ઘણા વખતથી પૉપ સિંગર કૅટી પેરી અને કૅનેડાના ભૂતપૂર્વ વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો ડેટિંગ કરી રહ્યાં છે એવી અફવાઓ ચર્ચામાં હતી
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
ઘણા વખતથી પૉપ સિંગર કૅટી પેરી અને કૅનેડાના ભૂતપૂર્વ વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો ડેટિંગ કરી રહ્યાં છે એવી અફવાઓ ચર્ચામાં હતી. જોકે તાજેતરમાં એક યૉટ પર બન્ને એકમેકને કિસ કરતાં હોય એવી તસવીરો સોશ્યલ મીડિયામાં વાઇરલ થતાં બન્ને વચ્ચે કંઈક રંધાઈ રહ્યું હોવાની વાત પાકી હોય એવું લાગે છે. ડેઇલી મેલ ન્યુઝપેપરના દાવા મુજબ બન્ને કૅલિફૉર્નિયાના સૅન્ટા બાર્બરાના કિનારે ૨૪ મીટર લાંબી યૉટ પર હતાં એ વખતની આ તસવીર છે. એમાં બન્ને રોમૅન્ટિક મૂડમાં કિસ કરી રહ્યાં હોય એવું જણાય છે. આ ફોટો ગયા મહિનાનો હોવાનું કહેવાય છે. આ તસવીરોમાં કૅટી પેરીએ મૉનોકિની પહેરેલી હતી, જ્યારે જસ્ટિન ટ્રુડો શર્ટલેસ હતા. થોડા સમય પહેલાં બન્ને ડિનર-ડેટ પર ગયેલાં જોવા મળ્યાં ત્યારે તેમના સંબંધો વિશે ચર્ચા શરૂ થયેલી. ગયા મહિને બન્ને એક જ યૉટ પર જોવા મળ્યાં હતાં.
૪૦ વર્ષની કૅટી પેરીએ ઑર્લેન્ડો બ્લુમ સાથેનાં પહેલાં લગ્નથી આ જ વર્ષે છૂટાછેડા લીધા હતા. તેને એક દીકરી છે. ૫૩ વર્ષના જસ્ટિન ટ્રુડોએ પત્ની સૉફી ગ્રેગોઇરે સાથેના ૧૮ વર્ષના લગ્નજીવન બાદ ૨૦૨૩માં ડિવોર્સ લીધા હતા. તેમને ૩ સંતાનો છે.

