Maharashtra: મહારાષ્ટ્રના પરભણીમાં ૧૯ વર્ષીય મહિલાએ ચાલતી સ્લીપર બસમાં બાળકને જન્મ આપ્યો; પછી પતિ હોવાનો દાવો કરનારા યુવક સાથે મળીને નવજાત શિશુને બારીમાંથી ફેંકી દીધું; નવજાત બાળકનું મોત નીપજ્યું; પોલીસે દંપતીની ધરપકડ કરી છે અને કેસ નોંધ્યો
પ્રતીકાત્મક તસવીર
ઘણીવાર એવું બનતું હોય છે કે, મહિલાને અચાનક પ્રસૂતિ પીડા ઉપડે અને તેને કારણે બસ કે ટ્રેનમાં બાળકને જન્મ આપ્યો હોય. બાદમાં, બાળકના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને માતાને હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. પરંતુ તાજેતરમાં મહારાષ્ટ્ર (Maharashtra)માં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. મહારાષ્ટ્રના પરભણી (Parbhani)માં જે બન્યું તે ખૂબ જ આઘાતજનક અને ભયાનક હતું. એક માતાએ માતૃત્વના પ્રેમનું જાણે ગળું દબાવી દીધું. મહિલા ૧૯ વર્ષની હતી. તેણે ચાલતી બસમાં બાળકને જન્મ આપ્યો અને પછી નવજાત શિશુને બારીમાંથી ફેંકી દીધું (Maharashtra bus baby incident) હોવાનો આરોપ છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ ઘટનામાં એક પુરુષે મહિલાને મદદ કરી હતી, જે તેનો પતિ હોવાનો દાવો કરી રહ્યો હતો. નવજાત શિશુનું મોત થયું છે અને પોલીસે દંપતી વિરુદ્ધ કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.
મહારાષ્ટ્રના પરભણીમાં એક ૧૯ વર્ષીય મહિલાએ ચાલતી બસમાં બાળકને જન્મ આપ્યો હતો, પરંતુ તેણી અને તેના પતિ હોવાનો દાવો કરતા એક પુરુષે નવજાત શિશુને બારીમાંથી ફેંકી દીધું. જેના કારણે બાળકનું મોત થયું, એમ પોલીસે જણાવ્યું હતું. એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટના મંગળવારે સવારે લગભગ ૬:૩૦ વાગ્યે પાથરી-સેલુ રોડ (Pathri-Selu Road) પર બની હતી. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે એક રહેવાસીએ બાળકને કપડામાં લપેટીને બારીમાંથી ફેંકી દેતા જોયું. બાદમાં, પૂછપરછ કરવામાં આવી ત્યારે, દંપતીએ કહ્યું કે મહિલાએ બારીમાંથી ઉલટી કરી હતી.
ADVERTISEMENT
પોલીસે જણાવ્યું હતું કે, ‘રિતિકા ઢેરે નામની એક મહિલા સંત પ્રયાગ ટ્રાવેલ્સની સ્લીપર કોચ બસમાં અલ્તાફ શેખ (જે તેનો પતિ હોવાનો દાવો કરે છે) સાથે પુણે (Pune)થી પરભણી જઈ રહી હતી. મુસાફરી દરમિયાન, ગર્ભવતી મહિલાને પ્રસૂતિ પીડા થવા લાગી અને તેણે એક છોકરાને જન્મ આપ્યો. પરંતુ, દંપતીએ બાળકને કપડામાં લપેટીને બસમાંથી ફેંકી દીધું.’
સ્લીપર બસ જેમાં ઉપર અને નીચે બર્થવાળા ડબ્બા છે, તેના બસના ડ્રાઇવરે બારીમાંથી કંઈક ફેંકેલું જોયું. જ્યારે તેણે તેના વિશે પૂછપરછ કરી, ત્યારે શેખે કહ્યું કે તેની પત્ની બસની મુસાફરીને કારણે ઉલટી કરી રહી હતી, તેથી તેણે ઉલટી ફેંકી દીધી. પોલીસે કહ્યું, ‘આ દરમિયાન, જ્યારે રસ્તા પર એક જાગૃત નાગરિકે બસની બારીમાંથી વસ્તુ ફેંકેલી જોઈ, ત્યારે તે જોઈને ચોંકી ગયો કે તે એક બાળક છે. તેમણે તાત્કાલિક પોલીસની હેલ્પલાઇન ૧૧૨ પર ફોન કર્યો અને આ બાબતની જાણ કરી.’
પેટ્રોલિંગ કરી રહેલી સ્થાનિક પોલીસની એક ટીમે લક્ઝરી બસનો પીછો કર્યો. વાહનની તપાસ કર્યા પછી અને પ્રાથમિક તપાસ કર્યા પછી, તેમણે મહિલા અને શેખને કસ્ટડીમાં લીધા હોવાનું અધિકારીએ જણાવ્યું. તેમણે કહ્યું કે, ‘દંપતીએ તેમને કહ્યું કે તેઓએ નવજાત શિશુને ફેંકી દીધું કારણ કે તેઓ બાળકને ઉછેરવામાં અસમર્થ હતા.’ જોકે, બાળકને રસ્તા પર ફેંકી દેવાથી તેનું મૃત્યુ થયું.
પોલીસના જણાવ્યા અનુસાર, રિતિકા ઢેરે અને અલ્તાફ શેખ બંને પરભણીના રહેવાસી હતા અને છેલ્લા દોઢ વર્ષથી પુણેમાં રહેતા હતા. અધિકારીએ કહ્યું કે, તેઓ પતિ-પત્ની હોવાનો દાવો કરતા હતા, પરંતુ આ દાવાને સમર્થન આપવા માટે કોઈ દસ્તાવેજો રજૂ કરી શક્યા નહીં. પોલીસે કહ્યું, `તેમને કસ્ટડીમાં લીધા પછી, પોલીસ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગઈ.`
પરભણીના પાથરી પોલીસ સ્ટેશનમાં બીએનએસ (મૃતદેહના ગુપ્ત નિકાલ દ્વારા જન્મ છુપાવવા) ની કલમ 94 (3), (5) હેઠળ દંપતી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીને નોટિસ જારી કરવામાં આવી છે અને કેસમાં વધુ તપાસ ચાલી રહી છે.

