ગઈ કાલે સેન્ટ્રલ રેલવેનું ટાઇમ-ટેબલ ખોરવાયું, વેસ્ટર્નમાં પણ ટ્રેનો મોડી દોડી : અંધેરી સબવે અઢી કલાક બંધ
ગઈ કાલે નવી મુંબઈમાં વરસાદના પાણીમાં ખોટકાઈ ગયેલી કારને ધક્કો મારવો પડ્યો હતો.
મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ગઈ કાલે ભારે વરસાદ પડ્યો હતો. શુક્રવારે પરા વિસ્તારોમાં ઘણો વરસાદ નોંધાયો હતો જેને લીધે સાંજ સુધીમાં કુર્લા, BKC, જુહુ અને અંધેરી જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. બપોર સુધી વેસ્ટર્ન રેલવેની ટ્રેનો પંદરેક મિનિટ મોડી દોડી હતી, પણ સેન્ટ્રલ રેલવેની ટ્રેનોનું ટાઇમ-ટેબલ ખોરવાઈ ગયું હતું. અંધેરી સબવે બેથી અઢી કલાક બંધ રાખવો પડ્યો હતો એથી ટ્રાફિકને ગોખલે બ્રિજ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર પણ ટ્રાફિકની ગતિ ધીમી હતી. હવામાન ખાતાએ મુંબઈ અને થાણેમાં આજે ૨૪ કલાક માટે ઑરેન્જ અલર્ટ જાહેર કરી છે. પાલઘરમાં યલો અલર્ટ જાહેર કરવામાં આવી છે. વીજળીના કડાકાભડાકા સાથે ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ગઈ કાલે સાંજે ૮ વાગ્યા સુધીમાં ઈસ્ટર્ન સબર્બ્સમાં ૪૭.૯૫ મિલીમીટર અને વેસ્ટર્ન સબર્બ્સમાં ૬૧.૪૭ મિલીમીટર અને શહેરમાં ૩૦.૮૩ મિલીમીટર વરસાદ નોંધાયો હતો.
નવી મુંબઈમાં ભારે વરસાદને પગલે APMC માર્કેટમાં પાણી ભરાયાં
ADVERTISEMENT
શુક્રવારે વહેલી સવારથી શરૂ થયેલા વરસાદને લીધે નવી મુંબઈમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. સાનપાડા અન્ડરપાસ અને તુર્ભે MIDC રોડ પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. APMC માર્કેટમાં પાણી ભરાતાં વેપારીઓની હાલત બગડી હતી.
ઑરેન્જ અલર્ટ : કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા.
યલો અલર્ટ : છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા.

