૮.૮ તીવ્રતાના ભૂકંપ પછી રશિયા, જપાન, અમેરિકા, કૅનેડા સહિત અનેક દેશોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાનું શરૂ : ભારતના દરિયાકાંઠે કોઈ જોખમ નહીં
ગઈ કાલે મોડી સાંજ સુધી ભૂકંપ અને સુનામીના અસરગ્રસ્ત વિસ્તારોમાં ક્યાંય જાનહાનિ નોંધાઈ નહોતી.
રશિયામાં ભારતીય સમય મુજબ ગઈ કાલે સવારે ૪.૫૪ વાગ્યે ૮.૮ની તીવ્રતાના આવેલા ભૂકંપને કારણે વિશ્વના ઘણા દેશોમાં સુનામીનો ખતરો ઊભો થયો છે. લોકોને ૨૦૧૧માં જપાનમાં થયેલો વિનાશ યાદ આવવા લાગ્યો છે. વિશ્વનો છઠ્ઠો સૌથી મોટો ભૂકંપ બુધવારે રશિયાના કામચાટકામાં આવ્યો હતો. ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે સુનામીનો ભય શરૂ થઈ ગયો હતો. પૅસિફિક મહાસાગરમાં રશિયાને અડીને આવેલા દેશોમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે.
સુનામીનાં મોજાં શરૂ
ADVERTISEMENT
રશિયામાં આવેલા ભૂકંપ પછી સુનામીનાં મોજાં શરૂ થયાં છે. જપાન ઉપરાંત અમેરિકા, રશિયા સુધી સુનામીનાં મોજાં પહોંચવા લાગ્યાં છે. અમેરિકાના દરિયાકાંઠાનાં રાજ્યોમાં પણ સમય સાથે સુનામીનો ભય વધી રહ્યો છે. સુનામીનાં મોજાં હવાઇયન કિનારા પર અથડાવા લાગ્યાં છે. મોજાંઓની ઊંચાઈ હાલમાં ઓછી હોઈ શકે છે, પરંતુ એ આવનારા મોટા ભય તરફ ઇશારો કરી રહ્યા છે. હવાઈના દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે.
સુનામીનો ભય ક્યાં છે?
રશિયા, જપાન, અમેરિકા, કૅનેડા, ઇક્વાડોર, પેરુ, મેક્સિકો, ન્યુ ઝીલૅન્ડ, ચીન, ફિલિપીન્સ, તાઇવાન અને ઇન્ડોનેશિયામાં સુનામીનો ભય છે. દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. તાઇવાન અને ઇન્ડોનેશિયાના લોકો ગભરાટમાં છે, કારણ કે અહીં પણ પ્રશાસને સુનામીની ચેતવણી જારી કરી છે.
અમેરિકામાં શું અસર થઈ શકે?
અમેરિકામાં સુનામીની ૧૦ કરોડ લોકોને અસર કરી શકે છે. અમેરિકાનાં ૯ રાજ્યોમાં સુનામીનો ભય છે. હવાઈની વસ્તી ૧૫ લાખ છે અને અલાસ્કામાં ૭.૫ લાખ લોકો રહે છે. અમેરિકાના સૌથી મોટા રાજ્ય કૅલિફૉર્નિયામાં પણ સુનામીનાં મોજાંની અસર જોવા મળી શકે છે. કૅલિફૉર્નિયાની કુલ વસ્તી ૩.૯૦ કરોડ છે. એવી જ રીતે વૉશિંગ્ટન, ઑરેગોન, ટેક્સસ, ન્યુ મેક્સિકો, એરિઝોના અને લુઇસિયાનામાં સુનામીનાં મોજાંઓને કારણે વિનાશનો ભય છે.
ઇતિહાસમાં નોંધાયેલા સૌથી વધુ તીવ્રતાના ભૂકંપોમાંનો એક ગઈ કાલે રશિયાના પૂર્વીય દરિયાકાંઠે નોંધાયો હતો. એને કારણે રશિયાના અનેક વિસ્તારોમાં તારાજી સર્જાઈ હતી. ભૂકંપ પછી સમગ્ર પૅસિફિક મહાસાગરમાં વિશાળ મોજાં ઊછળ્યાં હતાં. હવાઈથી લઈને જપાન સુધી ૧૨ ફુટ સુધીની ઊંચાઈનાં સુનામીનાં મોજાં ઊછળ્યાં હતાં.
જપાનમાં શું પરિસ્થિતિ છે?
જપાનના દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીનાં મોજાં અથડાઈ રહ્યાં છે. પૅસિફિક મહાસાગરમાં ઊંચાં મોજાં ઊછળી રહ્યાં છે જેના કારણે જપાનના દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે. ૨૦ લાખ લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. જપાનના હવામાન વિભાગે પૂર્વી દરિયાકાંઠા માટે સુનામીની ચેતવણી જારી કરી છે. હોક્કાઇડોથી ક્યોશુ સુધી ચેતવણી જારી કરવામાં આવી છે. લોકોને દરિયાકાંઠાના વિસ્તારો ખાલી કરવા અને સમુદ્રથી દૂર રહેવા કહેવામાં આવ્યું છે.
