આ વર્ષે અહીં અકસ્માતમાં જીવ ગુમાવનારા બાવીસ લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને પોસ્ટરો દ્વારા સ્થાનિકોએ પોતાનો રોષ પ્રગટ કર્યો
ઘોડબંદર રોડ પર કાઢવામાં આવેલી મશાલ-યાત્રા.
થાણેના ઘોડબંદર વિસ્તારમાં વારંવાર ટ્રાફિક જૅમ અને ખાડા જેવી સમસ્યાઓથી પરેશાન ઘોડબંદર રોડના રહેવાસીઓએ શનિવારે કાસારવડવલીથી વાઘબીળ સુધી મશાલ-યાત્રા કાઢી હતી. આ યાત્રા મુખ્ય રોડ પર કાઢવામાં આવી હતી, જેને કારણે શનિવારે સાંજે કાસારવડવલીથી વાઘબીળ અને એનાથી આગળ ગાયમુખ સુધી ટ્રાફિક જૅમ થયો હતો, કારણ કે સર્વિસ રોડ પર કામ ચાલી રહ્યું હતું.
આ મશાલ-યાત્રામાં ઘોડબંદર વિસ્તારના ૩૦૦થી વધારે રહેવાસીઓએ ભાગ લીધો હતો. મશાલ-યાત્રા દરમ્યાન આ વર્ષે ઘોડબંદરમાં થયેલા અકસ્માતોમાં જીવ ગુમાવનારા બાવીસ જણને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. યાત્રામાં સ્થાનિક લોકોએ જુદાં-જુદાં પોસ્ટર તૈયાર કરીને પોતાની પરેશાની દર્શાવી હતી.
ADVERTISEMENT
ઘોડબંદર રોડ પર રહેતા અજય જયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘થાણેમાં પરિવહન માટે ઘોડબંદર રોડ ખૂબ મહત્ત્વનો છે. જોકે આ રસ્તા પર સતત ટ્રાફિક રહે છે. મેટ્રો, મુખ્ય અને સર્વિસ રોડના જોડાણના કામને લીધે ઘણી જગ્યાએ સિંગલ લેન જ ચાલુ હોય છે એથી ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. સ્થાનિક લોકો આ ટ્રાફિકથી પરેશાન છે અને આ સમસ્યાના ઉકેલની સતત માગણી કરી રહ્યા છે. ઘોડબંદર રસ્તા પર ટ્રાફિક જૅમ ઉકેલવા અને અકસ્માતો અટકાવવા માટે અનેક જાહેરાતો કરવામાં આવી છે છતાં આ સમસ્યાનો હજી સુધી ઉકેલ આવ્યો નથી. આ બધી સમસ્યાઓ વચ્ચે સ્થાનિક લોકોએ કેવી હાલાકી વેઠવી પડે છે એ દર્શાવવા માટે અમે આ મશાલ-યાત્રા કાઢી હતી.’
પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો શક્ય નથી
થાણેમાં ટ્રાફિક જૅમને ઉકેલવા માટે થાણે ટ્રાફિક-પોલીસના ડેપ્યુટી પોલીસ-કમિશનર પંકજ શિરસાઠેએ લોકોને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. જોકે સ્થાનિક લોકોએ આ અપીલના વિરોધમાં એવું કહ્યું હતું કે ‘થાણે મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ (TMT)ની બસની સંખ્યા અપૂરતી છે. એવામાં જ્યારે બસ ટ્રાફિકમાં ફસાઈ જાય ત્યારે પ્રવાસીઓએ ઘણા સમય સુધી રાહ જોવી પડે છે. એ ઉપરાંત આ ગિરદીને કારણે વિદ્યાર્થીઓ સ્કૂલમાં મોડા પહોંચે છે.


