સ્ત્રીહત્યા કે ફેમિસાઇડ એ ગુનો છે જેમાં સ્ત્રી કે છોકરીની હત્યા એટલા માટે કરવામાં આવે છે કારણ કે તે સ્ત્રી છે
પ્રતીકાત્મક તસવીર
ઇટલીની સંસદે મંગળવારે સ્ત્રીહત્યાને માન્યતા આપતા કાયદાને મંજૂરી આપી દીધી હતી અને આ કાયદાને સત્તાપક્ષ અને વિપક્ષ બેઉનું સમર્થન મળ્યું હતું. ઇટલીમાં હવે જો સ્ત્રીને ફક્ત એટલા માટે મારી નાખવામાં આવે કે તે સ્ત્રી છે, તો એને એક અલગ અને ગંભીર ગુનો ગણવામાં આવશે. આને ફેમિસાઇડ કહેવામાં આવે છે. આ ગુના માટે આરોપીને આજીવન કારાવાસની સજા કરવામાં આવશે. કાયદાને ટેકો આપતાં ઇટલીનાં વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોનીએ કહ્યું હતું કે ‘હું એક એવું ઇટલી બનાવવા માગું છે જ્યાં કોઈ પણ મહિલા ક્યારેય એકલી કે ડર અનુભવે નહીં. ઇટલી હવે મેક્સિકો અને ચિલી સાથે એવા દેશોના જૂથમાં જોડાય છે જ્યાં સ્ત્રીહત્યાને ગુનો ગણવામાં આવે છે.’
ફેમિસાઇડ શું છે?
સ્ત્રીહત્યા કે ફેમિસાઇડ એ ગુનો છે જેમાં સ્ત્રી કે છોકરીની હત્યા એટલા માટે કરવામાં આવે છે કારણ કે તે સ્ત્રી છે, કારણ કે સમાજમાં લિંગ ભેદભાવ, હિંસા અથવા સત્તાના દુરુપયોગને કારણે તેને નબળી માનવામાં આવે છે. મહિલાઓ પરના યુનાઇટેડ નેશન્સના અહેવાલમાં જાણવા મળ્યું છે કે ૨૦૨૪માં આશરે ૫૦,૦૦૦ સ્ત્રીઓ અને છોકરીઓની હત્યા તેમના નજીકના પાર્ટનરો અથવા પરિવારના અન્ય સભ્યો દ્વારા કરવામાં આવી હતી.
ADVERTISEMENT
૨૦૨૩માં કૉલેજ-સ્ટુડન્ટની હત્યા બાદ કાયદાની માગણી
બે વર્ષ પહેલાં ઇટલીમાં બાવીસ વર્ષની સ્ટુડન્ટ જુલિયા ચેકેટિનની તેના ભૂતપૂર્વ બૉયફ્રેન્ડે હત્યા કરી હતી, કારણ કે ચેકેટિને તેની સાથે સંબંધ રાખવાનો ઇનકાર કર્યો હતો. ચેકેટિન પર તેના ભૂતપૂર્વ બૉયફ્રેન્ડે લગભગ ૭૦ વાર છરાના ઘા કર્યા હતા. મૃત્યુ પહેલાં ચેકેટિને એક યાદી બનાવી હતી જેમાં તેના બૉયફ્રેન્ડે તેને કેવી રીતે કાબૂમાં રાખવાનો પ્રયાસ કર્યો હતો. આ હત્યામાં થયેલી હિંસાએ બધાને ચોંકાવી દીધા હતા અને મહિલા-કેન્દ્રિત કાયદાની માગણીઓ શરૂ કરી હતી.


