅમિલી આલબમની અત્યાર સુધી જોવા ન મળી હોય એવી પારિવારિક તસવીરો પોસ્ટ કરી છે.
અનોખું વ્યક્તિત્વ
ADVERTISEMENT
પોતાની વ્યથા વ્યક્ત કરતાં હેમા માલિનીએ કહ્યું હતું કે ‘ધરમજી મારા માટે ઘણુંબધું હતા; પ્રેમાળ પતિ, અમારી બે દીકરીઓ એશા અને આહનાના સ્નેહભર્યા પિતા, મિત્ર, ફિલોસૉફર, માર્ગદર્શક, કવિ અને કોઈ પણ સમયે જેમની મદદ માગી શકું એવા માણસ. સાચું કહું તો તેઓ મારા માટે બધું જ હતા. તેઓ સારા અને ખરાબ બન્ને સમયમાં મારી સાથે રહ્યા હતા. પોતાના સરળ અને મિત્રતાપૂર્ણ સ્વભાવથી તેમણે મારા પરિવારના દરેક સભ્યને સ્વીકારી લીધા હતા અને હંમેશાં તેમને માટે પ્રેમ અને જવાબદારી દર્શાવતા હતા. એક જાહેર વ્યક્તિત્વ તરીકે તેમની ટૅલન્ટ, લોકપ્રિયતા, વિનમ્રતા અને સર્વસ્વીકૃત આકર્ષણને કારણે તેમણે તમામ લેજન્ડ્સ વચ્ચે એક અનોખા આઇકન તરીકે પોતાનું સ્થાન બનાવ્યું હતું.’
હેમા માલિનીનું દુઃખ
હેમા માલિનીએ પોસ્ટમાં પોતાના દુઃખની લાગણી વ્યક્ત કરતાં લખ્યું હતું કે ‘ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં તેમની અમર લોકપ્રિયતા અને સફળતાઓ હંમેશાં જળવાઈ રહેશે. મારું વ્યક્તિગત નુકસાન શબ્દોમાં વ્યક્ત કરી શકાય એવું નથી અને જે ખાલીપો સર્જાયો છે એ જીવનભર સાથ નહીં છોડે. વર્ષોથી સાથે રહેતાં અનેક ખાસ પળોની યાદો હવે મારો જીવનભરનો સાથ બની રહેશે.’
પોસ્ટ કરી પર્સનલ તસવીરો
હેમા માલિનીએ બીજી પોસ્ટ કરીને સોશ્યલ મીડિયામાં તેમના પર્સનલ ફૅમિલી આલબમની ધર્મેન્દ્ર અને દીકરીઓ એશા અને આહના સાથેની કેટલીક યાદગાર પળોની તસવીરો શૅર કરી છે. આ તસવીરોમાં ધર્મેન્દ્ર અને હેમાની નિકટતા અને પ્રેમ સ્પષ્ટ જોવા મળે છે.


