ડૉ. ગુપ્તાને પ્રિન્ટ મીડિયા ઇન્ડસ્ટ્રીમાં ૬૦ વર્ષથી પણ વધુનો અનુભવ છે, તેમણે અનેકવિધ મીડિયા સંસ્થાઓમાં વિવિધ મુખ્ય હોદ્દાઓ અને અનેક સામાજિક અને સાંસ્કૃતિક સંગઠનોમાં વરિષ્ઠ માનદ હોદ્દાઓ સંભાળ્યા છે
ડૉ. મહેન્દ્ર મોહન ગુપ્તા
હિન્દી દૈનિક ‘દૈનિક જાગરણ’, મુંબઈથી પ્રકાશિત થતાં ટૅબ્લૉઇડ્સ ‘મિડ-ડે’ અને ‘મિડ-ડે ગુજરાતી’ તથા ઉર્દૂ ન્યુઝપેપર ‘ઇન્કિલાબ’નું પ્રકાશન કરતી કંપની જાગરણ પ્રકાશન લિમિટેડના ડૉ. મહેન્દ્ર મોહન ગુપ્તાને શુક્રવારે પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા (PTI)ના બોર્ડ ઑફ ડિરેક્ટર્સના ચૅરમૅન તરીકે ચૂંટવામાં આવ્યા હતા.
ડૉ. મહેન્દ્ર મોહન ગુપ્તાની ચૂંટણી નવી દિલ્હીમાં સમાચાર એજન્સીના મુખ્યાલય ખાતે PTIના બોર્ડ ઑફ ડિરેક્ટર્સની વાર્ષિક સામાન્ય સભા પછી યોજાયેલી બેઠકમાં થઈ હતી. તેમણે ધ પ્રિન્ટર્સ (મૈસૂર) પ્રાઇવેટ લિમિટેડના કે.એન. શાંતકુમારનું સ્થાન લીધું છે.
ADVERTISEMENT
બોર્ડે માતૃભૂમિ જૂથના એમ.વી. શ્રેયમ્સકુમારને વાઇસ-ચૅરમૅન તરીકે ચૂંટ્યા હતા.
૮૪ વર્ષના ડૉ. મહેન્દ્ર મોહન ગુપ્તા જાગરણ પ્રકાશન લિમિટેડના નૉન-એક્ઝિક્યુટિવ ચૅરમૅન છે અને એની શરૂઆતથી જ આ મીડિયા ગ્રુપ સાથે સંકળાયેલા છે. તેમણે ‘દૈનિક જાગરણ’ના એડિટોરિયલ ડિરેક્ટરનું પદ પણ સંભાળ્યું હતું.
પ્રિન્ટ મીડિયા ઉદ્યોગમાં ૬૦ વર્ષથી વધુનો અનુભવ ધરાવતા ડૉ. મહેન્દ્ર મોહન ગુપ્તાએ યુનાઇટેડ ન્યુઝ ઑફ ઇન્ડિયા (UNI)ના ચૅરમૅન, ધી ઇન્ડિયન ન્યુઝપેપર સોસાયટી (INS)ના પ્રેસિડન્ટ, ઇન્ડિયન લૅન્ગ્વેજિસ ન્યુઝપેપર અસોસિએશન (ILNA)ના પ્રેસિડન્ટ, ઑડિટ બ્યુરો ઑફ સર્ક્યુલેશન્સના કાઉન્સિલ સભ્ય અને પ્રેસ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના સભ્ય સહિત વિવિધ મુખ્ય હોદ્દાઓ સંભાળ્યા છે. તેઓ વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક સંગઠનોમાં વરિષ્ઠ માનદ હોદ્દાઓ પણ ધરાવે છે.
ડૉ. ગુપ્તા એપ્રિલ ૨૦૦૬થી એપ્રિલ ૨૦૧૨ સુધી રાજ્યસભાના સંસદસભ્ય હતા અને હાલમાં INSની એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય છે.
મીડિયા નેતૃત્વ અને જાહેર જીવનમાં ડૉ. મહેન્દ્ર મોહન ગુપ્તાના ઉત્કૃષ્ટ યોગદાનને માન્યતા આપવા માટે ૨૦૧૮ના મે મહિનામાં રાંચીની ઝારખંડ રાય યુનિવર્સિટીએ તેમને ડૉક્ટર ઑફ ફિલોસૉફીની માનદ ડિગ્રી એનાયત કરી હતી. સમાજ, ભારતીય વેપાર અને ઉદ્યોગ માટે અને ખાસ કરીને અખબાર ઉદ્યોગ માટે તેમના કાર્યને ભારતમાં વિવિધ સામાજિક, સાંસ્કૃતિક અને વ્યાવસાયિક સંસ્થાઓ દ્વારા બિરદાવવામાં આવ્યું છે.
પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા દેશની સૌથી મોટી અને સૌથી જૂની પ્રાઇવેટ સમાચાર એજન્સી છે. એની સ્થાપના ૧૯૪૭માં સ્વતંત્રતા પછી બે અઠવાડિયાં બાદ અખબારોના એક જૂથ દ્વારા કરવામાં આવી હતી, જે એની માલિકી પણ ધરાવે છે. જોકે શૅરધારકોને કંપનીના નફાનો કોઈ ભાગ મળતો નથી. આ ફન્ડ સમાચાર એજન્સીના વિકાસ અને આધુનિકીકરણ માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

