બોરીવલીનાં પૂજા સંઘવી પાસેથી શીખવા જેવું છે, ઘરમાં રાખેલા દાગીના બાઈએ સેરવી લીધા છે એવી શંકા ગયા પછી તેમણે જે કર્યું એનાથી પોલીસ પણ તેમના પર ઓવારી ગઈ છે
પ્રતીકાત્મક તસવીર
બોરીવલી-વેસ્ટના શિંપોલી ગામમાં રીમા રેસિડન્સીમાં અગિયારમા માળે રહેતાં ૩૮ વર્ષનાં પૂજા સંઘવીએ ચતુરાઈ વાપરીને ઘરમાં ચોરી કરતી ૪૫ વર્ષની પદ્મા મ્હાત્રેને રંગેહાથ પકડીને પોલીસને સોંપી દીધી હતી. આ મામલે બોરીવલી પોલીસે પદ્માની ૪ લાખ રૂપિયાના દાગીના ચોરી કરવાના આરોપસર ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. ઘરમાં ચોરી થતી હોવાનું ધ્યાનમાં આવતાં પૂજા સંઘવીને પદ્મા પર શંકા ગઈ હતી. પદ્માને રંગેહાથ પકડવા પૂજાએ ઘરના ડ્રૉઅર અને કમ્પ્યુટર ટેબલ પર ગુપ્ત ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા ગોઠવી દીધા હતા એટલું જ નહીં, ઘરના તમામ સભ્યો નોકરી પર જતા હોવાનું કહીને ઘરેથી નીકળી ગયા હતા. ઘર ખાલી હોવાનું ધ્યાનમાં આવતાં પદ્માએ ફરી ચોરી કરી હતી. જોકે એ સમયે બિલ્ડિંગની નીચે બેસીને CCTV કૅમેરામાં લાઇવ જોઈ રહેલાં પૂજા સંઘવીએ તાત્કાલિક પોલીસને આ ઘટનાની જાણ કરી હતી.
શું હતી ઘટના?
ADVERTISEMENT
પૂજા સંઘવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું, મારા પપ્પા અશ્વિન અને મમ્મી સ્મિતા આઉટ ઑફ ઇન્ડિયા જવાના છીએ એટલે ઘરમાં રાખેલા દાગીના લૉકરમાં મૂકવા બહાર કાઢ્યા ત્યારે ડ્રૉઅરમાં અમુક દાગીના ઓછા મળી આવ્યા હતા. આ દાગીના ઘરમાં શોધ્યા ત્યારે મળ્યા નહોતા એટલે ઘરમાં સાફસફાઈના કામ માટે ફેબ્રુઆરીથી આવતી પદ્મા પર મને શંકા આવી હતી. જોકે તેણે દાગીના લીધા છે એવું કઈ રીતે પૂછવું અને એવું પૂછીએ તો તે સાચો જવાબ આપશે કે નહીં એની મૂંઝવણ ઊભી થઈ હતી. એટલે અમે અમારા નજીકના એક સંબંધીને ચોરીની વાત કરતાં તેમણે પુરાવા ભેગા કરીને પોલીસને સોંપવાથી પોલીસ ઍક્શન લેશે એવું કહેતાં મેં CCTV કૅમેરા ગોઠવવાનો વિચાર કર્યો હતો.’
CCTV કૅમેરામાં પદ્મા પકડાઈ ગઈ
પૂજા સંઘવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘CCTV કૅમેરા ગોઠવવાનું નક્કી કર્યા પછી બે વાઇ-ફાઇ કૅમેરા ઘરે લાવીને એમને એવી રીતે ગોઠવવાના હતા કે પદ્માનું એના પર ધ્યાન ન જાય. એટલે મેં એક કૅમેરા બૉક્સ-ફાઇલમાં એ રીતે ગોઠવ્યો કે કૅમેરાનો લેન્સ જ બહાર દેખાય અને બાકી કૅમેરા ન દેખાય. બીજો કૅમેરા કમ્પ્યુટર ટેબલમાં વાયર જતી જગ્યાએ ગોઠવ્યો હતો. એકથી બે દિવસમાં આ કૅમેરા બરાબર ગોઠવાઈ ગયા હતા. ત્યાર બાદ મેં ગોઠવેલા કૅમેરાની ટ્રાયલ પણ લીધી હતી. બધું બરાબર હોવાનું ધ્યાનમાં આવતાં શુક્રવારે સવારે પદ્મા ઘરે આવી ત્યારે રોજની જેમ એક-એક કરીને અમે બધા ઑફિસ જવા નીકળી ગયા હતા. જોકે અમે ઑફિસ ન જતાં બિલ્ડિંગની નીચે CCTV કૅમેરાનું લાઇવ ફુટેજ જોઈ રહ્યા હતા. ત્યારે પદ્મા બેડરૂમમાં જઈને ચોરી કરતી હોવાનું જોવા મળ્યું હતું. એટલે તાત્કાલિક તેને પકડવા માટે મેં પોલીસ કન્ટ્રોલ પર ફોન કરીને પોલીસને બોલાવી લીધી હતી અને પદ્મા નીચે ઊતરી ત્યારે તેને પોલીસને સોંપી દીધી હતી.’
પૂજાના કામની પોલીસે પ્રશંસા કરી
બોરીવલી પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘરમાં ચોરી કરતી હાઉસહેલ્પના કેટલાક કિસ્સા સામે આવતા હોય છે જેમાં ધરપકડ કરેલી હાઉસહેલ્પે ચોરી કરી હોવાની કબૂલાત ન કરતાં પાછળથી તેને કોર્ટ છોડી મૂકતી હોય છે. પૂજાએ પુરાવા સાથે આરોપી મહિલાને અમારા તાબામાં આપી હતી જેને કારણે માત્ર ૧૦ ટકા કામ અમારા માટે રાખ્યું હતું, બાકીનું કામ તેણે કરી લીધું છે. આરોપી મહિલાએ ચોરી કરી હોવાની કબૂલાત તપાસમાં કરી છે. તેણે પૂજાના ઘરમાંથી ચોરેલા આશરે ૪ લાખ રૂપિયાના દાગીના અલગ-અલગ જ્વેલર્સને વેચી દીધા છે.’


