તેમને ગંભીર હાલતમાં હૉસ્પિટલ લઈ જવાયાં હતાં પણ સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું હતું
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
દાદર રેલવે-સ્ટેશન પર મેલ એક્સપ્રેસ ટ્રેનના ટૉઇલેટનો ઉપયોગ કરવા ગયેલાં NRI મહિલા ટ્રેન શરૂ થઈ જતાં ઉતાવળમાં ટ્રેનમાંથી ઊતરવા ગયાં અને ટ્રેન તથા પ્લૅટફૉર્મ વચ્ચે પડી ગયાં હતાં. એ વખતે રેલવેના કર્મચારીઓ અને અન્ય પ્રવાસીઓએ તેમને બહાર કાઢ્યાં હતાં. એ પછી તેમને ગંભીર હાલતમાં હૉસ્પિટલ લઈ જવાયાં હતાં પણ સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું હતું.
મૂળ હૈદરાબાદનાં આ મહિલા છેલ્લાં ૩૦ વર્ષથી લંડન સ્થાયી થયાં હતાં. તેઓ થોડા દિવસ પહેલાં લંડનથી આવ્યાં હતાં. અંબરનાથથી લોકલ ટ્રેનમાં દાદર આવ્યાં અને ત્યાંથી ઍરપોર્ટ જવા માટે વેસ્ટર્ન લાઇનમાં બીજી ટ્રેન પકડવાનાં હતાં. જોકે બપોરે ૨.૨૩ વાગ્યે મહિલાને પ્લૅટફૉર્મ નંબર ૧૦ પર નજીકમાં કોઈ ટૉઇલેટ ન દેખાતાં તેઓ સામે ઊભેલી એક્સપ્રેસ ટ્રેનમાં ચડી ગયાં હતાં. તેઓ જ્યારે બહાર આવ્યાં ત્યારે ટ્રેન સ્ટાર્ટ થઈ ગઈ હતી એટલે ગભરાયાં હતાં અને ચાલતી ટ્રેનમાંથી ઊતરવાના પ્રયાસમાં પ્લૅટફૉર્મ અને ટ્રેનની વચ્ચે પડી ગયાં હતાં અને ચાલતી ટ્રેન સાથે ઢસડાયાં હતાં.


