થાણેની જાંબલીનાકા માર્કેટના એક વિડિયોને પગલે પોલીસ ઍક્શનમાં આવી
જાંબલીનાકા માર્કેટમાં શાકભાજીમાંથી નીકળેલો કલર, કંટોલાંને બરાબર ધોયા પછી નીકળ્યો હતો કલર.
થાણેની જાંબલીનાકા માર્કેટમાં કંટોલાં, કારેલાં, ભીંડા સહિતનાં લીલાં શાકભાજી ફેરિયો ગ્રીન કલરનું પાણી છાંટીને વેચતો હોવાનો પર્દાફાશ થયો છે. તેનાં શાકભાજીમાંથી નીકળેલા લીલા રંગનો વિડિયો વાઇરલ થયા બાદ થાણે નગર પોલીસ ફેરિયાની ધરપકડ કરવા જાંબલીનાકા પરિસરમાં પહોંચી હતી. જોકે શાકભાજી વેચનાર ફેરિયો ત્યાંથી નાસી ગયો હતો. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે થાણેની અન્ય માર્કેટમાં પણ શાકભાજી વિશે તપાસ શરૂ કરી છે એટલું જ નહીં, આ ઘટનાની જાણ ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ને પણ કરવામાં આવી છે.
શાકભાજી તાજી દેખાય એ માટે લીલા રંગનું પાણી છાંટવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ અમે ફેરિયાને શોંધી રહ્યા છીએ એમ જણાવતાં થાણે નગર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ભરત ચૌધરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જાંબલીનાકા શાકભાજી બજાર થાણેનું મહત્ત્વપૂર્ણ બજાર છે. છૂટક વેપારીઓ આ બજારમાંથી શાકભાજી વેચવા માટે લે છે. આ ઉપરાંત થાણેના નાગરિકો પણ સસ્તા ભાવે શાકભાજી ખરીદવા આ બજારમાં આવતા હોય છે. જોકે એક ફેરિયાએ ગંભીર કૃત્ય કર્યું હોવાનો એક વિડિયો અમને ગુરુવારે મળ્યો હતો. એમાં શાકભાજી આકર્ષક અને તાજી દેખાય એ માટે એના પર પાણી છાંટવાને બદલે લીલા રંગનું પાણી છાંટવામાં આવ્યું હતું. એમાં મુખ્યત્વે કંટોલાં, કારેલાં, ભીંડા અને અન્ય ગ્રીન પાંદડાંવાળી શાકભાજી જોવા મળી હતી. આ વિડિયો સામે આવ્યા બાદ અમારી એક ટીમ જાંબલીનાકા માર્કેટમાં પહોંચી હતી. જોકે ફેરિયો ત્યાંથી નાસી ગયો હતો. આ મામલે અમારી પાસે કોઈ ઑફિશ્યલ ફરિયાદ નથી આવી એટલે અમે હજી સુધી કોઈ કેસ નોંધ્યો નથી. જોકે આ મામલાની વધુ તપાસ માટે FDAને જાણ કરવામાં આવી છે. આ સાથે સવારે અને સાંજે પૅટ્રોલિંગ ટીમ માર્કેટમાં ફરીને શાકભાજીની તપાસ કરી રહી છે.’

