સેન્ટ્રલ પાર્કમાં ૧૧૭ વર્ષ બાદ એક જ દિવસમાં ભારે વરસાદનો રેકૉર્ડ તૂટ્યો : રસ્તા નદી બન્યા, વાહનો તણાયાં, સબવેમાં પાણી ભરાયાં, બેઝમેન્ટ અપાર્ટમેન્ટમાં રહેતા લોકોને અચાનક ઘર ખાલી કરવાની ચેતવણી માટે તૈયાર રહેવા જણાવાયું
ન્યુ યૉર્ક અને ન્યુ જર્સીમાં વરસાદથી જળબંબાકાર
અમેરિકાના નૉર્થ-ઈસ્ટ અને સેન્ટ્રલ ઍટલાન્ટિકના ભાગોમાં ભારે વરસાદને કારણે ન્યુ યૉર્ક શહેર અને ન્યુ જર્સીમાં પૂર આવ્યું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કટોકટીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હજારો લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ન્યુ જર્સીના ગવર્નર ફિલ મર્ફીએ સોમવારે મોડી રાત્રે કટોકટી જાહેર કરી હતી.
ન્યુ જર્સીમાં કટોકટી જાહેર
ADVERTISEMENT
સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર એક પોસ્ટમાં ફિલ મર્ફીએ લખ્યું હતું કે ‘રાજ્યના કેટલાક ભાગોમાં અચાનક પૂર અને ભારે વરસાદને ધ્યાનમાં રાખીને હું કટોકટી જાહેર કરી રહ્યો છું. કૃપા કરીને ઘરની અંદર રહો અને બિનજરૂરી મુસાફરી ટાળો. સુરક્ષિત રહો, ન્યુ જર્સી.’
રેકૉર્ડબ્રેક વરસાદ
સોમવારે રેકૉર્ડબ્રેક વરસાદ પડ્યો હતો. ન્યુ યૉર્ક શહેરના સેન્ટ્રલ પાર્કમાં ૨.૬૪ ઇંચ વરસાદ પડ્યો હતો. આ વરસાદે ૧૯૦૮માં ૧૪ જુલાઈએ પડેલા ૧.૪૭ ઇંચના અગાઉના રેકૉર્ડને તોડી નાખ્યો હતો. મૅનહટનના ચેલ્સિયા વિસ્તારમાં ૧.૪૭ ઇંચ, સ્ટેટન આઇલૅન્ડમાં ૧.૬૭ ઇંચ, નેવાર્ક ઍરપોર્ટ પર ૨.૧૩ ઇંચ અને લાગાર્ડિયા ઍરપોર્ટ પર ૧.૬૬ ઇંચ વરસાદ પડ્યો હતો. બેઉ ઍરપોર્ટ પર વરસાદના નવા રેકૉર્ડ બન્યા હતા. ન્યુ યૉર્ક અને ન્યુ જર્સીના અધિકારીઓ રાતભર હાઈ અલર્ટ પર રહ્યા હતા. શહેરોમાં વધુ વરસાદની અપેક્ષા છે.
પરિવહનને અસર, ફ્લાઇટ્સ મોડી પડી
ન્યુ યૉર્ક અને ન્યુ જર્સીમાં ભારે વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને પરિવહનવ્યવસ્થા ઠપ થઈ છે. સબવે પાણીમાં ડૂબી ગયા છે. મોટા ભાગના વિસ્તારો જળબંબાકાર થવાથી લોકો ઘરોની બહાર નીકળી શકે એવી સ્થિતિમાં નથી. ઍરપોર્ટ પર મુસાફરો પણ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે કારણ કે ફ્લાઇટ્સ ૪ કલાક મોડી પડી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હવામાન સામાન્ય થવામાં સમય લાગશે.
પૂરની ચેતવણી જાહેર
નૅશનલ વેધર સર્વિસે ન્યુ યૉર્ક શહેરનાં પાંચેય ઉપનગરો માટે પૂરની ચેતવણી જાહેર કરી હતી, કારણ કે ભારે વાવાઝોડાને પગલે સોમવારે સાંજ સુધીમાં સ્ટેટન આઇલૅન્ડ અને મૅનહટન જેવા વિસ્તારોમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. ન્યુ યૉર્ક શહેરના અધિકારીઓએ બેઝમેન્ટ અપાર્ટમેન્ટમાં રહેતા લોકોને અચાનક સ્થળાંતર માટે તૈયાર રહેવાની ચેતવણી આપી હતી.
બેઝમેન્ટમાં રહેતા લોકો માટે ખાસ ચેતવણી
ન્યુ યૉર્ક સિટી ઇમર્જન્સી મૅનેજમેન્ટે એક પોસ્ટમાં લખ્યું હતું કે ‘જો તમે બેઝમેન્ટ અપાર્ટમેન્ટમાં રહો છો તો સાવચેત રહો. રાત્રે પણ ચેતવણી વિના અચાનક પૂર આવી શકે છે. તમારી સાથે ફોન, ટૉર્ચ અને આવશ્યક વસ્તુઓની થેલી રાખો. ઊંચાં સ્થળોએ જવા માટે તૈયાર રહો.’

