અમેરિકામાં ભણતા ભારતીય સ્ટુડન્ટની સલાહ સોશ્યલ મીડિયામાં જબરદસ્ત વાઇરલ થઈ છે
ફાઇલ તસવીર
અમેરિકામાં MS (માસ્ટર ઑફ સાયન્સ)નો અભ્યાસ કરી રહેલા એક ભારતીય સ્ટુડન્ટે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ રેડિટ પર કરેલી એક પોસ્ટના કારણે ચર્ચાનો દોર શરૂ થયો છે જેમાં આ સ્ટુડન્ટે કહ્યું છે કે ભારતીય સ્ટુડન્ટ્સ આગામી ત્રણ-ચાર વર્ષ સુધી વધુ અભ્યાસ માટે અમેરિકા ન આવે. તેણે લખ્યું છે કે ‘કોચિંગ માફિયાઓ કૌભાંડ ચલાવી રહ્યા છે. તેઓ અમેરિકાને દૂધ અને મધની ભૂમિ ગણાવી રહ્યા છે, પણ અહીં આવવાની જરૂર નથી. સ્ટુડન્ટ્સ નોકરી મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. હું જાણું છું કે ઘણા ભારતીય સ્ટુડન્ટ્સ ડિપ્રેશનમાં જતા રહે છે. અમેરિકન યુનિવર્સિટીઓ તમારા પૈસા લઈ લેશે અને તમે ભારે દેવામાં અને હતાશામાં ડૂબી જશો.’
આ પોસ્ટ સોશ્યલ મીડિયામાં ભારે વાઇરલ થઈ છે અને ઘણા સ્ટુડન્ટ્સે તેમના અનુભવ પણ શૅર કર્યા છે. ઘણા તેની સાથે સંમત થયા છે. જોકે અમેરિકામાં ભણવાથી આંતરરાષ્ટ્રીય અનુભવ મળી રહે છે એ સારું પાસું હોવાનું ઘણાએ લખ્યું હતું.
ADVERTISEMENT
આ મુદ્દે એક યુઝરે લખ્યું હતું કે ‘૨૦૨૨ સુધી ગ્રૅજ્યુએશન પહેલાં સ્ટુડન્ટ્સને ત્રણ-ત્રણ નોકરીની ઑફર મળતી હતી, પણ ગ્રૅજ્યુએશનના એક વર્ષ બાદ હવે તેમની પાસે એક પણ ઑફર નથી. જો તમે શ્રીમંત હો અને યુનિવર્સિટીને ચૂકવવામાં આવેલાં નાણાં ગુમાવવાનું જોખમ લેવા માગતા હો તો અમેરિકા આવજો.’ બીજા એક યુઝરે લખ્યું હતું કે ‘આ વાત પર હું વ્યક્તિગત રીતે સંમત છું. જોકે તમે બે વર્ષ રાહ જુઓ, નીતિઓ સ્પષ્ટ થવા દો અને પછી જ અમેરિકા આવો.’