સુનામી આવતાં પહેલાં ૪ સંકેત આપે છે
સમગ્ર પેસિફિક સમુદ્રની આસપાસના દેશો અત્યારે સુનામીના ભયનો સામનો કરી રહ્યા છે. તમામ સંભવિત દરિયાકાંઠાઓના વિસ્તારોમાં સુનામીથી બચવા માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સુનામી આવતાં પહેલાં ચેતવણીની સાથે કેટલાક સંકેતો આપે છે જેને સમજીને સુનામીથી થતા મોટા નુકસાનને ટાળી શકાય છે. આ સંકેતોને સમજીને ૨૧ વર્ષ પહેલાં ૨૦૦૪માં ૮ વર્ષની એક છોકરીએ ઘણા લોકોના જીવ બચાવ્યા હતા.
ભૂકંપ પછી રશિયામાં જ્વાળામુખી ફાટ્યો
ગઈ કાલે સવારે રશિયામાં આવેલા અત્યંત તીવ્ર ભૂકંપને પગલે સમગ્ર પૅસિફિક મહાસાગરની આસપાસના વિસ્તારોમાં હલચલ મચી ગઈ હતી. ભૂકંપગ્રસ્ત વિસ્તારની નજીક આવેલો રશિયાનો ક્લેચેસ્કી જ્વાળામુખી ભૂકંપ પછી અચાનક અત્યંત સક્રિય થયો હતો અને દાવાનળ ફેંકવા માંડ્યો હતો.
સુનામીના કુદરતી સંકેતો
દરિયાકિનારા નજીક ખૂબ જ મજબૂત ભૂકંપના આંચકાનો અનુભવ થાય છે.
સમુદ્રના પાણીમાંથી ટ્રેન કે જહાજ જેવા જોરદાર ગર્જનાના અવાજો આવે છે.
સમુદ્રનું વર્તન અચાનક બદલાય છે અને એના પાણીનું સ્તર ઝડપથી વધતું કે ઘટતું જોવા મળે છે.
સમુદ્રનાં મોજાં ઝડપથી પાછળ હટવા લાગે છે. સમુદ્રમાં એક મોટું મોજું જોવા મળે છે જે આવનારી સુનામીનો મજબૂત સંકેત છે. ક્યારેક આ મોટું મોજું ઝડપથી દેખાય છે, પરંતુ જો સમુદ્રનાં મોજાં પાછળ હટતાં હોય તો સુનામીની શક્યતા વધારે છે.
ઇતિહાસમાં અગાઉ નોંધાયેલા સૌથી વધુ તીવ્રતાના ધરતીકંપ
૧) ૯.૫ – ૧૯૬૦ – ચિલી
૨) ૯.૨ – ૧૯૬૪ – અલાસ્કા
૩) ૯.૧ – ૨૦૦૪ – ઇન્ડોનેશિયા
૪) ૯.૧ – ૨૦૧૧ – જપાન
૫) ૯.૦ – ૧૯૫૨ – રશિયા
૬) ૮.૮ – ૧૯૦૬ – એક્વાડોર
૭) ૮.૮ – ૨૦૧૦ - ચિલી
૮) ૮.૮ – ૨૦૨૫ – રશિયા
૨૦૦૪માં ૮ વર્ષની છોકરીએ લોકોના જીવ બચાવ્યા હતા
૨૦૦૪માં આ સંકેતોને સમજીને યુનાઇટેડ કિંગડમની ટિલી સ્મિથે ૮ વર્ષની ઉંમરે ઘણા લોકોના જીવ બચાવ્યા હતા. ટિલી સ્મિથના પરિવાર સહિત ઘણા લોકો ફુકેટના માઇ ખાઓ બીચ પર મૉર્નિંગ વૉક કરી રહ્યા હતા. એ સમયે ટિલી સ્મિથને સમુદ્રની ગતિવિધિ અંગે શંકા ગઈ. તેને સમુદ્ર બરાબર ૧૯૪૬માં હવાઈમાં આવેલા સુનામી જેવું જ વર્તન કરતો જોવા મળ્યો હતો. આ વિશે તેને સ્કૂલમાં સમજાવવામાં આવ્યું હતું. ટિલી સ્મિથે તરત જ તેના પરિવારને એ વિશે કહ્યું, પરંતુ શરૂઆતમાં તેમણે તેના પર વિશ્વાસ ન કર્યો. જોકે જ્યારે ટિલીએ સુનામીના સંકેતો વિશે કહ્યું ત્યારે તેના પરિવારે તેને ટેકો આપ્યો અને દરિયાકિનારા પરના બધા લોકોને ઊંચાં સ્થળોએ લઈ ગયા. આ પછી સુનામી આવી, પરંતુ કોઈ નુકસાન થયું નહીં.

