સતત ભારત વિરોધી ઝેર ઓકી રહેલા પીટર નવારોનું નવું ધતિંગ
પીટર નવારો, નરેન્દ્ર મોદી
અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના નજીકના સહાયક પીટર નવારો છેલ્લા ઘણા દિવસથી સતત ભારતને ટાર્ગેટ કરી રહ્યા છે. તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતની નીતિઓની વારંવાર ટીકા કરી રહ્યા છે. તાજેતરમાં તેમણે ફરી વડા પ્રધાન અને ભારતની રશિયાનું તેલ ખરીદવા બદલ ટીકા કરતી પોસ્ટ સોશ્યલ મીડિયામાં મૂકી હતી. જોકે આ પોસ્ટમાં તેમણે નરેન્દ્ર મોદીનું રેસિસ્ટ પ્રોફાઇલિંગ કર્યું હતું. તેમણે એવા ફોટોગ્રાફનો ઉપયોગ કર્યો હતો જેમાં વડા પ્રધાન ભગવાં વસ્ત્રો પહેરીને ધ્યાન કરી રહ્યા છે. વડા પ્રધાનનો આવો ફોટો જોઈને ઘણા લોકોએ તેમની ટીકા કરી હતી અને લખ્યું હતું કે આ નસ્લવાદી નફરત છે, વિશ્લેષણ નથી.
પોતાની પોસ્ટમાં પીટર નવારોએ લખ્યું હતું, ‘બાઇડન પ્રશાસન આ ગાંડપણને મોટા ભાગે બીજી રીતે જોતા હતા. પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ એનો સીધો સામનો કરી રહ્યા છે. ૫૦ ટકા ટૅરિફ, ૨૫ ટકા ખોટા વેપાર માટે અને ૨૫ ટકા રાષ્ટ્રીય સુરક્ષા માટે, આ સીધો પ્રતિભાવ છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતે અમેરિકાના વ્યૂહાત્મક ભાગીદાર તરીકે રહેવા માટે ભાગીદાર જેવું વર્તન કરવાની જરૂર છે. યુક્રેનમાં શાંતિનો માર્ગ નવી દિલ્હીમાંથી પસાર થાય છે.’

