આ તરતો કૃત્રિમ ટાપુ ઝડપી સમુદ્રી મુસાફરી માટે સક્ષમ છે અને આગામી વર્ષોમાં એ ચીન માટે એક મોટી સંપત્તિ સાબિત થઈ શકે છે
આ ટાપુ કોઈ પણ પુરવઠા વિના ૪ મહિના માટે ૨૩૮ લોકોને સમાવી શકે છે.
ચીન એની લશ્કરી શક્તિ અને વૈજ્ઞાનિક પ્રગતિમાં મોટી સિદ્ધિઓ તરફ આગળ વધી રહ્યું છે અને હવે પરમાણુ વિસ્ફોટોથી બચી શકે એવો તરતો ટાપુ બનાવી રહ્યું છે. સત્તાવાર રીતે એને ડીપ-સી ઑલ-વેધર રેસિડન્ટ ફ્લોટિંગ રિસર્ચ ફૅસિલિટી નામ આપવામાં આવ્યું છે. ૨૦૨૮માં એ તૈયાર થશે અને કાર્યરત થશે. એમાં દુર્લભ પરમાણુ વિસ્ફોટ પ્રતિરોધક ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ તરતો કૃત્રિમ ટાપુ ઝડપી સમુદ્રી મુસાફરી માટે સક્ષમ છે અને આગામી વર્ષોમાં એ ચીન માટે એક મોટી સંપત્તિ સાબિત થઈ શકે છે. આ ટાપુ કોઈ પણ પુરવઠા વિના ૪ મહિના માટે ૨૩૮ લોકોને સમાવી શકે છે.
યુદ્ધવિરામ હોવા છતાં ઇઝરાયલે ગાઝામાં ફરી હવાઈ હુમલા કર્યા, ૨૪ લોકોનાં મોત
ADVERTISEMENT
૧૦ ઑક્ટોબરથી યુદ્ધવિરામ લાગુ હોવા છતાં ઇઝરાયલે શનિવારે ગાઝા પર હવાઈ હુમલા કર્યા હતા. ગાઝાના આરોગ્ય-અધિકારીઓએ ઓછામાં ઓછા ૨૪ લોકોએ જીવ ગુમાવ્યો હોવાનો અને ૪૫થી વધુ ઘાયલ થયા હોવાનો અહેવાલ આપ્યો છે. ઘાયલોમાં મોટા ભાગનાં બાળકો હતાં. શનિવારે સવારે સાઉથ ગાઝામાં એક પૅલેસ્ટીનિયન બંદૂકધારીએ ઇઝરાયલી સૈનિકો પર ગોળીબાર કર્યા પછી તનાવ શરૂ થયો હતો. આ ઘટના યલો લાઇન નજીક બની હતી, જે ગાઝાના નિયંત્રણક્ષેત્રને ઇઝરાયલ અને હમાસ વચ્ચે વિભાજિત કરે છે. ઇઝરાયલી સેનાનું કહેવું છે કે હુમલાખોર માનવતાવાદી સહાય ટ્રકો દ્વારા ઉપયોગમાં લેવાતા એ જ માર્ગે પ્રવેશ્યો હતો. આ યુદ્ધવિરામનું ગંભીર ઉલ્લંઘન છે અને હવાઈ હુમલાઓ દ્વારા અમે જવાબ આપ્યો હતો જેમાં હમાસના ૧૧ ફાઇટરો ઠાર થયા હતા.
નૈનીતાલમાં કાર નદીમાં ખાબકી ૩ શિક્ષકોએ જીવ ગુમાવ્યો
લગ્નસમારોહમાં હાજરી આપવા ઉત્તરાખંડના અલ્મોડાથી હલ્દવાની જઈ રહેલા શિક્ષકોની એક કાર શનિવારે સાંજે ૭ વાગ્યે રાતીઘાટ નજીક શિપ્રા નદીમાં ખાબકતાં ૩ શિક્ષકોએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે એક શિક્ષક ગંભીર રીતે ઘાયલ થયો હતો. કાર ઊંડી ખીણમાં પડી ગઈ હતી. સ્થાનિક લોકો અને પોલીસની ટીમે ખીણમાં નીચે ઊતરીને શિક્ષકોને બહાર કાઢ્યા હતા અને હૉસ્પિટલમાં લઈ ગયા હતા. ડૉક્ટરોએ અલ્મોડાના રહેવાસી સુરેન્દ્ર ભંડારી, પુષ્કર ભૈસોરા અને સંજય બિષ્ટ એમ ૩ શિક્ષકોને મૃત જાહેર કર્યા હતા. ઘાયલ શિક્ષક મનોજ કુમાર પર હલ્દવાનીમાં સારવાર ચાલી રહી છે.
નવી મુંબઈની હોટેલમાં ચાલતા કૂટણખાનાનો થયો પર્દાફાશ
નવી મુંબઈની APMCના વિસ્તારમાં આવેલી એક હોટેલમાં કૂટણખાનું ચલાવવામાં આવે છે એવી પાકી માહિતી નવી મુંબઈ પોલીસની ઍન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ સેલને મળી હતી. એથી તેમણે આ બાબતે પહેલાં ખાતરી કરી હતી અને ત્યાર બાદ છટકું ગોઠવ્યું હતું. પોલીસે ગુરુવારે એક બનાવટી કસ્ટમરને એ હોટેલમાં મોકલાવ્યો હતો, એ પછી ત્યાં રેઇડ પાડવામાં આવી હતી. પોલીસે હોટેલના મૅનેજર, વેઇટર અને એજન્ટની ધરપકડ કરી હતી અને આ કામ માટે લાવવામાં આવેલી બે મહિલાને રીહૅબિલિટેશન સેન્ટરમાં મોકલવામાં આવી હતી.
પ્રદૂષિત હવાથી ગૂંગળાઈ રહી છે દિલ્હી

દિલ્હીમાં ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI) અત્યંત ખરાબ થવાને કારણે લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. પાછલા ઘણા દિવસોથી દિલ્હીની હવા ખૂબ પ્રદૂષિત હોવાની તથા અનેક વિસ્તારોમાં શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હોવાની ફરિયાદો વારંવાર ઊઠી છે. ૧૦૦ સુધી સામાન્ય ગણાતો AQI દિલ્હીમાં સતત ૩૦૦ની ઉપર નોંધાયો હતો અને ગઈ કાલે તો ૩૮૧ સુધી પહોંચી ગયો હતો જે ખૂબ જ હાનિકારક ગણાય છે. આ કારણે ગઈ કાલે ઇન્ડિયા ગેટ પાસે દિલ્હીવાસીઓએ ભેગા થઈને વિરોધ-પ્રદર્શન કર્યું હતું. દિલ્હી પાસેના નૅશનલ હાઇવે-૯ પર તો વાહનોને અત્યંત ધુમ્મસવાળા વાતાવરણમાં ડ્રાઇવ કરવાની ફરજ પડી હતી, જ્યાંનો AQI તો અધધધ ૪૨૯ નોંધાયો હતો.


